તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા: વિજય વિહારમાં હોબાળો મચાવતા અસામાજિક તત્વોને રોકવા ગયેલા હેડ કોન્સ્ટેબલ પર ૮ શખ્સોનો બેઝબોલ બેટથી ખાતક હુમલો
શાંતિ જાળવવાની સલાહ આપવી પોલીસકર્મીને પડી ભારે: ઈજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલને આંખ પાસે ગંભીર ઈજાઓ થતાં ટાંકા આવ્યા, પોલીસે એકની અટકાયત કરી તપાસ હાથ ધરી.

નવી દિલ્હી, તા.૨૨: દેશની રાજધાની દિલ્હીના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા વિજય વિહારમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિસ્તારમાં હોબાળો મચાવતા અને શાંતિ ભંગ કરતા અસામાજિક તત્વોને અટકાવવા ગયેલા દિલ્હી પોલીસના એક હેડ કોન્સ્ટેબલ પર ૭ થી ૮ શખ્સોના ટોળાએ બેઝબોલ બેટ વડે હિંસક અને ખાતક હુમલો કરી દીધો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, પીડિત હેડ કોન્સ્ટેબલે વિસ્તારમાં કેટલાક શખ્સોને મોટેથી બૂમાબૂમ કરી હોબાળો મચાવતા જોયા હતા. તેમણે ફરજના ભાગરૂપે તે શખ્સો પાસે જઈને શાંતિ જાળવવા અને ત્યાંથી વિખરાઈ જવા સમજાવ્યા હતા. પરંતુ કાયદાનો કોઈ ડર ન હોય તેમ, જેવો પોલીસકર્મી પરત ફરવા લાગ્યો કે તુરંત જ ૭ થી ૮ અજાણ્યા ઈસમોનું જૂથ ધસી આવ્યું હતું અને કોઈપણ ઉશ્કેરણી વગર તેમની પર અચાનક તૂટી પડ્યું હતું.
પીડિત પોલીસકર્મીએ જણાવ્યા મુજબ, હુમલાખોરોએ તેમની પાસે રહેલા બેઝબોલ બેટ વડે તેમને ઘાતકી રીતે ફટકાર્યા હતા. આ અચાનક થયેલા હુમલામાં તેમને શરીર પર અનેક જગ્યાએ ઈજાઓ પહોંચી હતી. ખાસ કરીને તેમની આંખના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ થઈ ગયા હતા અને તેમને તબીબી સારવાર દરમિયાન આંખ પાસે ટાંકા લેવાની ફરજ પડી હતી.
આ બનતા જ વિસ્તારમાં ભારે સસનાટી મચી ગઈ હતી. ઘટના અંગે ગુનો નોંધીને પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ કથિત હુમલાના સિલસિલામાં એક મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય શંકાસ્પદ શખ્સોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે વીડિયો અને સ્થાનિક પુરાવાઓના આધારે ઘટનામાં સંડોવાયેલા બાકીના તમામ આરોપીઓને વહેલી તકે જેલભેગા કરવાની ખાતરી આપી છે.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
