<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ આ ક્ષણને ભારત-ફ્રાન્‍સના સાંસ્‍કૃતિક સંબંધોનો નવો યુગ સ્‍તંભ ગણાવ્‍યો

પેરિસમાં ભવ્‍ય બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિરનું ઉદ્ધાટન : ‘વસુધૈવ કુટુમ્‍બકમ'ની ભાવનાનું પ્રતિક અને ‘મેડ ઇન ઇન્‍ડિયા, બિલ્‍ટ ઇન ફ્રાન્‍સ'નું ઉત્‍કૃષ્ટ ઉદાહરણઃ વર્ચ્‍યુઅલ સંબોધનમાં પીએમ મોદીએ પૂજ્‍ય મહંત સ્‍વામી મહારાજ અને સંતોને અભિનંદન પાઠવ્‍યા

પેરિસ / નવી દિલ્‍હીઃ ફ્રાન્‍સની રાજધાની પેરિસ ખાતે નવનિર્મિત ભવ્‍ય બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિરના ઉદ્ધાટન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આ ઐતિહાસિક ક્ષણને ભારત અને ફ્રાન્‍સના સાંસ્‍કૃતિક સંબંધોનો નવો યુગ સ્‍તંભ ગણાવ્‍યો છે. વર્ચ્‍યુઅલ માધ્‍યમથી સમારોહને સંબોધિત કરતા પ્રધાનમંત્રીશ્રી મોદીએ જણાવ્‍યું હતું કે, આ મંદિર માત્ર આસ્‍થાનું કેન્‍દ્ર નથી, પરંતુ બંને દેશોના સહિયારા સાંસ્‍કૃતિક મૂલ્‍યો, સહયોગ અને ‘વસુધૈવ કુટુમ્‍બકમ'ની ભાવનાનું પ્રતિક છે.

સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પૂજ્‍ય મહંત સ્‍વામી મહારાજ, સંતવૃંદ અને સમગ્ર બીએપીએસ સંસ્‍થાને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્‍યા હતા તેમજ બ્રહ્મસ્‍વરૂપ પ્રમુખસ્‍વામી મહારાજને શ્રદ્ધાપૂર્વક નમન કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, પ્રમુખસ્‍વામી મહારાજે શરૂ કરેલા સાંસ્‍કૃતિક અને આધ્‍યાત્‍મિક પુનર્જાગરણનો પ્રકાશ આજે યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૪માં અબુ ધાબીમાં મંદિરના ઉદ્ધાટન બાદ પેરિસમાં આ ભવ્‍ય નિર્માણ તે જ સંકલ્‍પશક્‍તિની નિરંતરતાનું પરિણામ છે.

વડાપ્રધાન મોદીએ મંદિરની અદભુત સ્‍થાપત્‍ય કલાની પ્રશંસા કરતા કહ્યું હતું કે, આ મંદિર 'મેડ ઇન ઇન્‍ડિયા' અને 'બિલ્‍ટ ઇન ફ્રાન્‍સ'નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતમાં કલાત્‍મક રીતે કોતરવામાં આવેલા પથ્‍થરોને ફ્રાન્‍સમાં આધુનિક એન્‍જાિનિયરિગ સાથે જોડીને આ ભવ્‍ય સ્‍વરૂપ આપવામાં આવ્‍યું છે.

પીએમ મોદીએ આશા વ્‍યક્‍ત કરી હતી કે, આ ભવ્‍ય મંદિર ભક્‍તિની સાથે-સાથે માનવ સેવાનું પણ મુખ્‍ય કેન્‍દ્ર બનશે અને અહીંથી ભારતીય સંસ્‍કૃતિનો શાંતિ તથા સદ્વાવનો સંદેશ સમગ્ર યુરોપમાં પહોંચશે. ભવિષ્‍યમાં તક મળતાં તેઓ પોતે આ મંદિરના દર્શન કરવા જશે તેવી ઈચ્‍છા પણ પ્રધાનમંત્રીએ વ્‍યક્‍ત કરી હતી.

(10:30 AM IST)