News of Monday, 8th June 2026
ચેક રીટર્નની ખોટી ફરિયાદ કરનાર વિરૂદ્ધ રાજકોટ કોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો : આરોપી શ્યામ જાવીયા નિર્દોષ જાહેર : પ્રખ્યાત ધારાશાસ્ત્રી એડવોકેટ શ્યામલ સોનપાલની દલીલો માન્ય રખાતા ફરિયાદીને રૂ. ૫૦ હજારનું વળતર ચૂકવવાનો હુકમ
ખોટો કેસ કરનાર ફરિયાદી ઘનશ્યામ મહેતા જો ૩૦ દિવસમાં વળતર નહીં ચૂકવે તો એક માસની કેદની સજા : એડવોકેટ શ્યામલ સોનપાલની ધારદાર ઉલટતપાસ અને કાયદાકીય દલીલોના આધારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે. આર. ગાગનાણીએ સંભળાવ્યો ૪૩ પાનાનો ઐતિહાસિક ચુકાદો

રાજકોટ: રાજકોટની અદાલતે ચેક રીટર્ન (કલમ ૧૩૮) હેઠળ થતા ખોટા કેસો અંગે એક અત્યંત પ્રેરણાદાયી અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. રાજકોટના વિવેકાનંદનગરમાં રહેતા ફરિયાદી ઘનશ્યામભાઈ ભરતભાઈ મહેતાએ નાનામવા રોડ પર આવેલી રાધે ફાર્મસીવાળા આરોપી શ્યામ જાવીયા વિરૂદ્ધ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ રૂ. ૧૯,૫૦,૦૦૦/- ની વસૂલાત માટે ફરિયાદ દાખલ કરી હતી. આ હાઈપ્રોફાઈલ કેસ સંપૂર્ણ ચાલવા પર આવતા કોર્ટે આરોપી શ્યામ જાવીયાને તમામ આરોપોમાંથી નિર્દોષ ઠરાવી મુક્ત કરવાનો આદેશ કર્યો છે. એટલું જ નહીં, અપ્રમાણિકપણે ખોટો કેસ દાખલ કરવા બદલ કોર્ટે ફરિયાદી ઘનશ્યામભાઈ મહેતાને આકરો દંડ ફટકારીને આરોપીને વળતર પેટે રૂ. ૫૦,૦૦૦/- ચૂકવવાનો હુકમ કર્યો છે, અને જો ફરિયાદી આ રકમ ન ચૂકવે તો તેને એક માસની સાદી કેદની સજા ભોગવવી પડશે. આ કેસમાં આરોપી વતી રોકાયેલા પ્રખ્યાત ધારાશાસ્ત્રી એડવોકેટ શ્યામલ સોનપાલ ની કાયદાકીય દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી આ સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે.
રૂ. ૧૯.૫૦ લાખની હાથ ઉછીની રકમ અને 'પેમેન્ટ સ્ટોપ' નો વિવાદ:
આ ખળભળાટ મચાવનારા કેસની ટૂંકમાં વિગત એવી છે કે, ફરિયાદી ઘનશ્યામભાઈ મહેતાએ કોર્ટ સમક્ષ એવો દાવો કર્યો હતો કે તેઓ આરોપી શ્યામ જાવીયા સાથે મિત્રતાના સંબંધો ધરાવતા હોવાથી, આરોપીને ધંધા માટે નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી. આથી તેમણે વગર વ્યાજે રૂ. ૧૯,૫૦,૦૦૦/- આરોપીને હાથ ઉછીના આપ્યા હતા. ત્યારબાદ જ્યારે આ રકમની ઉઘરાણી કરવામાં આવી, ત્યારે આરોપીએ પોતાના કાયદેસરના લેણાંની ચુકવણી માટે રૂ. ૧૯.૫૦ લાખનો ચેક આપ્યો હતો. આ ચેક જ્યારે ફરિયાદીએ પોતાની બેંકમાં વટાવવા માટે રજૂ કર્યો, ત્યારે તે ચેક "પેમેન્ટ સ્ટોપ" ના શેરા સાથે પરત ફર્યો હતો. આ અંગે ફરિયાદીએ આરોપીને કાયદેસરની લીગલ નોટિસ મોકલી હોવા છતાં નાણાં ન ચૂકવાતા આખરે રાજકોટની જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં કલમ ૧૩૮ હેઠળ કેસ દાખલ કરાયો હતો.
