તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
અમેરિકામાં કેસર કેરીનો વટ ! માત્ર ૪ નંગની કિંમત ૧૯૦૦ રૂપિયા
ભારતીય મિઠાસ હવે અમેરિકન બજારમાં ખુલ્લેઆમ ભળવા લાગી છે

વોશિંગ્ટન તા.૧૮: ભારતીય કેસર કેરી હવે અમેરિકાના સિએટલ સહિત ઘણા શહેરોમાં વેચાઈ રહી છે. કેરી Costco જેવા સ્ટોર્સમાં મળવા લાગી છે. ૪ કેરીનું પેક આશરે ૧૯.૯૯ ડોલરમાં વેચાઈ રહ્યું છે. ભારત વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ છે અને તેની માગ અમેરિકામાં ઝડપથી વધી રહી છે. અમેરિકામાં રહેતા ભારતીયો માટે આ એક યાદ સમાન છે.
ભારતની ઉનાળાની ઓળખ હવે સાત સમુદ્ર પાર અમેરિકા સુધી પહોંચી ગઈ છે. વોશિગ્ટનના સિએટલ વિસ્તારમાં આ અઠવાડિયે ભારતીય કેરીઓની એન્ટ્રીએ એક અલગ જ માહોલ બનાવી દીધો છે. ખાસ વાત એ છે કે હવે આ કેરી માત્ર ઇન્ડિયન સ્ટોર્સ સુધી સીમિત નથી રહી, પરંતુ મોટા રિટેલ સ્ટોર જેવા કે ઘ્ંતદ્દણૂંમાં પણ મળવા લાગી છે, એટલે કે ભારતીય મિઠાસ હવે અમેરિકન બજારમાં ખુલ્લેઆમ ભળવા લાગી છે. વેબસાઇટ પર જોયેલા ભાવ મુજબ, ‘કેસર કેરી' ૪ના પેકમાં ૨૦ ડોલર (આશરે ?૧,૯૧૯)માં વેચાઈ રહી છે. ભારતમાં ૧૯૦૦ રૂપિયામાં એટલી કેરી આવી જાય કે તે ઘણા દિવસો સુધી ન ખૂટે. આ કિમત ઘણા શહેરો સિએટલ, લિનવુડ, એડિસન અને નોર્થ બ્રન્સવિકના સ્ટોર્સમાં એકસરખી છે. એટલે કે હવે ભારતીય કેરી સામાન્ય અમેરિકન ગ્રાહકની પહોંચમાં આવી રહી છે.
સિએટલમાં મેંગો ડિપ્લોમેસીઃ અમેરિકાના સિએટલમાં ભારતના કોન્સુલ જનરલ પ્રકાશ ગુપ્તાએ Fox-13 ન્યૂઝ પર ભારતની કેરીને પ્રમોટ કરી છે. આમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા જેથી ભારતીય કેરી મોટા રિટેલ નેટવર્ક સુધી પહોંચી શકે. હવે આ મહેનતની અસર દેખાઈ રહી છે અને સિએટલના Costco જેવા સ્ટોર્સમાં કેરી મળવાનું શરૂ થઈ ગયું છે. તેમણે કહ્યું કે, ભારતમાં કેરી માત્ર ફળ નથી, પરંતુ ઉનાળાની ઓળખ અને પારિવારિક યાદોનો એક ભાગ છે. હવે એ જ અહેસાસ અમેરિકામાં પણ પહોંચી રહ્યો છે.
કેમ ખાસ છે ભારતીય કેરી?: ભારત વિશ્વમાં કેરીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને વૈશ્વિક ઉત્પાદનનો આશરે અડધો હિસ્સો અહીંથી જ આવે છે. કેસર, અલ્ફાન્સો, દશેરી અને લંગડા જેવી કેરીઓની ખાસ મિઠાસ અને સુગંધના કારણે તેમની વિશ્વભરમાં અલગ ઓળખ છે. હાલમાં સિએટલમાં કેસર કેરી સૌથી પહેલા પહોંચી છે, જ્યારે આવનારા અઠવાડિયામાં અન્ય વેરાયટી પણ બજારમાં ઉતરશે.
કેરી પહેલા મળવી મુશ્કેલ હતીઃ અત્યાર સુધી અમેરિકામાં ભારતીય કેરી માત્ર કેટલાક ખાસ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર્સ સુધી જ સીમિત હતી, પરંતુ હવે તેનો સપ્લાય મોટા પાયે વધી રહ્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અમેરિકન બજારમાં ભારતીય ફળોની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
