News of Monday, 19th October 2026
જેલના સળિયા પાછળથી ચાલતું લોરેન્સ બિશ્નોઈનું ઈન્ટરનેશનલ નેટવર્ક: ડી-કંપની જેવા સામ્રાજ્ય માટે સોશિયલ મીડિયાથી સગીરોની ભરતીનું મોટું ષડયંત્ર
હાઈટેક ટેકનોલોજી, વીપીએન અને વિદેશી સાગરીતોની મદદથી ગુનાહિત સામ્રાજ્યનું સંચાલન; ગન-કલ્ચર અને પૈસાની લાલચ આપી સામાન્ય પરિવારના યુવાનોને ગુનાખોરી તરફ ધકેલતી ગેંગ

ચંડીગઢ : દેશની વિભિન્ન અત્યંત કડક અને ચુસ્ત સુરક્ષા ધરાવતી હાઈ-સિક્યોરિટી જેલોમાં છેલ્લા એક દાયકાથી બંધ હોવા છતાં, કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું ક્રાઈમ નેટવર્ક દેશ-વિદેશમાં સતત સક્રિય અને વધુ આક્રમક બની રહ્યું છે. જેલના સળિયા પાછળથી પણ તે પોતાના સાગરીતો અને શૂટર્સ સાથે સતત સંપર્કમાં રહે છે. અપરાધ જગતમાં બિશ્નોઈ સિન્ડિકેટનું કદ એટલું વિશાળ અને ભયાનક થઈ ચૂક્યું છે કે દેશની સર્વોચ્ચ તપાસ એજન્સીઓ હવે તેની તુલના દાઉદ ઈબ્રાહિમની કુખ્યાત 'ડી-કંપની' સાથે કરવા લાગી છે.
હરિયાણા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને દિલ્હી પોલીસના ચોંકાવનારા ખુલાસાઓ મુજબ, લોરેન્સ બિશ્નોઈ જેલમાંથી સાગરીતોનો સંપર્ક કરવા માટે વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (VPN) અને વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ (VoIP) જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જેમાં સામાન્ય મોબાઈલ નેટવર્કની જરૂર ન પડતી હોવાથી કોલ ટ્રેસ કરવો અત્યંત મુશ્કેલ બને છે. આ ઉપરાંત, કેનેડા, બ્રિટન અને અન્ય દેશોમાં બેઠેલા ગોલ્ડી બ્રાર, લિપિન નેહરા અને રોહિત ગોદારા જેવા આંતરરાષ્ટ્રીય સાગરીતો વિદેશથી તમામ ટાર્ગેટ અને ફંડિંગનું સંચાલન કરે છે.
હરિયાણા STF ના ગુડગાંવ યુનિટના ખુલાસા અનુસાર, આ ગેંગમાં નવા શૂટર્સની ભરતી કરવાની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી છે. સોશિયલ મીડિયા પર લોરેન્સ અને ગેંગના મુખ્ય સભ્યોના નામે ફેક ફેન પેજીસ બનાવીને ગન-કલ્ચર અને અપરાધ પ્રત્યે આકર્ષિત થતા ગરીબ પરિવારના સગીર વયના કિશોરોનો સંપર્ક કરવામાં આવે છે. સગીરોનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવાથી અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કડક સજાથી બચી જવાની માનસિકતાનો ફાયદો ઉઠાવીને તેમને પૈસા અને મોંઘી લાઈફસ્ટાઈલની લાલચ આપીને શૂટર બનાવવામાં આવે છે.
સિદ્ધૂ મૂસેવાલા હત્યા કેસના આરોપીઓની કબૂલાત મુજબ, આ સિન્ડિકેટમાં હાલ ૨૦૦થી વધુ યુવા શૂટર્સ સક્રિય છે. ગુનો આચરતા પહેલાં અજાણ્યા સોર્સ દ્વારા શૂટર્સ સુધી હથિયારો પહોંચાડાય છે અને ગુનો પૂરો થતાં જ તાત્કાલિક હથિયારો પાછા ખેંચી લેવાય છે, જેથી પોલીસ આરોપીને પકડે તો પણ ગુનામાં વપરાયેલ હથિયાર જપ્ત ન થઈ શકે. દિલ્હી અને હરિયાણા પોલીસના ઉચ્ચ અધિકારીઓના મતે, સોશિયલ મીડિયા પર ગેંગસ્ટર્સનું મહિમામંડન કરતા એકાઉન્ટ્સ પર સાયબર સેલની સખત નજર, એડવાન્સ સાયબર સર્વેલન્સ અને આંતરરાજ્ય પોલીસ સંકલન મજબૂત બનાવવું હવે અનિવાર્ય બની ગયું છે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
