News of Thursday, 24th September 2026
ખાખી વર્ધી શરમાઈ: અમરોહાના ફાર્મહાઉસમાં હરિયાણાની યુવતી પર ગૅંગરેપ, યુપી પોલીસ અને CRPFના ૪ જવાનોની ધરપકડથી ભારે ખળભળાટ
ધાર્મિક યાત્રાના બહાને બોલાવી રક્ષકો જ ભક્ષક બન્યા; અખિલેશ યાદવે યુપી સરકાર અને પોલીસ દળ પર પ્રહારો કરતા કડક કાર્યવાહીની માંગ કરી

અમરોહા : ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના હસનપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને શર્મસાર કરતી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. હરિયાણાના ફતેહાબાદની ૨૪ વર્ષીય મહિલાએ તેના પર સામૂહિક બળાત્કાર (ગૅંગરેપ) થયો હોવાનો ગંભીર આરોપ લગાવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ હીન કૃત્ય આચરવા બદલ રક્ષકની ભૂમિકામાં રહેલા ચાર સુરક્ષાકર્મીઓની જ ધરપકડ કરવામાં આવી છે, જેમાં યુપી પોલીસના એક સબ-ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ તેમજ CRPFના એક ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
ઘટનાની વિગતો અનુસાર, પીડિત યુવતીને ૨૦ સપ્ટેમ્બરે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાના બહાને બોલાવવામાં આવી હતી. ૨૨ સપ્ટેમ્બરની રાત્રે આરોપીઓ યુવતીને અત્રાસી-હસનપુર રોડ પર આવેલા એક ફાર્મહાઉસ પર લઈ ગયા હતા, જે મિલકત ઉત્તરાખંડના એક અપક્ષ ધારાસભ્ય સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે. ત્યાં દારૂ અને ભોજનની વ્યવસ્થા કર્યા બાદ CRPF ઇન્સ્પેક્ટર મોહિત, હેડ કોન્સ્ટેબલ લાલારામ યાદવ અને યુપી પોલીસના સબ-ઇન્સ્પેક્ટર સંજય તોમરે વારાફરતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે ચોથા જવાન પ્રમોદે પણ તેની સાથે અડપલાં કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ હિંમત દાખવીને પોતાને રૂમમાં બંધ કરી દીધી હતી અને ઓનલાઇન હેલ્પલાઇન નંબર શોધી પોલીસને જાણ કરી હતી.
બુધવારે સવારે પોલીસ ટીમે ફાર્મહાઉસ પર દરોડો પાડી યુવતીને મુક્ત કરાવી હતી અને ચારેય આરોપી જવાનોની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા હતા. સ્થાનિક સબ-ઇન્સ્પેક્ટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આ ઘટના અંગે યુપી સરકાર પર આકરા પ્રહારો કરતા તેને 'પોલીસ દળ પર ક્યારેય ન ભૂંસાય તેવો ડાઘ' ગણાવ્યો છે અને ઐતિહાસિક સજા કરવાની માંગ કરી છે.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
