તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
સૂર્યકુમાર યાદવના ઘરે લક્ષ્મીજી પધાર્યાઃ સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલેબ્સમાં ભારે ઉત્સાહ
પત્ની દેવિશાએ દીકરીને જન્મ આપતા યાદવ પરિવારમાં ખુશીઓનો માહોલ અને અભિનંદનની વર્ષા

મુંબઈ તા.૮: ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન અને ટી-૨૦ કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે આ સમયગાળો પ્રોફેશનલ અને પર્સનલ બંને રીતે ગોલ્ડન સાબિત થઈ રહ્યો છે. મેદાન પર બોલરોને હંફાવનાર સૂર્યા હવે એક પિતાની ભૂમિકા ભજવવા માટે સજ્જ છે. લાંબા સમયની રાહ જોયા બાદ, સૂર્યા અને તેની પત્ની દેવિશાના ઘરે નન્હી પરીનું આગમન થયું છે. વર્ષ ૨૦૧૬માં લગ્નગ્રંથિથી જોડાયેલા આ કપલના જીવનમાં લગ્નના વર્ષો બાદ પ્રથમ સંતાન તરીકે દીકરીના જન્મે આખા પરિવારમાં દિવાળી જેવો માહોલ સર્જ્યો છે.
સૂર્યકુમારે ઇન્સ્ટાગ્રામ પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરીને આ ખુશખબર દુનિયા સામે મૂક્યા હતા. તેણે લખ્યું કે, અત્યંત હર્ષ અને ઉલ્લાસ સાથે અમે અમારી નાની પરીનું પરિવારમાં સ્વાગત કરીએ છીએ. આ પોસ્ટ વાયરલ થતા જ ક્રિકેટ જગતથી લઈને બોલિવૂડ સુધીના દિગ્ગજો સૂર્યાને વધામણી આપી રહ્યા છે. ખાસ કરીને રણવીર સિહે દીકરીને આશીર્વાદ આપ્યા હતા, તો મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પણ તેમના કિંગ ને આ ખાસ પળ માટે ખાસ અંદાજમાં શુભેચ્છા પાઠવી હતી.
મેદાન પર ચારે બાજુ સિક્સર ફટકારવાની ક્ષમતા ધરાવતા 'મિસ્ટર ૩૬૦' હવે પિતૃત્વના નવા ઇનિગ્સની શરૂઆત કરશે. ફેન્સ પણ સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ કરી રહ્યા છે કે, વર્લ્ડ કપના તાજ બાદ સૂર્યાને ઈશ્વરે સૌથી મોટી ભેટ આપી છે. રવિચંદ્રન અશ્વિનની પત્ની પ્રીતિ અને અન્ય સાથી ખેલાડીઓએ પણ આ નવજાત શિશુ પર પ્રેમ વરસાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ નાની પરી તેના પિતા માટે આગામી મેચોમાં કેટલી લકી સાબિત થાય છે!
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
