તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
તિહાર જેલમાંથી મુક્ત થયા બાદ 'કોકરોચ જનતા પાર્ટી'ના નેતા સૌરભ દાસની આક્રમક ચેતવણી: "ગૌરવ જાળવી રાખો, જરૂર પડશે તો અમે પણ કાયદાકીય કે સખત કાર્યવાહી કરી શકીશું"
જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરનાર નેતાઓ સૌરભ દાસ અને આશુતોષ રંકાને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા બાદ મળી મોટી રાહત.

નવી દિલ્હી : દિલ્હીની તિહાર જેલમાંથી મુક્ત થયા બાદ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના સહ-સંયોજક સૌરભ દાસે એકદમ આક્રમક તેવર અપનાવતા મોટું નિવેદન આપ્યું છે. શુક્રવારે (૨૩ ઓક્ટોબર) મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ખાતે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) સમક્ષ હાજરી આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા સૌરભ દાસે ચેતવણીનાસૂરમાં જણાવ્યું હતું કે, દરેકે પોતાની મર્યાદા અને ગૌરવ જાળવી રાખવું જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો જરૂરી બનશે તો તેઓ પણ સામે કડક કાર્યવાહી કરતા અચકાશે નહીં.
પ્રાપ્ત વિગતો અનુસાર, CJP ના સહ-સંયોજકો સૌરભ દાસ અને આશુતોષ રંકા સામે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન દ્વારા ગત ૧૩ ઓક્ટોબરના રોજ વિરોધ પ્રદર્શન દરમિયાન શાંતિ ભંગ અને જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાની આશંકાએ ભારતીય કાનૂની જોગવાઈઓ હેઠળ નિવારક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં વિશેષ અદાલતે બંનેને મુક્ત કરવાનો આદેશ આપ્યા બાદ ગત બુધવારે તેઓ તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા પછી શુક્રવારે તેઓ નિયમિત પ્રક્રિયા હેઠળ મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ખાતે SEM સમક્ષ હાજર રહ્યા હતા.
મીડિયા સાથેની વાતચીતમાં સૌરભ દાસે એક્ઝિક્યુટિવ કોર્ટમાં ચાલી રહેલી ન્યાયિક કાર્યવાહીનો આદર કરવા સૌને અપીલ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ મામલે કેટલીક અદાલતી કે તપાસની માહિતી લીક કરવામાં આવી રહી છે, જેને હળવાશથી ન લેવી જોઈએ. તેમણે ચેતવણી આપતા કહ્યું, "જે લોકો માહિતી લીક કરી રહ્યા છે તેમણે પણ ન્યાયિક પ્રક્રિયાનો આદર કરવો જોઈએ. જો જરૂર પડશે તો અમે પણ કાર્યવાહી કરી શકીશું." આ ઉપરાંત, તેમણે પોતાના આગામી રાજકીય પગલાં વિશે વાત કરતા દાવો કર્યો હતો કે આંદોલન સાથે જોડાયેલા તમામ લોકો મળીને ભવિષ્યની રણનીતિ નક્કી કરશે, પરંતુ સાથે જ તેમણે હૂંકાર ભર્યો હતો કે જ્ઞાનેશ કુમારનું રાજીનામું હવે નિશ્ચિત છે.
ઉલ્લેખનીય છે કે જામીન મેળવતી વખતે બંને નેતાઓએ અદાલતમાં સોગંદનામું રજૂ કર્યું હતું કે તેઓ શાંતિ જાળવશે અને જંતર-મંતરને વિરોધ સ્થળ તરીકે નિયુક્ત ન કરાય ત્યાં સુધી ત્યાં આંદોલનનું આહ્વાન કરશે નહીં. આ કાનૂની પ્રક્રિયા અને જેલ મુક્તિ બાદ હવે આ નેતાઓના આક્રમક તેવરે રાજકીય ગરમાવો લાવી દીધો છે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
