News of Wednesday, 1st July 2026
કેતન અગ્રવાલ હત્યાકાંડ: હત્યાના એક મહિના પહેલાંના ખુશહાલ પરિવારનો વીડિયો વાયરલ થતાં સમગ્ર દેશમાં શોકનું મોજું
"કલ હમ કહાં હોંગે કોન જાને" ગીતના શબ્દો બન્યા કરુણ વાસ્તવિકતા; પુણેના લોહાગઢ કિલ્લા પર થયેલા લોહીયાળ ખેલના એક મહિના પહેલાંની પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ

પુણે: ઐતિહાસિક લોહાગઢ કિલ્લા પર બનેલી કેતન અગ્રવાલ હત્યાકાંડની હચમચાવી દેનારી ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. આ ચકચારી કેસમાં હવે પોલીસ દ્વારા મુખ્ય આરોપીઓ એટલે કે કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીની પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોએ લોકોના હૃદયને હલાવી દીધા છે. આ વીડિયો કેતનની ક્રૂર હત્યાના માત્ર એક મહિના પહેલાંનો છે, જે પરિવારની ખુશીઓ અને તેમના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ પર ફરેલા ક્રૂર પંજાની સાક્ષી પૂરે છે.
ગીતના શબ્દો સાચા પડ્યા અને છવાઈ ગયો સન્નાટો
વાયરલ થયેલા આ વીડિયોમાં કેતનના પિતા વિશાલ અગ્રવાલ અને સિયાના માતા-પિતા પ્રવીણ અને પૂજા ગોયલ એક કૌટુંબિક પ્રસંગમાં બોલિવૂડના પ્રખ્યાત ગીત "યમ્મા યમ્મા... બસ આજ કી રાત હૈ જિંદગી; કલ હમ કહાં હોંગે કોન જાને" પર મન મૂકીને ઝૂમતા જોવા મળે છે. ત્યારે કોઈને સપને પણ ખ્યાલ નહોતો કે આ ગીતના શબ્દો તેમના જીવનની સૌથી મોટી કરુણતા બની જશે. પરિવારની એ હસતી-રમતી ક્ષણો હવે એક દુઃસ્વપ્ન જેવી લાગી રહી છે.
ગાયિકા રીતુ શર્માએ શેર કરી ભાવુક પોસ્ટ
આ કાર્યક્રમમાં પર્ફોર્મ કરનાર ગાયિકા રીતુ શર્માએ પોતે સોશિયલ મીડિયા પર આ બે વીડિયો શેર કર્યા છે. જેમાં એક વીડિયોમાં કેતનના પિતા ગાયિકા સાથે ગીત ગાઈ રહ્યા છે, તો બીજામાં કેતન તેના થનારા સસરા પ્રવીણ ગોયલ સાથે ફિલ્મ 'ગદર'ના ગીત પર ડાન્સ કરી રહ્યો છે. રીતુ શર્માએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "7 મેના રોજ આ પરિવારો ખૂબ જ ખુશ હતા. કેતન એક અત્યંત નિર્દોષ યુવાન હતો, જેના સાથે આટલો મોટો અન્યાય થયો."
રીતુએ સિયા માટે કડક સજાની માંગણી કરતા પ્રશ્ન કર્યો છે કે, "શું કોઈને નાપસંદ કરવા બદલ જીવ લેવાનો અધિકાર મળી જાય છે? સિયા જો ઈચ્છતી તો તે તેના પ્રેમી સાથે ભાગી શકતી હતી, પણ તેણીએ કેતનના માતા-પિતાના દુઃખ વિશે એકવાર પણ વિચાર્યું?"
કિલ્લા પર રચાયું હતું લોહીયાળ કાવતરું
ઉલ્લેખનીય છે કે, ગત 18 જૂનના રોજ લોહાગઢ કિલ્લાની ઊંડી ખીણમાં સિયા ગોયલે તેના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને કેતનને ધક્કો મારી દીધો હતો, જેમાં તેનું દુઃખદ મોત થયું હતું. હાલમાં બંને આરોપીઓ પોલીસની પકડમાં છે અને સત્ય તપાસમાં બહાર આવી રહ્યું છે, પરંતુ આ વાયરલ વીડિયોએ એ નિર્દોષ યુવાનની હત્યાના ઘા ફરી તાજા કરી દીધા છે.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
