<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ઈન્‍સ્‍યોરન્‍સના પૈસા માટે ગર્ભવતી પત્‍નીની હત્‍યા કરાવી નાખી

પાપી પતિની કાળી કરતૂતઃ ગર્ભવતી પત્‍નીની લોડિંગ વાહનથી ટક્કર મારીને હત્‍યા કરાવી

જબલપુર,તા.૦૩: જબલપુરમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં પાટન વિસ્‍તારના નૂનસર ચોકી વિસ્‍તારમાં એક પતિએ પોતાની જ પત્‍નીની હત્‍યા કરાવી નાખી. આરોપી પતિએ ઇન્‍શ્‍યોરન્‍સના પૈસાની લાલચમાં આ ખતરનાક કાવતરાને અંજામ આપ્‍યો. આ આખી ઘટના ૪ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ની છે. પાટન પોલીસે શરૂઆતી તપાસ દરમિયાન તેને અકસ્‍માતનો મામલો ગણાવ્‍યો હતો. પણ જ્‍યારે પોલીસે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી તો મોટો ભાંડો ફૂટ્‍યો. જાણવા મળ્‍યું કે, આ કોઈ દુર્ઘટના નથી, પણ એક સુનિયોજિત કાવતરું હતું.

મૃતકનું નામ કવિતા ચૌધરી હતું. તે ગર્ભવતી હતી. કવિતા પહેલા સ્‍ટાર હેલ્‍થ ઇન્‍શ્‍યોરન્‍સ કંપનીમાં કામ કરતી હતી. આરોપી પતિનું નામ પ્રયાસ પાંડે છે. પ્રયાસ પાંડે પાટન કેચરી નજીક નોટરીનું કામ કરે છે. આરોપ છે કે પ્રયાસ પાંડેએ પત્‍ની કવિતા ચૌધરીની હત્‍યાનું કાવતરું રચ્‍યું છે.

આરોપીએ ૩ લોકોને સોપારી આપીને આ અકસ્‍માત કરાવ્‍યો. રાતના લગભગ ૮.૦૦થી ૯.૦૦ની વચ્‍ચે આરોપી રોડ કિનારે ઘાત લગાવીને બેસી રહ્યા. જેવું કવિતા પોતાની સ્‍કૂટી લઈને પહોંચી, આરોપીએ લોડિગ વાહનથી તેની સ્‍કૂટીને જોરદાર ટક્કર મારી દીધી. આ દુર્ઘટનામાં કવિતાનું મોત થઈ ગયું.

પોલીસ તપાસમાં સામે આવ્‍યું કે, આરોપી પ્રયાસ પાંડે અને કવિતા ચૌધરીએ વર્ષ ૨૦૨૨માં એકબીજાના સંપર્કમાં આવ્‍યા હતા. બંનેએ વર્ષ ૨૦૨૪માં કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ બંને ભેડાઘાટ વિસ્‍તારની એક આમા કોલોનીમાં ઘર ખરીદીને એક સાથે રહેવા લાગ્‍યા. કવિતાના નામ પર ઇન્‍શ્‍યોરન્‍સની પોલિસી હતી. પ્રયાસ પાંડે આ ઇન્‍શ્‍યોરન્‍સ પોલિસીના પૈસા હડપવા માગતો હતો. અકસ્‍માત બાદ મોત દેખાડી વીમા કંપની પાસે ક્‍લેમની રકમ લેવા માગતો હતો. આ લાલચમાં તેણે પોતાની પત્‍નીની હત્‍યા કરાવી નાખી.

હત્‍યાના આ કાવતરામાં પ્રયાસ પાંડેનો સહાયક માનસ સિહ લોધી પણ સામેલ હતો. પ્રયાસ પાંડે પોતાના સહાયક માનસ સિહ લોધી દ્વારા પાટનના ચૌધરી વિસ્‍તારના વિક્રમ અહિરવાર અને તેના બે સાથીના કોન્‍ટેક્‍ટમાં આવ્‍યો હતો. પૈસાની લેવડદેવડ બાદ હત્‍યાનો આખો પ્‍લાન બનાવ્‍યો. જબલપુર એસડીઓપી આશુતોષ દ્વિવેદીના જણાવ્‍યા અનુસાર, અકસ્‍માત કરનારો મુખ્‍ય આરોપી વિક્રમ અહિરવાર અને તેના બે સાથીને પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે.

આ ઘટના બાદથી મુખ્‍ય આરોપી પતિ પ્રયાસ પાંડે અને તેનો સહાયક માનસ સિહ લોધી ફરાર છે. પોલીસ આ બંનેને શોધવામાં લાગી ગઈ છે. પોલીસ બાકીના પોલીસ સ્‍ટેશનમાં પણ તેનો રેકોર્ડ ખંગાળી રહી છે.

(10:01 AM IST)