<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

દક્ષિણ ભારતમાં રેલવે નેટવર્કનો મોટો વિસ્તાર: કેબિનેટે કર્ણાટક-આંધ્રપ્રદેશ વચ્ચે ₹૧,૨૬૪ કરોડના મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટને આપી લીલી ઝંડી

બલ્લારી-ગુંટકલ સેક્શન પર બનશે ત્રીજી અને ચોથી રેલવે લાઇન; પ્રવાસન, માલવાહક ક્ષમતા અને ૯૯ ગામડાઓની કનેક્ટિવિટીમાં થશે મોટો સુધારો

નવી દિલ્હી : દક્ષિણ ભારતમાં રેલવે માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા તરફ કેન્દ્ર સરકારે એક મોટું કદમ ઉઠાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ શુક્રવારે કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચેના મહત્વપૂર્ણ બલ્લારી-ગુંટકલ સેક્શન પર મલ્ટી-ટ્રેકિંગ રેલ પ્રોજેક્ટ માટે ₹૧,૨૬૪ કરોડની રોકાણ યોજનાને મંજૂરી આપી દીધી છે.
૨૦૨૮-૨૯ સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો ધ્યેય
કર્ણાટક અને આંધ્રપ્રદેશના ત્રણ મુખ્ય જિલ્લાઓમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ હાલના ભારતીય રેલવે નેટવર્કમાં અંદાજે ૪૬ કિલોમીટર સુધીનો નવો વિસ્તાર ઉમેરશે.
આ રેલ પ્રોજેક્ટ હેઠળ બલ્લારી-ગુંટકલ સેક્શન પર ત્રીજી અને ચોથી નવી રેલવે લાઇન નાખવામાં આવશે. કેન્દ્ર સરકારે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને વર્ષ ૨૦૨૮-૨૯ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
૯૯ ગામડાઓ અને પ્રવાસન સ્થળોને થશે મોટો ફાયદો
આ મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી અંદાજે ૭ લાખની વસ્તી ધરાવતા ૯૯ ગામડાઓ સીધા રેલ કનેક્ટિવિટી સાથે જોડાશે.
આ ઉપરાંત, આ વિસ્તૃત લાઇનના કારણે:
•    પ્રવાસન ક્ષેત્રે બૂસ્ટ: બલ્લારી કિલ્લો અને શ્રી કુમારસ્વામી મંદિર જેવા દેશના પ્રખ્યાત પ્રવાસન સ્થળો સુધી પહોંચવું મુસાફરો માટે વધુ સરળ અને ઝડપી બનશે.
•    માલવાહક ક્ષમતા (Freight Capacity): નવી લાઈનોથી માલગાડીઓની અવરજવર સરળ બનશે, જેનાથી પ્રાદેશિક વેપાર અને માલસામાનના પરિવહનમાં નોંધપાત્ર ઝડપ આવશે.

(6:16 PM IST)