<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

ઈઝરાયલમાં બહુમતીનો અભાવ: બેન્જામિન નેતન્યાહૂને હટાવવા સીધા વડાપ્રધાનની ચૂંટણી યોજવાની તૈયારી

૩૦ વર્ષમાં ત્રીજી વખત ફેરફારની ચર્ચા વચ્ચે નેતન્યાહૂના પુત્ર યાયરે ઇઝરાયલી આરબ નાગરિકોને દેશ માટે ગણાવ્યા સૌથી મોટો ખતરો

જેરુસલેમ : ઈઝરાયલના રાજકારણમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે અને તાજેતરની ચૂંટણીમાં કોઈ પણ પક્ષ કે જૂથને સ્પષ્ટ બહુમતી ન મળતાં હવે વડાપ્રધાન પસંદ કરવાની પદ્ધતિ બદલવા પર ગંભીર ચર્ચા શરૂ થઈ ગઈ છે. લાંબા સમયથી સત્તા પર રહેલા બેન્જામિન નેતન્યાહૂને સત્તા પરથી હટાવવા માટે વિપક્ષી દળો દ્વારા ૩૦ વર્ષમાં ત્રીજી વખત સીધા વડાપ્રધાન પસંદ કરવાની જૂની વ્યવસ્થા ફરીથી અમલમાં લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સૂચિત વ્યવસ્થા હેઠળ દેશના નાગરિકો માત્ર સાંસદો કે પક્ષોને મત આપવાના બદલે સીધા જ વડાપ્રધાન પદના ઉમેદવારને ચૂંટી શકશે, જેનાથી રાજકીય અનિશ્ચિતતાનો અંત લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

તાજેતરમાં ૨૭ ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં ત્રિશંકુ પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં ૧૨૦ સભ્યોની ઇઝરાયલી સંસદ 'કનેસેટ'માં સરકાર રચવા માટે જરૂરી ૬૧ બેઠકોનો જાદુઈ આંક કોઈ મેળવી શક્યું નથી. નેતન્યાહૂ સમર્થિત દળોને ૫૩ બેઠકો મળી છે જ્યારે વિપક્ષી દળોને માત્ર ૪૮ બેઠકો મળી છે, જ્યારે આરબ પક્ષોના ફાળે ૧૯ બેઠકો આવી છે. જો કે વિપક્ષ પાસે અરબ પક્ષોના સમર્થન સાથે કુલ ૬૭ બેઠકો છે, છતાં મોટાભાગના નેતાઓ આરબ પક્ષોના ટેકાથી સરકાર બનાવવા અનિચ્છુક હોવાથી રાજકીય ગૂંચવણ વધી ગઈ છે. આ જટિલ ઘર્ષણ અને કટોકટીમાંથી બહાર નીકળવા માટે જ વિપક્ષી દળો હવે સીધા વડાપ્રધાનની પસંદગીનો રસ્તો અપનાવવામાં મુક્તિ જોઈ રહ્યા છે.

જો કે, આ જૂની પદ્ધતિને પુનઃજીવિત કરવી એટલી સરળ નથી કારણ કે તેના માટે સરકારના મૂળભૂત કાયદામાં મોટા ફેરફાર કરવા પડશે અને સંસદમાં ઓછામાં ઓછા ૬૧ સાંસદોનું સમર્થન મેળવવું અનિવાર્ય બનશે. હાલ આ દરખાસ્ત પ્રાથમિક સ્તરે જ છે અને તેને અંતિમ મંજૂરી માટે સંસદમાં રજૂ કરવામાં આવી નથી, જેના કારણે આ તાત્કાલિક શક્ય બને તેવી સંભાવનાઓ ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. આ રાજકીય અને સામાજિક વિવાદ વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના પુત્ર યાયર નેતન્યાહૂએ ઇઝરાયલના આરબ નાગરિકોને દેશના અસ્તિત્વ સામેનો સૌથી મોટો ખતરો ગણાવીને નવો વિવાદ છેડ્યો છે. યાયરે દાવો કર્યો છે કે ઇઝરાયલની ૨૦ ટકા વસ્તી દુશ્મનોને સમર્થન આપે છે અને દેશનો વિનાશ ઇચ્છે

ચૂંટણીના આ પરિણામો અને બહુમતીના અભાવને કારણે ઇઝરાયલમાં રાજકીય પક્ષો વચ્ચે જોડાણ સરકાર રચવા માટેની બેઠકોનો દોર તેજ બન્યો છે. વિપક્ષી મોરચો કાયદાકીય સુધારાઓ દ્વારા નેતન્યાહૂની મુશ્કેલીઓ વધારવા માટે આંતરિક રણનીતિ ઘડી રહ્યો છે, ત્યારે યાયર નેતન્યાહૂના વિવાદાસ્પદ નિવેદનને કારણે દેશની અંદર જ સમુદાયો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી દિવસોમાં જો વિપક્ષી દળો કાયદામાં ફેરફાર લાવવા માટે પૂરતું સંખ્યાબળ એકત્ર કરવામાં સફળ રહેશે તો ઇઝરાયલના રાજકીય ઇતિહાસમાં એક મોટો વળાંક આવી શકે છે.

(1:03 AM IST)