<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

ખાખી પર લાંચનું કલંક: પુણેમાં ૨૮ લાખની મસમોટી રકમ સ્વીકારતા મહિલા પોલીસ અધિકારી અને તેનો સાગરીત ACBના સકંજામાં

આર્થિક ગુના શાખામાં ફરજ બજાવતા મહિલા અધિકારીએ જમીન કૌભાંડની તપાસમાં મદદ કરવા બદલ માગી હતી તોતિંગ લાંચ: હોટલના પ્રવેશદ્વાર પર જ છટકું ગોઠવી ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ ખેલ પાડી દીધો

પુણે: પુણે પોલીસની આર્થિક ગુના શાખા (EOW) માં ફરજ બજાવતા સહાયક પોલીસ નિરીક્ષક વૈશાલી તોતેવાર અને તેમના સાથીદાર સંભાજી ચવ્હાણને એન્ટી કરપ્શન બ્યુરોએ ૨૮ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. જમીન સંબંધિત એક ફરિયાદમાં ફરિયાદીના પક્ષમાં તપાસ કરવાના બદલામાં તોતેવારે લાખો રૂપિયાની માંગણી કરી હતી. રસપ્રદ વાત એ છે કે તોતેવારની તાજેતરમાં જ રેલવે પોલીસ મુંબઈ ખાતે બદલી થઈ હતી અને શુક્રવારે જ તેમને EOW માંથી મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ સત્તાના જોરે ભ્રષ્ટાચારનો ખેલ ચાલુ રાખવો તેમને ભારે પડ્યો છે.
એસીબીના જણાવ્યા અનુસાર, મહિલા અધિકારીએ શરૂઆતમાં ૨ લાખ રૂપિયાની લાંચ લીધા બાદ કેસ સગેવગે કરવા માટે વધુ ૩૦ લાખની માંગ કરી હતી. લાંબી વાટાઘાટો બાદ ૨૮ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. આ મામલે ફરિયાદીએ ૩૦ એપ્રિલે એસીબીના પુણે યુનિટનો સંપર્ક સાધ્યો હતો. સુપરિન્ટેન્ડેન્ટ શિરીષ સરદેશપાંડે અને નાયબ પોલીસ અધિક્ષક નીતા મિસાલની ટીમે ફરિયાદની સત્યતા તપાસ્યા બાદ શનિવારે મંગલદાસ રોડ પર આવેલી હોટલ કોનરાડ પાસે ફિલ્મી ઢબે છટકું ગોઠવ્યું હતું.
જ્યારે સંભાજી ચવ્હાણ તોતેવાર વતી હોટલના ગેટ પર ૨૮ લાખ રૂપિયાની રોકડ સ્વીકારવા આવ્યો, ત્યારે જ તક જોઈને ત્રાટકેલી એસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો અને ત્યારબાદ મુખ્ય સૂત્રધાર વૈશાલી તોતેવારની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ હાઈ-પ્રોફાઈલ લાંચ કેસમાં કોરેગાંવ પાર્ક પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખાખી વર્દીની આડમાં ચાલતા આ તોતિંગ વહીવટના પર્દાફાશથી સમગ્ર પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

(12:14 AM IST)