એડવોકેટ શ્યામલ સોનપાલ દ્વારા કરાયેલી વિસ્તૃત અને ધારદાર ઉલટતપાસ:
અદાલતમાં કેસ ટ્રાયલ પર આવતા ફરિયાદી ઘનશ્યામભાઈ મહેતાએ સોગંદનામા પર પોતાની જુબાની આપી હતી અને તકરારી ચેક, બેંક રીટર્ન મેમો તેમજ લીગલ નોટિસ સહિતના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. આ તબક્કે બચાવ પક્ષના મુખ્ય કાયદાકીય સલાહકાર એડવોકેટ શ્યામલ સોનપાલ દ્વારા ફરિયાદીની અત્યંત ઝીણવટભરી અને વિસ્તૃત ઉલટતપાસ કરવામાં આવી હતી. આ ઉલટતપાસ દરમિયાન જ ફરિયાદીના પુરાવાઓ અને જવાબોમાં રહેલી વિસંગતતાઓ સપાટી પર આવી ગઈ હતી. એડવોકેટ શ્યામલ સોનપાલ ની ધારદાર પૂછપરછમાં એ સ્પષ્ટ થઈ ગયું હતું કે બંને પક્ષો વચ્ચે આવી મોટી રકમની લેણદેણ થાય તેવી કોઈ ઘનિષ્ઠ મિત્રતા કે વિશ્વસનીય ઓળખાણ જ નહોતી.
આવકવેરા રિટર્ન અને આર્થિક ક્ષમતા મુદ્દે એડવોકેટ શ્યામલ સોનપાલની આક્રમક દલીલો:
કેસની અંતિમ દલીલોના તબક્કે બચાવ પક્ષના ધારાશાસ્ત્રી એડવોકેટ શ્યામલ સોનપાલ એ સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) તેમજ ગુજરાત હાઈકોર્ટના વિવિધ લેન્ડમાર્ક ચુકાદાઓ ટાંકીને કોર્ટ સમક્ષ દલીલોનો ધોધ વહાવ્યો હતો. તેમણે મજબૂત રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ફરિયાદીએ કથિત રૂ. ૧૯.૫૦ લાખનો આટલો મોટો આર્થિક વ્યવહાર પોતાના આવકવેરા રિટર્ન (ITR) માં ક્યાંય દર્શાવ્યો નથી. વધુમાં, ફરિયાદી પાસે આરોપીને આટલી મોટી રકમ હાથ ઉછીની આપવાની કોઈ નાણાકીય કે આર્થિક ક્ષમતા હોય તેવો કોઈ પણ સક્ષમ કે વિશ્વસનીય દસ્તાવેજી પુરાવો કોર્ટ રેકોર્ડ પર ઉપલબ્ધ નથી. આ કથિત લેણદેણ અંગે કોઈ લેખિત દસ્તાવેજ, પ્રમોસરી નોટ, રસીદ, હિસાબી ચોપડાની નોંધ કે કોઈ સ્વતંત્ર સાક્ષી પણ રાખવામાં આવ્યા નહોતા.
ખોટા કેસોના કારણે ન્યાયતંત્ર પર વધતા ભરાવા અંગે કોર્ટની ગંભીર નોંધ:
એડવોકેટ શ્યામલ સોનપાલ એ લેખિત તથા મૌખિક દલીલો દ્વારા કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે ફરિયાદીએ યેનકેન પ્રકારે આરોપીનો ચેક મેળવીને ગેરકાયદેસર આર્થિક લાભ ખાટવાના આશયથી જ આ પાયાવિહોણી અને ખોટી ફરિયાદ ઊભી કરી છે. સમાજમાં નિર્દોષ નાગરિકોને ફસાવવાની આવી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવો જરૂરી છે. રાજકોટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કે. આર. ગાગનાણીએ બંને પક્ષોની દલીલો અને રેકોર્ડ પરના પુરાવાઓ ધ્યાને લઈ નોંધ્યું હતું કે હાલના સમયમાં અદાલતોમાં આવા ખોટા કેસોના કારણે કેસોનો ભારે ભરાવો થઈ રહ્યો છે. ફરિયાદી અપ્રમાણિકપણે ખોટો કેસ લાવ્યાનું સાબિત થતાં જજ કે. આર. ગાગનાણીએ ૪૩ પાનાનો વિસ્તૃત ચુકાદો આપી આરોપીને મુક્ત કર્યો અને ફરિયાદીને ૩૦ દિવસમાં રૂ. ૫૦,૦00/- નું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
બચાવ પક્ષની કાનૂની ટીમ
રાજકોટના આ ચકચારી કેસમાં આરોપી શ્યામ જાવીયા વતી મુખ્ય ધારાશાસ્ત્રી તરીકે એડવોકેટ શ્યામલ સોનપાલ ની સાથે કાનૂની ટીમમાં એડવોકેટ મનોજભાઈ તંતી, નીલેશભાઈ વેકરીયા, મલ્હાર સોનપાલ, અજય દાવડા, ખુશી પંડ્યા તેમજ લીગલ આસિસ્ટન્ટ તરીકે કાવેરી ડોડીયા રોકાયા હતા અને કેસ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
