તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
NEET પેપર લીક કાંડમાં સીબીઆઈ સમક્ષ લેડી ડોન મનીષાની વિસ્ફોટક અને ચોંકાવનારી કબૂલાત: એપ્રિલ મહિનામાં યાદશક્તિના આધારે ફિઝિક્સના સવાલોનું સિક્રેટ માળખું કર્યું હતું તૈયાર
રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીના કેમેસ્ટ્રી એક્સપર્ટના કાળા ઈશારે પતિના મોબાઈલથી વહેંચ્યું હતું ડિજિટલ પેપર, પકડાઈ જવાના ડરથી પુરાવા નાશ કરવા હાથે લખેલી નોટ્સ પણ સળગાવી નાખી

પુણે: દેશભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા NEET-UG પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં તપાસ એજન્સી CBIને એક બહુ મોટી અને નિર્ણાયક સફળતા સાંપડી છે. આ ચકચારી કેસમાં ધરપકડ કરાયેલી શેઠ હીરાલાલ સર્રાફ સ્કૂલની મુખ્ય હેડમિસ્ટ્રેસ મનીષા હવાલદારે શુક્રવારે રાત્રે વિશેષ અદાલત સમક્ષ સત્તાવાર રીતે ઘૂંટણ ટેકીને એવા સનસનાટીપૂર્ણ ખુલાસા કર્યા છે, જેનાથી સમગ્ર શિક્ષણ જગત અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) ના ટોચના અધિકારીઓમાં ભારે ફાટફૂટ મચી ગઈ છે. સીબીઆઈની આકરી પૂછપરછમાં લેડી આરોપી મનીષાએ ચોંકાવનારી કબૂલાત કરી છે કે તેણે ગત એપ્રિલ મહિનામાં જ સત્તાવાર પેપર સેટર્સની મિલીભગતથી પોતાની તીવ્ર યાદશક્તિના આધારે ફિઝિક્સ (ભૌતિક વિજ્ઞાન) વિષયના અતિ ગુપ્ત સવાલોનું એક અલગ આખું માળખું ગેરકાયદેસર રીતે તૈયાર કરી લીધું હતું. વધુમાં તેણે સ્વીકાર્યું હતું કે આ સમગ્ર સિક્રેટ ઓપરેશન તેણે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીના જ એક પ્રભાવશાળી કેમેસ્ટ્રી એક્સપર્ટના સીધા માર્ગદર્શન અને ઈશારે અંજામ આપ્યું હતું, અને ત્યારબાદ સહ-આરોપી મનીષા મંધારેના કહેવાથી આ લીક થયેલા પ્રશ્નોના સેટને ગુપ્ત મેસેજિંગ એપ્લિકેશન દ્વારા પોતાના તેમજ પોતાના પતિના અંગત મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને અન્ય દલાલો અને પરીક્ષાર્થીઓ સુધી પહોંચાડ્યા હતા.
સીબીઆઈના સત્તાવાર રિમાન્ડ રિપોર્ટ અને તપાસના દસ્તાવેજો અનુસાર, મુખ્ય આરોપી મનીષા હવાલદારે ગુપ્ત લોકેશન પર પોતાના હાથે લખેલા પ્રશ્નપત્રોના સેટ કાળજીપૂર્વક તૈયાર કર્યા હતા, જેને બાદમાં વિદ્યાર્થીઓને ડિજિટલ લિંક્સ તેમજ પ્રિન્ટેડ કોપી એમ બંને સ્વરૂપમાં મોટો આર્થિક વહીવટ કરીને ગેરકાયદેસર રીતે વહેંચ્યા હોવાની ગંભીર હકીકત સ્વીકારી છે. આ કાળા કારોબારનો લાભ મેળવનારા શંકાસ્પદ વિદ્યાર્થીઓની એજન્સી દ્વારા વૈજ્ઞાનિક ઢબે ઓળખ પણ કરી લેવામાં આવી છે. કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે સીબીઆઈએ સદાશિવ પેઠ સ્થિત હવાલદારના સત્તાવાર નિવાસસ્થાને દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જે દરમિયાન તપાસ ટીમને મરાઠી-અંગ્રેજી માસ્ટર સેટ પેપર, અતિ સંવેદનશીલ ગણાતું M-2 કોડ વાળું પ્રશ્નપત્ર અને હિન્દી-અંગ્રેજી સંસ્કરણ સહિતના અનેક પ્રતિબંધિત NEET પ્રશ્નપત્રોની નકલો, પરીક્ષાના સત્તાવાર હાજરી પ્રમાણપત્રો, NTA દ્વારા જારી કરાયેલા કાનૂની ઓળખપત્રો અને અનામી સ્ત્રોતો પાસેથી મેળવેલી મસમોટી રોકડ રકમ વાંધાજનક હાલતમાં મળી આવી છે.
તપાસ એજન્સીએ કોર્ટ સમક્ષ એ બાબત પણ સાબિત કરી છે કે શાતિર આરોપી મનીષા હવાલદારે લીક થયેલું આ પરિક્ષાલક્ષી ચોરીનું મટીરીયલ પોતાની સ્કૂલના સત્તાવાર કમ્પ્યુટર અને પ્રિન્ટરનો દુરુપયોગ કરીને જ પ્રિન્ટ કર્યું હતું. કાયદાના સિકંજામાંથી બચવા અને ગુનાહિત સંડોવણી પર પડદો પાડવા માટે તેણે સહ-આરોપી મંધારે સાથે મોબાઈલમાં થયેલી પોતાની તમામ ચેટ્સ અને કોલ લોગ્સ ડિલીટ કરી નાખ્યા હતા, એટલું જ નહીં પરંતુ ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોવાળી પોતાની હાથે લખેલી અસલી નોટ્સને સળગાવીને પુરાવાનો નાશ કરવાનો પણ પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો. હાલમાં સીબીઆઈ દ્વારા કોર્ટ પાસેથી આરોપીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને તેને વધુ ઊંડાણપૂર્વકની પૂછપરછ અને આંતરરાષ્ટ્રીય કનેક્શન ખંખેરવા માટે દિલ્હીના મુખ્ય મથકે લઈ જવામાં આવી છે, જ્યાં આગામી દિવસોમાં એજ્યુકેશન માફિયાઓના વધુ કેટલાક મોટા માથાઓની ધરપકડ થાય તેવી પ્રબળ સંભાવના છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
