<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

‘કૃષ્ણ લલ્લા હમ આયેંગે, મંદિર વહીં બનાયેંગે!’: મથુરામાં ૬ ડિસેમ્બરે કારસેવા હાથ ધરવા સંતોનું મોટું એલાન

શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલને લીધું આક્રમક રૂપ | CM યોગી મંજૂરી આપે તો પ્રાણ આપવા પણ તૈયાર: સંતો | અયોધ્યાની તર્જ પર મથુરામાં પણ કારસેવાના આહ્વાનથી ધમાસાણ, સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત.

​મથુરા:અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ બાદ હવે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિનો વિવાદ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. દેશભરના સાધુ-સંતો અને હિન્દુ સંગઠનોએ ભેગા મળીને મથુરામાં ૬ ડિસેમ્બરના રોજ વિશાળ કારસેવા હાથ ધરવાની મોટી જાહેરાત કરી છે.
​સંતોના આ એલાનને પગલે સમગ્ર દેશમાં ધાર્મિક અને રાજકીય ગરમાવો આવી ગયો છે. કારસેવાની જાહેરાત કરતા સાધુ-સંતોએ "કૃષ્ણ લલ્લા હમ આયેંગે, મંદિર વહીં બનાયેંગે!" ના ગગનભેદી નારા લગાવ્યા હતા અને શ્રી કૃષ્ણ જન્મભૂમિને મૂળ સ્વરૂપમાં મુક્ત કરાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
​CM યોગી પાસે મંજૂરીની માંગ:
સંતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેઓ આ અભિયાન માટે સંપૂર્ણપણે તૈયાર છે. જો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમને મંજૂરી આપે, તો તેઓ શ્રી કૃષ્ણ જન્મભૂમિ માટે પોતાના પ્રાણ પણ આપવા તત્પર છે. સંતોનું કહેવું છે કે મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણના વાસ્તવિક જન્મસ્થાન પર ભવ્ય મંદિરનું નિર્માણ થાય તે જ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાની માંગ છે.
​ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત:
સંતો દ્વારા ૬ ડિસેમ્બરે કારસેવાની આટલી મોટી અને સંવેદનશીલ જાહેરાત કરાતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે. મથુરા અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે અને સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

(1:09 PM IST)