તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
દિશા સાલિયન કેસમાં વકીલ નિલેશ ઓઝાનો વિસ્ફોટક દાવો: ‘ઉદ્ધવ ઠાકરે મુખ્ય આરોપી, આદિત્યને બચાવવા પુરાવા ગાયબ કરાયા’
CCTV ફૂટેજ સાથે ચેડાં અને સચિન વાઝેની પુનઃનિયુક્તિ પાછળ મહાવિકાસ આઘાડી સરકારનું કાવતરું હોવાનો ગંભીર આરોપ

મુંબઈ : દિશા સાલિયનના રહસ્યમય મોતના મામલે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. દિશા સાલિયનના પિતા સતીશ સાલિયનનું પ્રતિનિધિત્વ કરતા વકીલ નિલેશ ઓઝાએ શુક્રવારે બોમ્બ ફોડતા આરોપ લગાવ્યો છે કે આ કેસમાં શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેને બચાવવા માટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે "મુખ્ય આરોપી" તરીકે ઉભરી આવ્યા છે.
સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં વકીલ ઓઝાએ સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝેની સેવામાં પુનઃનિયુક્તિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે કથિત ગેરરીતિઓ પર પડદો પાડવા માટે જ વાઝેને પરત લાવવામાં આવ્યા હતા. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના નિવેદનને ટાંકીને ઓઝાએ ઉમેર્યું કે, ઉદ્ધવ અને આદિત્ય ઠાકરેએ ખુદ પરમબીર સિંહ પર દબાણ બનાવીને વાઝેની એન્ટ્રી કરાવી હતી.
ઓઝાએ ઘટનાસ્થળના CCTV અને DVR પુરાવા સાથે ભારે ચેડાં થયા હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે DVRમાંથી આદિત્ય ઠાકરે સહિત અન્ય મોટા નામો હટાવી દેવાયા હતા. જ્યારે કોર્ટે સાલિયન પરિવારને તમામ દસ્તાવેજો સોંપવાનો આદેશ આપ્યો, ત્યારે પોલીસ અધિકારીઓએ બેકઅપ હાર્ડ ડ્રાઈવ ગાયબ થઈ ગઈ હોવાનું બહાનું કાઢ્યું હતું. વકીલે ચેતવણી આપી છે કે IPC ની કલમ ૪૦૯ હેઠળ પુરાવા ગાયબ કરનાર અધિકારીઓ સામે કડક ફોજદારી કાર્યવાહી થશે.
બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી સખત શબ્દોમાં ફગાવી દીધા છે. તેમણે પોતાના પરિવાર પર લાગેલા દાગને ‘ચરિત્ર હત્યા’ કરવાનું કાવતરું ગણાવ્યું છે અને આ મામલે કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી છે. ઉલ્લેખનીય છે કે, સતીશ સાલિયને અગાઉ આદિત્ય ઠાકરે અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ૫૦૦ કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ પણ ફટકારી છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
