તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
કેદારનાથ યાત્રાએ તોડ્યા તમામ રેકોર્ડ: ૧૯.૨૨ લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, ૨૫૦ કરોડથી વધુનો આર્થિક વેગ
કઠોર હવામાન વચ્ચે બાબા કેદારના અટલ શ્રદ્ધાળુઓના આગમનથી સ્થાનિક રોજગાર, ઘોડા-ખચ્ચર અને હેલી સેવા ક્ષેત્રે બમ્પર કમાણી નોંધાઈ.

રુદ્રપ્રયાગ : આ વર્ષની વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામ યાત્રાએ શ્રદ્ધા અને આર્થિક સમૃદ્ધિના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. પ્રતિકૂળ હવામાન અને કઠોર ભૌગોલિક પરિસ્થિતિઓ છતાં ૧૯.૨૨ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા કેદારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ અભૂતપૂર્વ ભક્તિમય ધસારાના પરિણામે સ્થાનિક અર્થતંત્ર, નાના વેપારીઓ અને પરિવહન ક્ષેત્રને ₹૨૫૦ કરોડથી વધુનો અધધ બમ્પર આર્થિક વેગ મળ્યો છે.
૨૨ એપ્રિલે કપાટ ખુલ્યા બાદથી ૨૦૫ દિવસ સુધી ચાલેલી આ યાત્રામાં યાત્રાળુઓએ પગપાળા, ઘોડા-ખચ્ચર, દંડ-કાંડી અને હેલિકોપ્ટર સેવાઓનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. જેમાં ૮ હજાર નોંધાયેલા ઘોડા-ખચ્ચર દ્વારા ₹૧ અબજથી વધુ, ૯ હજાર દાંડી-કંડી અને પાલકી સેવાઓથી ₹૪૬.૩૨ કરોડ તેમજ સોનપ્રયાગ-ગૌરીકુંડ શટલ સેવાઓ દ્વારા ₹૧૫ કરોડનો વેપાર થયો હતો. આ ઉપરાંત, ગુપ્તકાશી, ફાટા અને શેરશીથી ચાલતી હેલી સેવાઓ મારફતે ૧.૨૫ લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લેતાં હેલી કંપનીઓને પણ ₹૧ અબજનું ટર્નઓવર પ્રાપ્ત થયું હતું.
અતિવૃષ્ટિ અને ચોમાસા દરમિયાન કુદરતી આપદાઓને કારણે યાત્રા થોડા દિવસો સ્થગિત રાખવી પડી હોવા છતાં, ઓક્ટોબર માસમાં દૈનિક સરેરાશ ૮,૦૦૦ ભક્તોના આગમનથી રોનક પરત ફરી હતી. જિલ્લા પંચાયતે પણ વિવિધ લાઇસન્સ ફી, ચલણ અને ટોકન ફી થકી ₹૩.૪૪ કરોડથી વધુની સફળ કમાણી કરી હતી. વધતી જતી આ શ્રદ્ધાળુઓની સંખ્યાથી સ્થાનિક હોટેલિયર્સ, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૪માં ૧૬.૫૨ લાખ અને ૨૦૨૫માં ૧૭.૬૮ લાખ દર્શનાર્થીઓની તુલનાએ આ વર્ષે યાત્રાળુઓનો આંકડો ૧૯.૨૨ લાખને આંબી ગયો છે. બુધવારે ધામના કપાટ વિધિવત બંધ થવા સાથે જ બદ્રી-કેદાર મંદિર સમિતિના પ્રમુખ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષના અનુભવો અને પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આગામી વર્ષની કેદારનાથ યાત્રાને વધુ દિવ્ય, ભવ્ય અને સુવિધાસભર બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા અત્યારથી જ આગોતરું આયોજન હાથ ધરવામાં આવશે.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
