<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

કુંભ ગર્લના પતિનો દાવોઃ મોનાલિસા તેને છોડીને ભાગી ગઈ

હું તેને શોધવા અજમેર-જોધપુરમાં ભટકી રહ્યો છું!

કોચી,તા.૧૩: મહાકુંભથી વાયરલ થયેલી મોનાલિસા ભોસલે વીતેલા દિવસોમાં લગ્ન કર્યા બાદથી ચર્ચામાં છે. આ વખતે તે પોતાની અંગત જિંદગી અને પોતાના નિવેદનોને કારણે સતત હેડલાઇન્‍સમાં છે. હવે મોનાલિસાના પતિ ફરમાને દાવો કર્યો છે કે મોનાલિસા તેને છોડીને ભાગી ગઈ છે. જેની શોધખોળ માટે તે રાજસ્‍થાનના અજમેરમાં ભટકી રહ્યો છે. પતિ ફરમાન દ્વારા મોનાલિસા ફરાર થઈ હોવાનો દાવો કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં ફરમાન ખાન પોતે રાજસ્‍થાનના અજમેર અને પુષ્‍કરમાં હોવાનું જણાવી રહ્યો છે. તે કહે છે કે મોનાલિસા ભાગી ગઈ છે. તે તેને શોધવા માટે અજમેર-પુષ્‍કર આવ્‍યો છે. ફરમાન વીડિયોમાં લોકો પાસે મદદની અપીલ કરતો પણ દેખાય છે. આ વીડિયો સામે આવ્‍યા બાદ સમગ્ર મામલે નવો વળાંક આવ્‍યો છે. જાણકારી અનુસાર, મોનાલિસા લગ્ન પછી પોતાના પતિનો સાથ છોડીને અજ્ઞાત સ્‍થળે જતી રહી છે, જેના કારણે ફરમાન તેને શોધવા માટે અલગ-અલગ જગ્‍યાએ ભટકી રહ્યો છે.

જણાવી દઈએ કે, મોનાલિસા ભોસલેએ તાજેતરમાં જ કેરળના રહેવાસી ફરમાન ખાન નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યા હતા, જ્‍યાં બંનેના સંબંધોને લઈને જાતભાતની પ્રતિક્રિયાઓ સામે આવી હતી. બીજી તરફ, મોનાલિસા ભોસલેને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST)ની તપાસમાં સગીર જાહેર કરવામાં આવી છે, જેના કારણે તેની ઉંમર અંગેનો વિવાદ વધુ ઘેરો બન્‍યો છે. આ ખુલાસો થયા બાદ વિચરતા પારધી સમુદાયના લોકોએ મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ મંગુભાઈ પટેલના નામે આવેદનપત્ર સોંપીને મોનાલિસાના લગ્ન 'અમાન્‍ય' જાહેર કરવાની માગ કરી છે.

માર્ચમાં કેરળના તિરુવનંતપુરમમાં મોનાલિસા અને ફરમાન ખાનના હિન્‍દુ રીત-રિવાજ મુજબ લગ્ન થયા બાદ મોનાલિસાના પરિવારજનોએ આ લગ્નને 'લવ જેહાદ'નું નામ આપ્‍યું હતું અને દાવો કર્યો હતો કે તે સગીર છે. આયોગ દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિના તારણોને ટાંકીને સ્‍થાનિક ભાજપ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ગયા મહિને કેરળમાં મોનાલિસાના આંતરધાર્મિક લગ્ન 'લવ જેહાદ'નો મામલો હતો અને તેમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

આયોગે ૧૭ માર્ચના રોજ ઉત્તર પ્રદેશના રહેવાસી પ્રથમ દુબેની ફરિયાદ મળ્‍યા બાદ એક તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિએ તપાસ કરવાની હતી કે તે સગીર છે કે નહીં અને સાથે જ એ પણ કે ક્‍યાંક તેનું શોષણ તો નથી થઈ રહ્યું ને. પોલીસે જણાવ્‍યું કે, તપાસના તારણોના આધારે મહેશ્વરમાં મોનાલિસાના પતિ વિરુદ્ધ કથિત અપહરણ અને બાળ જાતીય અપરાધ સંરક્ષણ અધિનિયમ (પોક્‍સો - POCSO) હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો છે. મહેશ્વરના ભાજપ ધારાસભ્‍ય રાજકુમાર મેવ અને ભાજપ મંડળ પ્રમુખ વિક્રમ પટેલે ગયા શુક્રવારે કહ્યું હતું કે, કેરળમાં તેમના લગ્ન 'લવ જેહાદ'નો મામલો છે અને મોનાલિસાને ઘરે પાછી લાવવી જોઈએ.

(9:54 AM IST)