તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
પૂંછમાં મોટો આતંકી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: લેન્ડમાઈન વિસ્ફોટમાં લશ્કરના ટોચના કમાન્ડર સહિત ચાર આતંકવાદીઓ ઠાર!
કૃષ્ણા ઘાટી સેક્ટરના નાંગી ટાકરી વિસ્તારમાં સર્જાઈ ભયાનક દુર્ઘટના: સેના દ્વારા મેંઢર સેક્ટરમાંથી અન્ય લેન્ડમાઈન પણ સફળતાપૂર્વક ડિફયુઝ કરાઈ

જમ્મુ : જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીક પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલો ઘૂસણખોરીનો એક મોટો નાપાક પ્રયાસ ભારતીય સુરક્ષા દળો અને કુદરતી આફતને કારણે નિષ્ફળ ગયો છે. પૂંચના કૃષ્ણા ઘાટી સેક્ટરના નાંગી ટાકરી વિસ્તારમાંથી ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવા માટે આગળ વધી રહેલા આતંકવાદીઓનું એક જૂથ અચાનક લેન્ડમાઈનથી ઘેરાયેલા સંવેદનશીલ વિસ્તારમાં પહોંચી ગયું હતું. આ દરમિયાન થયેલા એક શક્તિશાળી લેન્ડમાઈન વિસ્ફોટમાં કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના એક ટોચના કમાન્ડર સહિત ચારેય આતંકવાદીઓ ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા.
સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ વિસ્ફોટમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ મોહમ્મદ ઇશ્તિયાક, મોહમ્મદ ફૈઝાન, મોહમ્મદ વકાસ અને મોહમ્મદ અસીમ તરીકે થઈ છે. તે પૈકી મોહમ્મદ ફૈઝાન લશ્કર-એ-તૈયબાનો ખતરનાક કમાન્ડર હોવાનું સામે આવ્યું છે. આ તમામ આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) ના હજીરા તહસીલ અંતર્ગત આવતા મંડલા અને મદારપુર વિસ્તારના રહેવાસી હતા. LoC પર ભારતીય સેના દ્વારા ઘૂસણખોરી રોકવા માટે અગાઉથી જ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે આ લેન્ડમાઈન મૂકવામાં આવ્યા હતા, જે આતંકીઓ માટે જ કાળ સાબિત થયા.
અન્ય એક ઘટનાક્રમમાં, ભારતીય સેનાના જવાનોએ સોમવારે મેંઢર સેક્ટરના બાસોની વિસ્તારમાં સરહદી વાડ નજીકથી બે કાટ લાગેલી લેન્ડમાઈન શોધી કાઢી હતી. રસ્તાના બાંધકામની કામગીરી દરમિયાન સવારે અને બપોરે મળેલી આ માઈન્સને સેનાના નિષ્ણાત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે સમયસર નિયંત્રિત વિસ્ફોટ દ્વારા નષ્ટ કરી દીધી હતી. છેલ્લા એક સપ્તાહ દરમિયાન સેના દ્વારા આ આસપાસના વિસ્તારમાંથી લગભગ એક ડઝન જેટલી શંકાસ્પદ લેન્ડમાઈન શોધીને તેને નિષ્ફળ બનાવવામાં આવી છે. સરહદ પર સુરક્ષા દળોની સતર્કતાને કારણે આતંકીઓની તમામ ચાલ પાણીમાં બેસી ગઈ છે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
