તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
કિમ જોંગ ઉનનો ખતરનાક ખેલ: અમેરિકા ઈરાનમાં વ્યસ્ત, ત્યારે ઉત્તર કોરિયાએ પરમાણુ ફેક્ટરીઓ કરી 'સુપરફાસ્ટ'
વિશ્વની નજર મધ્ય પૂર્વના જંગ પર છે ત્યારે પ્યોંગયાંગે યોંગબ્યોન ન્યુક્લિયર પ્લાન્ટમાં પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન બમણું કર્યું: IAEA ના વડા રાફેલ ગ્રોસીએ 'ડઝનબંધ' નવા બોમ્બ તૈયાર હોવાની આપી ગંભીર ચેતવણી

નવી દિલ્હી: જ્યારે મહાસત્તા અમેરિકા પર્સિયન ગલ્ફમાં ઈરાન સાથેના યુદ્ધમાં ફસાયેલું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ મલાક્કા સ્ટ્રેટમાં ચીનની ઘેરાબંધી કરી રહ્યા છે, ત્યારે પૂર્વી એશિયામાં કિમ જોંગ ઉને પોતાનો અસલી દાવ ખેલ્યો છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ના વડા રાફેલ ગ્રોસીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ઉત્તર કોરિયાના અત્યંત ગુપ્ત એવા 'યોંગબ્યોન' પરમાણુ સંકુલમાં ગતિવિધિઓ ચરમસીમાએ પહોંચી છે. સેટેલાઇટ તસવીરો અને તાજેતરના ડેટા સૂચવે છે કે ઉત્તર કોરિયાએ તેના મુખ્ય રિએક્ટર્સને ફરીથી સક્રિય કરીને પરમાણુ ઈંધણ તૈયાર કરવાની પ્રક્રિયા તેજ બનાવી દીધી છે.
ગ્રોસીએ સિઓલમાં મીડિયાને સંબોધતા જણાવ્યું કે, પ્યોંગયાંગ હવે માત્ર પરમાણુ પરીક્ષણોની ધમકી આપવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે શસ્ત્રોના મોટા જથ્થાના ઉત્પાદન (Mass Production) તરફ વળ્યું છે. 5-મેગાવોટના જૂના રિએક્ટરની સાથે સાથે અત્યાધુનિક લાઇટ-વોટર રિએક્ટર અને રિપ્રોસેસિંગ યુનિટ્સમાં જોવા મળેલી તેજ હિલચાલ સાબિત કરે છે કે ઉત્તર કોરિયા પાસે હવે અનેક ડઝન પરમાણુ શસ્ત્રોનો ભંડાર તૈયાર છે. આ 'ન્યુક્લિયર એડવાન્સમેન્ટ' એવા સમયે થઈ રહ્યું છે જ્યારે અમેરિકાના જાસૂસી ડ્રોન ઈરાન દ્વારા તોડી પાડવામાં આવી રહ્યા છે, જેના કારણે વોશિંગ્ટન માટે બીજા મોરચે ધ્યાન આપવું મુશ્કેલ બની ગયું છે.
ઉત્તર કોરિયાએ ૨૦૦૬માં તેના પ્રથમ પરમાણુ પરીક્ષણથી જ વિશ્વને ચોંકાવ્યું હતું, પરંતુ ૨૦૨૬ના આ વર્ષમાં તેની શક્તિ અનેકગણી વધી ગઈ હોય તેમ લાગે છે. સંયુક્ત રાષ્ટ્રના કડક આર્થિક પ્રતિબંધો છતાં કિમ જોંગ ઉને પરમાણુ શસ્ત્રોને પોતાનું 'સુરક્ષા કવચ' ગણાવી તેને છોડવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. નિષ્ણાતો માને છે કે જો અમેરિકા ઈરાન સાથેના સંઘર્ષમાં વધુ સમય વ્યસ્ત રહેશે, તો ઉત્તર કોરિયા આ તકનો લાભ લઈને ટૂંક સમયમાં જ સાતમું મોટું પરમાણુ પરીક્ષણ કરીને વિશ્વને ફરી એકવાર થથરાવી શકે છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
