તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
કોલકાતા એરપોર્ટ યુદ્ધમેદાનમાં ફેરવાયું: દિલ્હીથી અભિષેક બેનર્જીના આગમન પૂર્વે જ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર મારામારી, ભારે નાસભાગ
એક્ઝિટ ગેટ પાસે બંને પક્ષના સમર્થકો આમને-સામને આવી જતાં મામલો બિચક્યો, પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે સીઆઈએસએફ અને સ્થાનિક પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. દેશના પાટનગર દિલ્હીથી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી કોલકાતા પરત ફરી રહ્યા હતા, તે પૂર્વે જ કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારે હંગામો અને હિંસક દ્રશ્યો સર્જાયા હતા. એરપોર્ટના પરિસરમાં જ તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરો વચ્ચે જોરદાર ઘર્ષણ થતાં સમગ્ર વિસ્તાર યુદ્ધમેદાનમાં ફેરવાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, અભિષેક બેનર્જીના સ્વાગત માટે એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં ટીએમસીના સમર્થકો એકત્રિત થયા હતા. આ જ સમયે ત્યાંથી ભાજપના પણ કેટલાક કાર્યકરો પસાર થઈ રહ્યા હતા. એરપોર્ટના એક્ઝિટ ગેટ (નિકાસ દ્વાર) પાસે બંને પક્ષના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા અને શરૂઆતમાં બંને તરફથી જોરદાર સૂત્રોચ્ચાર શરૂ કરવામાં આવ્યા હતા. જો કે, જોતજોતામાં આ સૂત્રોચ્ચાર ઉગ્ર દલીલોમાં પરિણમ્યો હતો અને વિવાદ એટલો વધી ગયો કે બંને પક્ષના સમર્થકો વચ્ચે ભારે ઝપાઝપી અને મારામારી શરૂ થઈ ગઈ હતી.
એરપોર્ટ જેવા અત્યંત સુરક્ષિત અને જાહેર સ્થળે બનેલી આ ઘટનાને કારણે ત્યાં હાજર સામાન્ય મુસાફરોમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સ્થિતિ બેકાબૂ બનતી જોઈને એરપોર્ટની સુરક્ષામાં તૈનાત સીઆઈએસએફ (CISF) ના જવાનો અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મામલો થાળે પાડવા અને બંને પક્ષના ઉશ્કેરાયેલા કાર્યકરોને વિખેરવા માટે બળપ્રયોગ તેમજ લાઠીચાર્જનો સહારો લેવો પડ્યો હતો. ભારે જહેમત બાદ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને એરપોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં વધી રહેલી રાજકીય કટુતા વચ્ચે એરપોર્ટ પર થયેલી આ અથડામણને પગલે રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
