<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

કિવ પર રશિયાનો કાળો કેર: રાતોરાત ૧૦ મિસાઇલો અને ૧૨૧ ડ્રોનનો ભયાનક મારો; આકાશ લાલચોળ થયું, વિસ્ફોટોથી ધ્રૂજી યુક્રેનની રાજધાની!

સોલોમિઆન્સ્કી સહિત અનેક જિલ્લાઓમાં ઇમારતો આગની જ્વાળાઓમાં લપેટાઈ; એક માસૂમ બાળક સહિત ૧૦ લોકો લોહીલુહાણ, રશિયાનો દાવો– યુક્રેનની 'ડ્રોન ફેક્ટરી'ને ફૂંકી મારી

કિવ : છેલ્લા ચાર વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના લોહિયાળ જંગમાં રશિયન સેનાએ ફરી એકવાર અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક મિસાઇલ તથા ડ્રોન હુમલો કરીને યુક્રેનની રાજધાની કિવને બાનમાં લીધી છે. શનિવારની વહેલી સવારે જ્યારે આખું શહેર ગાઢ નિદ્રામાં હતું, ત્યારે રશિયાએ એકસાથે આકાશમાંથી આફત વરસાવી હતી. રશિયા દ્વારા કરવામાં આવેલા આ શ્રેણીબદ્ધ હુમલાઓમાં એક માસૂમ બાળક સહિત ઓછામાં ઓછા ૧૦ નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વિસ્ફોટોના પ્રચંડ અવાજથી આખું કિવ શહેર ગુંજી ઉઠ્યું હતું અને આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા.

યુક્રેનની સ્ટેટ ઇમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, રશિયન હુમલા બાદ રાજધાનીના સોલોમિઆન્સ્કી, ડાર્નિત્સકી અને ડિનિપ્રોવ્સ્કી જેવા હાઈ-પ્રોફાઈલ જિલ્લાઓમાં એક પછી એક ધડાકા થયા હતા અને ગણતરીની મિનિટોમાં અનેક વિસ્તારોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સોલોમિઆન્સ્કી જિલ્લામાં રશિયન મિસાઇલ સીધી ત્રણ માળની વિશાળ વેરહાઉસ ઇમારત પર ઝીંકાતા ત્યાં આકાશને આંબતી જ્વાળાઓ દેખાઈ હતી.

આકાશમાં જ ખેલાયો જંગ: યુક્રેને ૧૧૧ ડ્રોન તોડી પાડ્યા

યુક્રેનિયન વાયુસેના (Air Force) એ રશિયાના આ ઘાતક પ્લાનને નિષ્ફળ બનાવવા માટે પોતાની તમામ એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી હતી. વાયુસેનાના સત્તાવાર અહેવાલ મુજબ, રશિયાએ રાત્રિના અંધકારનો લાભ લઈને ખતરનાક બેલિસ્ટિક મિસાઇલો સહિત કુલ ૧૦ મિસાઇલો અને ૧૨૧ સુસવાટા મારતા ડ્રોન છોડ્યા હતા.

 

સમુદ્રી અને હવાઈ હુમલાનો ચિતાર:

·         યુક્રેનનો વળતો પ્રહાર: યુક્રેનિયન વાયુસેનાએ દાવો કર્યો છે કે તેમના એર ડિફેન્સે અપ્રતિમ બહાદુરી બતાવીને રશિયાની ૨ મિસાઇલો અને ૧૧૧ ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા અથવા ઇલેક્ટ્રોનિક જામિંગ દ્વારા નકામા કરી દીધા હતા.

·         તબાહીનો આંકડો: રશિયાની બેલિસ્ટિક મિસાઇલો, બે ગાઇડેડ એર-ટુ-સરફેસ મિસાઇલો અને ૭ એટેક ડ્રોન યુક્રેનના ૧૧ વ્યૂહાત્મક સ્થળો પર સીધા ત્રાટક્યા હતા, જ્યારે તોડી પાડેલા શસ્ત્રોનો કાટમાળ પડવાને કારણે પણ ૩ સ્થળોએ ભારે નુકસાન થયું છે.

રશિયાનો વળતો દાવો: ઓડેસા પોર્ટ અને ડ્રોન ફેક્ટરીઓ કરી નષ્ટ

બીજી તરફ, મોસ્કોમાં રશિયન સંરક્ષણ મંત્રાલયે આ હુમલા અંગે સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે તેમનો ટાર્ગેટ સામાન્ય નાગરિકો નહીં, પરંતુ યુક્રેનનું સૈન્ય માળખું હતું. રશિયાના દાવા મુજબ તેમણે કિવમાં ચાલી રહેલી યુક્રેનની ડ્રોન ઉત્પાદન સુવિધાઓ (Drone Factories) અને દક્ષિણ ઓડેસા ક્ષેત્રમાં આવેલા વ્યૂહાત્મક ઇઝમેલ અને ચોર્નોમોર્સ્ક બંદરો (Ports) ને સંપૂર્ણપણે નિશાન બનાવીને તબાહ કરી દીધા છે.

આ સાથે જ રશિયાએ એવો પણ દાવો કર્યો છે કે તેમની પોતાની એર ડિફેન્સ સિસ્ટમે રશિયાના ૮ પ્રદેશો, ક્રિમિઅન દ્વીપકલ્પ તેમજ બ્લેક સી (કાળો સમુદ્ર) ની ઉપર હુમલો કરવા આવી રહેલા યુક્રેનના ૧૭૮ ડ્રોનનો એક જ રાતમાં સફાયો કરી દીધો છે. આ ભયાનક હુમલા બાદ બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

(9:31 PM IST)