<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

માઇક્રોફોનથી 25 ફૂટ દૂર ઉભા રહીને લતા મંગેશકરે ગાયું હતું બોલિવૂડનું સૌથી રહસ્યમય ગીત, 77 વર્ષ પછી પણ રૂંવાડા ઉભા કરી દેતા 'મહલ'ના આ આઇકોનિક ટ્રેકની અનોખી કહાની!

કોઈ હાઈટેક સોફ્ટવેર કે ટેક્નોલોજી વિના માત્ર ગાયિકાના સ્ટેપ્સથી ક્રિએટ કરાયો હતો 'ભૂતિયા અવાજ'; ₹9 લાખના બજેટવાળી સસ્પેન્સ ફિલ્મે તે જમાનામાં કમાયા હતા કરોડો રૂપિયા

નવી દિલ્હી : સ્વર કોકિલા લતા મંગેશકરે પોતાના સાત દાયકા લાંબા કરિયરમાં હિન્દી સિનેમાને એકથી ચઢિયાતા એક સદાબહાર ગીતો આપ્યા છે. તેમણે ૩૬ થી વધુ ભાષાઓમાં પોતાના અવાજનો જાદુ પાથર્યો છે. પરંતુ, આજે પણ જ્યારે ભારતીય સિનેમાના સૌથી લોકપ્રિય અને રહસ્યમય ગીતોની વાત નીકળે, ત્યારે વર્ષ 1949 માં રિલીઝ થયેલી હોરર-સસ્પેન્સ ફિલ્મ 'મહલ'નું ગીત "આયેગા આને વાલા" સૌથી ટોચ પર આવે છે. આ એ જ સુપરહિટ ગીત છે જેણે લતાજીને બોલિવૂડમાં 'મેલોડી ક્વીન' તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. જોકે, આ ગીતના રેકોર્ડિંગ પાછળની જે કહાની છે તે કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી.
ટેક્નોલોજી વિના કેવી રીતે લવાયો રૂંવાડા ઉભા કરતો ઇકો ઇફેક્ટ?
આજથી 77 વર્ષ પહેલાં અત્યારના સમય જેવા આધુનિક સાઉન્ડ મિક્સર્સ, હાઈટેક સોફ્ટવેર કે સ્પેશિયલ ઇફેક્ટ્સની ભારે અછત હતી. ફિલ્મ 'મહલ' ના નિર્દેશક કમલ અમરોહી અને સંગીતકાર ખેમચંદ પ્રકાશ આ ગીતમાં કંઈક એવું કરવા માંગતા હતા જેથી સાંભળનારના કરોડરજ્જુમાં ધ્રુજારી છૂટી જાય. તેઓ ઈચ્છતા હતા કે ગીતનો અવાજ એવો લાગે જાણે કોઈ અદ્રશ્ય પડછાયો કે આત્મા ખૂબ દૂરથી ગીત ગાતી ગાતી ધીમે-ધીમે શ્રોતાઓની નજીક આવી રહી હોય. આ ઇફેક્ટ લાવવા માટે તેમણે એક અનોખો દેશી જુગાડ કર્યો.
સ્ટુડિયોના ખૂણામાંથી માઇક તરફની એ ઐતિહાસિક સફર
રેકોર્ડિંગના દિવસે સ્ટુડિયોની બરાબર વચ્ચે એક માઇક્રોફોન ગોઠવવામાં આવ્યો હતો. સંગીતકારે લતા મંગેશકરને માઇકથી આશરે 25 ફૂટ દૂર રૂમના એક સાવ ખાલી ખૂણામાં ઊભા રાખી દીધા. લતાજીએ જ્યારે ગીતની શરૂઆતની પંક્તિઓ "ખામોશ હૈ ઝમાના, છુપ્પે હૈ સિતારે..." ગાવાનું શરૂ કર્યું ત્યારે તેમનો અવાજ ઘણો ધીમો અને ખૂબ દૂરથી આવતો હોય તેવો ભાસતો હતો.
જેમ જેમ ગીત આગળ વધતું ગયું, તેમ તેમ લતાજી ગાતા-ગાતા ધીમા પગલે માઇક્રોફોન તરફ ચાલવા લાગ્યા. આયોજન એટલું સચોટ હતું કે જ્યારે ગીતની મુખ્ય લાઇન "આયેગા... આને વાલા આયેગા..." આવી, ત્યારે લતાજી બરાબર માઇકની એકદમ નજીક પહોંચી ગયા હતા. કોઈપણ કમ્પ્યુટર એડિટિંગ વિના ક્રિએટ કરાયેલો આ નેચરલ સાઉન્ડ ઇફેક્ટ એટલો પર્ફેક્ટ રહ્યો કે જ્યારે થિયેટરોમાં આ ગીત વાગ્યું, ત્યારે દર્શકોમાં એક અજીબ ડર અને રોમાંચ પેદા થઈ ગયો હતો.
₹9 લાખના બજેટ સામે અધધ કમાણી!
અશોક કુમાર અને મધુબાલા અભિનીત ફિલ્મ 'મહલ' તે સમયની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ૧૯૪૯ માં આ ફિલ્મ માત્ર ₹9 લાખના નજીવા બજેટમાં તૈયાર થઈ હતી, પરંતુ લતાજીના આ આઇકોનિક ગીત અને ફિલ્મના સસ્પેન્સના જોરે તેણે બોક્સ ઓફિસ પર અંદાજે ₹1.45 કરોડની બમ્પર કમાણી કરીને ઈતિહાસ રચી દીધો હતો. આજે 77 વર્ષ પછી પણ આ ગીત સંગીત જગતનું એક અનમોલ રત્ન ગણાય છે.

(6:21 PM IST)