તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
અર્વાચીન ગઝલના બાદશાહ અને શબ્દોના જાદુગર ડૉ. બશીર બદ્ર હવે નથી રહ્યા: 91 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
સાહિત્ય જગતમાં શોકની લહેર; ગઝલને લોકભોગ્ય બનાવીને કરોડો દિલ જીતનાર કવિના નિધનથી સાહિત્યપ્રેમીઓમાં સ્તબ્ધતા

નવી દિલ્હી, તા. 28: આધુનિક ઉર્દૂ ગઝલના પાયાના પથ્થર અને શબ્દો દ્વારા માનવીય સંવેદનાઓને નવી ઓળખ આપનાર પ્રખ્યાત શાયર ડૉ. બશીર બદ્રનું 91 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનના સમાચાર વાયુવેગે ફેલાતા જ સમગ્ર સાહિત્ય જગત અને તેમના લાખો ચાહકોમાં શોકની લાગણી ફરી વળી છે. ડૉ. બશીર બદ્ર માત્ર એક કવિ નહોતા, પરંતુ તેઓ ગઝલના એવા ઉસ્તાદ હતા જેમણે ક્લાસિકલ શાયરીને આધુનિક અને સરળ ભાષામાં સામાન્ય માણસ સુધી પહોંચાડી હતી.
ગઝલને આપ્યો નવો અંદાજ
ડૉ. બશીર બદ્રની શાયરીમાં જીવનના તમામ રંગો જોવા મળતા. તેમના શેર માત્ર કાગળ પર લખાયેલા શબ્દો નહોતા, પણ લોકોના દિલની વાત હતી. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આજે પણ સોશિયલ મીડિયા પર તેમના શેરોનો ઉપયોગ કરીને લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. તેમનો પ્રખ્યાત શેર, "ઉજાલે અપની યાદોં કે હમારે સાથ રહને દો, ન જાને કિસ ગલી મેં જિંદગી કી શામ હો જાયે..." આજે પણ કરોડો લોકોની જીભે છે.
સાહિત્યિક સફર અને વારસો
તેમણે પોતાની શાયરી દ્વારા ઉર્દૂ સાહિત્યને એક નવી ઊંચાઈ પર પહોંચાડ્યું હતું. તેમની ગઝલોમાં સાદગી અને ઊંડાણનું અદભૂત મિશ્રણ હતું. માત્ર ભારતમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં ઉર્દૂ અને હિન્દી સાહિત્ય પ્રેમીઓ વસે છે, ત્યાં બશીર બદ્રનું નામ આદર સાથે લેવામાં આવે છે. તેમણે અનેક મુશાયરાઓમાં પોતાની અનોખી અદાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે.
ચાહકોએ પાઠવી ભીની આંખે વિદાય
તેમના નિધનના સમાચાર મળતા જ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિનો ધોધ વહી રહ્યો છે. ચાહકો તેમની યાદમાં તેમની ગઝલોના શેર શેર કરીને તેમને યાદ કરી રહ્યા છે. કોઈ તેમને 'શબ્દોના જાદુગર' કહી રહ્યું છે, તો કોઈ તેમને 'ગઝલના સૂર્ય' ગણાવી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ પર ચાહકો 'ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજિઉન' અને 'ઓમ શાંતિ' લખીને તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે.
ડૉ. બશીર બદ્ર ભલે આજે શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના લખેલા શબ્દો અને ગઝલો હંમેશા સાહિત્યપ્રેમીઓના હૃદયમાં જીવંત રહેશે. એક યુગનો અંત થયો છે, પરંતુ તેમના શબ્દોનો પ્રકાશ હંમેશા અકબંધ રહેશે.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
