<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

બંગાળના રાજકારણમાં 'ભાષાની મર્યાદા' વટાવી: અમિત શાહના 'ઊંધા લટકાવી દેવા'ના નિવેદનથી મમતા લાલચોળ, કાનૂની કેસ કરવાની આપી ચેતવણી

"ગૃહમંત્રી ગુંડાઓની જેમ ધમકાવી રહ્યા છે" – મમતાના આકરા પ્રહાર; અમિત શાહે વળતો જવાબ આપતા કહ્યું- "મમતા તો કોર્ટમાં હારતી જ રહે છે, જનતા 4 મેના રોજ ફેંસલો કરશે"

હુગલી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના જંગમાં હવે શબ્દયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના કાર્યકરો અને ભ્રષ્ટાચારીઓ માટે વપરાયેલી 'હિંસક ભાષા' સામે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોરચો ખોલ્યો છે. મમતાએ શનિવારે હુગલીમાં એક જાહેર સભા દરમિયાન જાહેરાત કરી હતી કે તેઓ અમિત શાહ સામે કાનૂની કાર્યવાહી કરશે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે દેશના ગૃહમંત્રી પદ પર બેઠેલી વ્યક્તિ કેવી રીતે લોકોને 'ઊંધા લટકાવી દેવાની' અને 'જેલમાં ધકેલી દેવાની' ધમકી આપી શકે?

વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે અમિત શાહે બીરભૂમમાં એક રેલીને સંબોધતા કહ્યું હતું કે, "બંગાળની જનતા બોમ્બ અને ગોળીઓનો જવાબ મતોથી આપશે. એકવાર મમતા સરકારને વિદાય આપો, પછી ભાજપ સરકાર સિન્ડિકેટ અને કટ-મની લેનારાઓને સીધા કરવા માટે તેમને ઊંધા લટકાવવાનું કામ કરશે." શાહે વધુમાં TMC કાર્યકરોને ચેતવણી આપતા કહ્યું હતું કે, "ગુંડાઓ ઘરમાં ભરાઈ રહે, નહીંતર 4 મે બાદ અમે તેમને એક-એક કરીને જેલમાં ધકેલી દઈશું."

બંગાળી અસ્મિતા અને ચૂંટણી જંગ:

મમતા બેનર્જીએ અમિત શાહની આ ભાષાને અસ્વીકાર્ય ગણાવતા કહ્યું કે, ભાજપનો આ 'બળજબરીભર્યો અભિગમ' બંગાળના મતદારો ક્યારેય સહન નહીં કરે. તેમણે કહ્યું, "ગૃહમંત્રી કેવા પ્રકારની ભાષા વાપરી રહ્યા છે? શું તમે ચૂંટણી પછી લોકોને ઊંધા લટકાવશો? આ માનસિકતા સાથે તમે બંગાળ ક્યારેય જીતી શકશો નહીં." મમતાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ ડર ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, પરંતુ બંગાળની જનતા તેમને જડબાતોડ જવાબ આપશે.

શાહનો વળતો પ્રહાર: 'કોર્ટમાં હારવું મમતાની આદત'

મમતાની કાનૂની કેસની ધમકી પર અમિત શાહે કોલકાતાના ટોલીગંજમાં રોડ શો દરમિયાન વળતો પ્રહાર કર્યો હતો. તેમણે પત્રકારોને કહ્યું કે, "મમતા બેનર્જી વાતો કરતી રહે છે, તે હંમેશા કોર્ટમાં હારી જાય છે અને આ વખતે પણ એવું જ થશે. શું અમારે જનતાને હેરાન કરનારા ગુંડાઓનું સન્માન કરવું જોઈએ?" શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંગાળના લોકોએ પરિવર્તનનો નિર્ણય કરી લીધો છે.

ચૂંટણીના આંકડા અને આગામી તબક્કો:

નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળમાં વિક્રમી 91.78% મતદાન નોંધાયું છે, જે ભારે ઉત્સાહ દર્શાવે છે. હવે બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ યોજાશે અને સમગ્ર રાજ્યનું ભાવિ 4 મેના રોજ મતગણતરી બાદ સ્પષ્ટ થશે. ત્યાં સુધી બંગાળમાં 'દીદી' અને 'દાદા' વચ્ચેનું આ રાજકીય યુદ્ધ વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે.

(11:07 PM IST)