<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

અપડેટ થયેલી મતદાર યાદીના અભાવે જમ્મુ કાશ્મીરમાં ૭૮ શહેરી સ્થાનિક સંસ્થાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વર્ષ ૨૦૨૬માં યોજાવાની સંભાવના નહિવત્

"સર" પ્રક્રિયા હજુ બાકી: જમ્મુ કાશ્મીરમાં ચૂંટાયેલી શહેરી સ્થાનિક સંસ્થાઓનો કાર્યકાળ ઓક્ટોબર - ડિસેમ્બર ૨૦૨૩ની વચ્ચે સમાપ્ત થઈ ગયો છે

જમ્મુ: જમ્મુ - કાશ્મીરમાં લાંબા સમયથી પ્રતીક્ષિત શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ વર્ષ ૨૦૨૬ માં યોજાવાની સંભાવના ઘણી ઓછી જોવા મળી રહી છે. આનું મુખ્ય કારણ એ છે કે ચૂંટણી માટે જરૂરી અપડેટ થયેલી મતદાર યાદી હજુ સુધી ઉપલબ્ધ નથી. કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઇઆર (સર) પ્રક્રિયા પૂરી થયા પછી જ આ નવી મતદાર યાદી તૈયાર થઈ શકશે.
અધિકારીઓએ જણાવ્યું છે કે આ વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી પ્રક્રિયા થવાની સંભાવના લગભગ નહિવત્ સમાન છે. 
પંચાયત ચૂંટણીઓથી વિપરીત શહેરી સ્થાનિક સંસ્થાઓ માટે મતદાર યાદી ભારતના ચૂંટણી પંચની મતદાર યાદીના આધારે તૈયાર કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૪ ની વિધાનસભા ચૂંટણીઓ પછી ચૂંટણી પંચે જમ્મુ કાશ્મીરમાં મતદાર યાદીમાં કોઈ જ સુધારો કે ફેરફાર કર્યો નથી. આ જ કારણસર વર્ષ ૨૦૨૬ માં શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની શક્યતા બહુ ઓછી છે.
ભારતના ચૂંટણી પંચે આ વર્ષની શરૂઆતમાં જ સ્પષ્ટ કર્યું હતું કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયાની જાહેરાત પાછળથી કરવામાં આવશે. વસ્તી ગણતરીના બીજા તબક્કાના પૂર્ણ થયા પછી અને હિમવર્ષાવાળા વિસ્તારોમાં હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ આ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવશે.
ચૂંટણી પંચે એક પ્રેસ નોટમાં જણાવ્યું હતું કે આ ત્રણ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં વસ્તી ગણતરીના બીજા તબક્કાનું કાર્ય પૂર્ણ થયા બાદ અને ઉંચાઈવાળા બરફીલા વિસ્તારોમાં હવામાનની સ્થિતિનો તાગ મેળવ્યા બાદ જ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થશે. યાદ રહે કે જમ્મુ કાશ્મીરમાં ચૂંટાયેલી શહેરી સ્થાનિક સંસ્થાઓનો પાંચ વર્ષનો કાર્યકાળ ઓક્ટોબર અને ડિસેમ્બર ૨૦૨૩ ની વચ્ચે સમાપ્ત થઈ ગયો હતો. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ ૭૮ શહેરી સ્થાનિક સંસ્થાઓ આવેલી છે જેમાં બે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સામેલ છે

(8:12 PM IST)