<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

BCI કેમ્પસમાં વકીલો પર હુમલાનો મામલો: દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈ (CBI) તપાસની અરજી ફગાવી, મેજિસ્ટ્રેટનો સંપર્ક કરવા આપ્યો આદેશ

સ્વતંત્ર એજન્સી પાસે તપાસ કરાવવાની માંગ અગ્રાહ્ય રાખતાં જસ્ટિસ ગિરીશ કઠપાલિયાની બેંચનો મહત્વનો ચુકાદો: કાયદાકીય વિકલ્પો હાજર હોવાથી સીધા હાઈકોર્ટના હસ્તક્ષેપનો સ્પષ્ટ ઇનકાર

નવી દિલ્હી, તા.૨૧: દિલ્હી હાઈકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) ના કેમ્પસમાં વકીલો પર થયેલા કથિત હુમલાની ઘટનામાં મોટો અને મહત્વનો ચુકાદો આપ્યો છે. ઓગસ્ટ મહિનામાં BCI ઓફિસની બહાર બનેલી આ હિંસક ઘટના અંગે એફઆઈઆર (FIR) નોંધીને સીબીઆઈ (CBI) અથવા અન્ય કોઈ સ્વતંત્ર તપાસ એજન્સી પાસે તપાસ કરાવવાની માંગ કરતી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ ગિરીશ કઠપાલિયાની આગેવાની હેઠળની બેંચે આ કાનૂની લડાઈમાં સ્પષ્ટ કર્યું છે કે અરજદારો પાસે નીચલી અદાલતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ કાયદાકીય ઉપાયો ઉપલબ્ધ હોવાથી હાઈકોર્ટ દ્વારા સીધી તપાસનો આદેશ આપવાનો કોઈ આધાર બનતો નથી.

આ સમગ્ર મામલાની વિગત મુજબ, ગત ૨૦-૨૧ ઓગસ્ટની મોડી રાત્રે યુવા વકીલોનું એક જૂથ પોતાની માંગણીઓને લઈને BCI ઓફિસ બહાર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યું હતું. અરજદાર વકીલ કુણાલ યાદવ અને અન્ય લોકોનો આરોપ છે કે રાત્રે આશરે ૧:૧૫ થી ૧:૨૦ વાગ્યાના સુમારે વકીલોના વેશમાં આવેલા ૨૫ થી ૩૦ જેટલા અજાણ્યા સશસ્ત્ર તત્વોએ કેમ્પસમાં ઘૂસીને વિરોધ કરી રહેલા વકીલો પર અચાનક હુમલો કરી દીધો હતો. આ ઘટના પોલીસ અધિકારીઓની હાજરીમાં જ બની હોવાનો પણ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ ૨૨ ઓગસ્ટે IP એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં અરજદારોએ BCI ના CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાની અને સીબીઆઈ તપાસની માંગ સાથે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરવાનો વૈકલ્પિક ઉપાય ઉપલબ્ધ: હાઈકોર્ટ

હાઈકોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું હતું કે અરજદારોએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૨૨૩ હેઠળ સ્થાપિત કાયદાકીય પ્રક્રિયા મુજબ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અથવા સંબંધિત મેજિસ્ટ્રેટનો સંપર્ક કર્યો ન હતો. અદાલતે વધુમાં ઉમેર્યું કે પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) દ્વારા કોઈ ગુનાહિત બેદરકારી દાખવવામાં આવી હોય તેવું પણ સાબિત થતું નથી. સામાન્ય કાનૂની માર્ગો ખુલ્લા હોવા છતાં તેને કેમ અગ્રાહ્ય ગણવામાં આવ્યા તેનું કોઈ સ્પષ્ટ કારણ અરજીમાં આપવામાં આવ્યું ન હોવાથી, અદાલતે અરજદારોને મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવવાની સલાહ આપીને અરજીનો નિકાલ કર્યો હતો.

(4:25 PM IST)