<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

જમીન માલિકી પર સુપ્રીમ કોર્ટનો હથોડો: માત્ર સરકારી ચોપડે નામ હોવાથી તમે માલિક નથી બની જતા!

મહેસૂલ રેકોર્ડએ માલિકીનો નહીં પણ માત્ર ટેક્સ વસૂલાતનો દસ્તાવેજ: નિઝામ શાસનની ૬૦૦ એકર જમીનના વિવાદમાં સર્વોચ્ચ અદાલતે મિલકતના કાયદાકીય પાસાઓ પર સ્પષ્ટ કરી લક્ષ્મણ રેખા

નવી દિલ્હી: જમીન અને મિલકતના વિવાદોમાં વર્ષોથી ચાલી આવતી એક મોટી ગેરસમજ પર સુપ્રીમ કોર્ટે આખરી મહોર મારી દીધી છે. જસ્ટિસ પંકજ મિથલ અને એસવીએન ભટ્ટીની બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે મહેસૂલ રેકોર્ડ એટલે કે જમાબંધી કે પહાની એ માલિકી  સાબિત કરવા માટેનો નિર્ણાયક પુરાવો નથી. કોર્ટે તીખી ટિપ્પણી કરતા જણાવ્યું કે, મહેસૂલ વિભાગના ચોપડા માત્ર ટેક્સ ઉઘરાવવા અને કબજાની સ્થિતિ જાણવા માટે છે; જો તમારી પાસે મૂળ વેચાણ દસ્તાવેજ કે ભાડાપટ્ટો નથી, તો માત્ર સરકારી એન્ટ્રીના જોરે તમે જમીનના માલિક ગણાઈ શકો નહીં.

આ વિવાદ તેલંગાણાના કલવલનગરમ ગામની અંદાજે 600 એકર કિંમતી જમીનનો હતો, જેને વન વિભાગે અનામત જાહેર કરી હતી. અરજદારોએ 1931-32ના નિઝામ શાસન વખતનો હવાલો આપીને મહેસૂલ રેકોર્ડ રજૂ કર્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને બહાલ રાખતા કહ્યું કે, દાયકાઓ જૂની એન્ટ્રીઓ હોવા છતાં જો 'મૂળ ટાઈટલ ડીડ' ગેરહાજર હોય, તો માલિકીનો દાવો ટકી શકે નહીં. આ ચુકાદાથી એવા લોકોમાં ફફડાટ ફેલાયો છે જેઓ માત્ર કાચા રેકોર્ડ કે જૂની વંશાવળીના આધારે મિલકતો પર હક જમાવી રહ્યા છે.

કોર્ટે વધુમાં એક મહત્વની કાનૂની મર્યાદા પણ યાદ અપાવી કે મિલકતની માલિકી જેવા જટિલ વિવાદોનો નિકાલ હાઈકોર્ટમાં રિટ પિટિશન દ્વારા થઈ શકે નહીં. આવા કિસ્સાઓમાં પક્ષકારોએ સિવિલ કોર્ટમાં જઈને પુરાવાઓ સાથે પોતાનો હક સાબિત કરવો પડશે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ રિયલ એસ્ટેટ અને જમીન મહેસૂલ ક્ષેત્રે 'લેન્ડમાર્ક' સાબિત થશે, કારણ કે હવેથી કોઈપણ મિલકત ખરીદતી વખતે માત્ર મહેસૂલ રેકોર્ડ જોવો પૂરતો નહીં રહે, પણ તેના મૂળ દસ્તાવેજોની ચકાસણી અનિવાર્ય બની જશે.

(7:01 PM IST)