<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

ચૂંટણી ટાણે પીએમ મોદી વિશે ખડગેની ‘આતંકવાદી’ ટિપ્પણીથી ખળભળાટ, ચૂંટણી પંચે કોંગ્રેસ પ્રમુખને ફટકારી નોટિસ

ભાજપના પ્રતિનિધિમંડળની રજૂઆત બાદ ચૂંટણી પંચની ‘ગંભીર નોંધ’: તમિલનાડુમાં ગઠબંધન મુદ્દે આપેલું નિવેદન ખડગેને ભારે પડ્યું, ૧.૪ અબજ ભારતીયોના અપમાનનો ભાજપનો આક્ષેપ

નવી દિલ્હી: દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે નેતાઓના નિવેદનો હવે મર્યાદા વટાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલી ‘આતંકવાદી’ ટિપ્પણીએ મોટો રાજકીય વિવાદ સર્જ્યો છે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લેતા ભારતીય ચૂંટણી પંચે આજે ખડગેને ‘કારણ બતાવો’ નોટિસ ફટકારી છે, જેનાથી રાજકીય ગલિયારાઓમાં ગરમાવો આવી ગયો છે.

શું હતો સમગ્ર વિવાદ?

તમિલનાડુના ચેન્નાઈમાં પત્રકારોને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ AIADMK અને ભાજપના જોડાણ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, “AIADMK ના લોકો મોદી સાથે કેવી રીતે જોડાઈ શકે? તેઓ આતંકવાદી છે. તેમની પાર્ટી ન્યાયમાં માનતી નથી અને જે લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે તેઓ લોકશાહીને નબળી પાડી રહ્યા છે.” ખડગેએ વધુમાં એમ પણ કહ્યું હતું કે AIADMK હવે ભાજપની ‘મૂક ગુલામ’ બની ગઈ છે.

ભાજપનો પલટવાર અને પંચમાં ધા

ખડગેના આ નિવેદન બાદ ભાજપ લાલચોળ થઈ ગયું હતું. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ સહિતના નેતાઓના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે તાત્કાલિક ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો. ભાજપે આક્ષેપ કર્યો હતો કે આ માત્ર વડાપ્રધાનનું જ નહીં, પરંતુ દેશના ૧.૪ અબજ નાગરિકોનું અપમાન છે. ભાજપે માંગ કરી હતી કે કોંગ્રેસ પ્રમુખ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

ખડગેની સફાઈ: ‘આઈ મીન આતંકિત’

વિવાદ વધતા જ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમનો હેતુ વડાપ્રધાનને વ્યક્તિગત રીતે આતંકવાદી કહેવાનો નહોતો, પરંતુ તેનો અર્થ એવો હતો કે તેઓ (પીએમ મોદી) હંમેશા વિરોધ પક્ષો અને સામાન્ય લોકોને ‘આતંકિત’ કરે છે અને ડરાવવાનું કામ કરે છે. જોકે, ચૂંટણી પંચે આ સ્પષ્ટતા બાદ પણ નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.

ચૂંટણી પંચની લાલ આંખ

ચૂંટણી પંચે આ ટિપ્પણીની ગંભીર નોંધ લીધી છે કારણ કે તે આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન સમાન છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ પ્રમુખ આ નોટિસનો શું જવાબ આપે છે અને પંચ આગામી દિવસોમાં કેવા કડક પગલાં ભરે છે. ચૂંટણીના આ તબક્કે આવા નિવેદનોથી વાતાવરણ વધુ તંગ બનવાની શક્યતા છે.

(8:02 PM IST)