News of Monday, 1st June 2026
પરીક્ષા કૌભાંડો સામે 'કોકરોચ જનતા પાર્ટી' નો મોટો હુંકાર: સ્થાપક અભિજીત દિપકે ૬ જૂને ભારત પરત ફરી દિલ્હીમાં છેડશે આંદોલન
શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનની તૈયારી: "૧ કરોડથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેની મજાક સહન નહીં થાય"

નવી દિલ્હી : દેશભરમાં પરીક્ષા સંબંધિત ગેરરીતિઓ અને કૌભાંડોના વિવાદો વચ્ચે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના સ્થાપક અભિજીત દિપકેએ કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે. સોમવારે એક વીડિયો સંદેશ મારફતે અભિજીત દિપકેએ જાહેરાત કરી છે કે તેઓ આગામી ૬ જૂને ભારત પરત ફરી રહ્યા છે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન શરૂ કરશે.
"૧ કરોડ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ"
પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર એક વીડિયો જાહેર કરતા દિપકેએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે NEET, CBSE, CUET અને SSCGD જેવી મહત્વની પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દેશના ૧ કરોડથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમવામાં આવી રહી છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે, "આટલી મોટી ભૂલ છતાં જો શિક્ષણ મંત્રી રાજીનામું નથી આપતા, તો તેનો અર્થ એ કે દેશમાં જવાબદારીની વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. વિદ્યાર્થીઓ પીડાઈ રહ્યા છે અને સત્તાધીશો મૌન છે."
અહિંસક વિરોધ અને બંધારણીય માર્ગ
અભિજીતે તેમના સમર્થકો અને વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ મોટી સંખ્યામાં ૬ જૂનની સવારે દિલ્હી એરપોર્ટ પહોંચે અને ત્યાંથી જંતર-મંતર સુધીની શાંતિપૂર્ણ કૂચમાં જોડાય. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ વિરોધ સંપૂર્ણપણે અહિંસક અને બંધારણીય મર્યાદામાં રહીને કરવામાં આવશે. વિરોધ પ્રદર્શન માટે જરૂરી પરવાનગી મેળવવા માટે તેઓ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરશે. દિપકેએ ઉમેર્યું કે, "આપણે ભારતીય બંધારણના માર્ગે ચાલીને પોતાનો અવાજ ઉઠાવવો છે, કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા કે હિંસા આપણો ઉદ્દેશ્ય નથી."
પરિવારની ચિંતા વચ્ચે અડગ નિર્ણય
પોતાની ધરપકડની શક્યતાઓ અને કાનૂની કાર્યવાહી અંગે પૂછવામાં આવતા અભિજીતે કબૂલ્યું કે તેમના માતા-પિતા આ નિર્ણયને લઈને ખૂબ જ ચિંતિત છે. જોકે, તેમણે પોતાના સંકલ્પને વળગી રહીને જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના હિત માટે તેઓ કોઈપણ પરિણામ ભોગવવા તૈયાર છે. 'કોકરોચ જનતા પાર્ટી' ના આ આંદોલનથી આગામી દિવસોમાં રાજધાની દિલ્હીના રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવવાની શક્યતા છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર આ શાંતિપૂર્ણ આંદોલનને કઈ રીતે પ્રતિસાદ આપે છે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
