<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

મુંબઈ લોકલ ટ્રેનમાં ભાષાનો જંગ: ટિકિટ ચેકર અને મુસાફર વચ્ચે મરાઠી મુદ્દે તીખી તકરાર

અંધેરી સ્ટેશન પર વાયરલ વીડિયોએ જગાડી નવી ચર્ચાઓ; રેલવે તંત્ર દ્વારા મામલાની તપાસ શરૂ, પોલીસમાં નોંધાઈ ફરિયાદ

મુંબઈ :  મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં ભાષાના મુદ્દે થયેલો એક વિવાદ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. અંધેરી લોકલ ટ્રેનના એસી કોચમાં એક ટિકિટ ચેકર (TC) અને મુસાફર વચ્ચે મરાઠી ભાષાને લઈને ઉગ્ર દલીલો થઈ હતી. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મુસાફરે બિન-મરાઠી ભાષી ટિકિટ ચેકરને હિન્દીને બદલે ફરજિયાત મરાઠીમાં વાત કરવાનો આગ્રહ કર્યો હતો. આ ઘટના બાદ બંને પક્ષોએ અંધેરી સરકારી રેલ્વે પોલીસ (GRP) માં સંપર્ક કરતા મામલો ગરમાયો છે.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દલીલ વધુ ગંભીર બનતા અન્ય એક મરાઠી જાણતા ટિકિટ ચેકરે વચ્ચે પડીને પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ ટ્રેનમાં સવાર મુસાફરોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ફરતો થતા જ મહારાષ્ટ્રમાં ફરી એકવાર 'હિન્દી વિરુદ્ધ મરાઠી' ભાષાનો મુદ્દો ચર્ચાઓના ચકડોળે ચડ્યો છે, જેમાં લોકોના મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યા છે.
રેલવે અધિકારીઓએ આ વીડિયોની સત્તાવાર નોંધ લીધી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, "અમે સમગ્ર વીડિયોની ચકાસણી કરી રહ્યા છીએ અને ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસ પૂર્ણ થયા પછી જે તારણો આવશે, તે આધારે નિયમો મુજબ યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે." રેલવે પ્રશાસન હાલ આ મામલે અત્યંત સાવચેતીપૂર્વક તપાસ કરી રહ્યું છે જેથી શાંતિ જળવાઈ રહે.
આ ઘટના મુંબઈ જેવા કોસ્મોપોલિટન શહેરમાં ભાષાકીય સંવાદ અને વ્યાવસાયિક વર્તનને લઈને ફરી પ્રશ્નો ઉભા કરે છે. રેલવે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, જેનું પરિણામ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. સરકારી કર્મચારીઓ અને મુસાફરો વચ્ચેના આવા સંઘર્ષોને ટાળવા માટે ભવિષ્યમાં કર્મચારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે.

(4:51 PM IST)