તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
કિંગ ચાર્લ્સનો અમેરિકી સંસદમાં હુંકાર: બ્રિટિશ રાજવીએ US-UK સંબંધોને ગણાવ્યા 'અતુટ', લોકશાહીના રક્ષણ માટે કરી હિમાયત: લિંકનના શબ્દો ટાંકીને યાદ અપાવ્યું
અમેરિકાની આઝાદીના 250 વર્ષની ઉજવણીમાં જોડાયા બ્રિટિશ કિંગ; ટ્રમ્પ સાથેના મતભેદો વચ્ચે એકતાનો સંદેશ આપ્યો, 'ચેક્સ એન્ડ બેલેન્સ'ના વખાણ કરતા આખી સંસદ ઉભી થઈ ગઈ

વોશિંગ્ટન,: બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ તૃતીયે મંગળવારે અમેરિકી સંસદ (કોંગ્રેસ) ના સંયુક્ત સત્રને સંબોધિત કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે. પોતાની સત્તાવાર રાજકીય મુલાકાત દરમિયાન કિંગ ચાર્લ્સે અમેરિકા અને બ્રિટન વચ્ચેના સંબંધોને 'અપરિવર્તનીય અને અતુટ' ગણાવ્યા હતા. તેમણે પોતાના ૩૦ મિનિટના વક્તવ્યમાં રમૂજ, ગંભીરતા અને મુત્સદ્દીગીરીનો એવો સંગમ રચ્યો કે રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને પક્ષના સાંસદોએ તેમને અનેકવાર ઉભા થઈને વધાવ્યા હતા.
અમેરિકાની આઝાદીના ૨૫૦ વર્ષ (America250) ની ઉજવણીના અવસરે કિંગે સ્વીકાર્યું હતું કે, "આપણો સંબંધ ભલે ૨૫૦ વર્ષ પહેલાના વિવાદોમાંથી જન્મ્યો હોય, પરંતુ આજે તે માનવ ઈતિહાસના સૌથી પ્રભાવશાળી જોડાણમાં ફેરવાઈ ગયો છે." ખાસ કરીને જ્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર વચ્ચે ઈરાન યુદ્ધ અને અન્ય મુદ્દે તણાવ ચાલી રહ્યો છે, ત્યારે કિંગ ચાર્લ્સે એકતાનો રાગ આલાપીને બંને દેશોના મુત્સદ્દીઓને શાંત રહેવા અને જૂની મિત્રતા યાદ કરવા સૂચવ્યું હતું.
કિંગ ચાર્લ્સે જ્યારે લોકશાહીમાં 'ચેક્સ એન્ડ બેલેન્સ' (સત્તાનું સંતુલન) અને ન્યાયતંત્રની સ્વતંત્રતાના વખાણ કર્યા, ત્યારે આખી સંસદમાં તાળીઓનો ગડગડાટ સંભળાયો હતો. તેમણે નાટો (NATO) ગઠબંધન અને યુક્રેનના બહાદુર લોકોના બચાવમાં જોરદાર દલીલો કરી હતી. તેમણે કહ્યું કે, નાટો માત્ર રક્ષણ માટે નથી, પરંતુ તે આપણા સહિયારા મૂલ્યોનું પ્રતીક છે. આ દરમિયાન તેમણે અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના શબ્દો ટાંકીને યાદ અપાવ્યું હતું કે, "દુનિયા આપણે શું કહીએ છીએ તે કદાચ ભૂલી જાય, પણ આપણે શું કરીએ છીએ તે ક્યારેય ભૂલશે નહીં."
શનિવારે વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાના પ્રયાસની પણ કિંગે આકરી નિંદા કરી હતી અને કહ્યું હતું કે હિંસા ક્યારેય સફળ થશે નહીં. વક્તવ્યના અંતે તેમણે પર્યાવરણ અને કુદરતના રક્ષણ માટે પણ અપીલ કરી હતી. વોશિંગ્ટનની મુલાકાત પૂર્ણ કર્યા બાદ કિંગ ચાર્લ્સ હવે બુધવારે ન્યૂયોર્ક જવા રવાના થશે. બ્રિટિશ રાજવીની આ મુલાકાતને અમેરિકા-બ્રિટન સંબંધોમાં એક 'નવા યુગ' ની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. શાસકો ભલે બદલાય, પણ બે દેશોના લોકો વચ્ચેની કડી અતુટ રહેશે તેવો વિશ્વાસ કિંગે વ્યક્ત કર્યો છે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
