તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Saturday, 11th April 2026
કેદારનાથ યાત્રા 2026: હવે મિનિટોમાં પહોંચો બાબાના દ્વારે! જાણો હેલિકોપ્ટર બુકિંગની સંપૂર્ણ વિગત અને ભાડું
19 એપ્રિલથી ચારધામ યાત્રાનો મંગલ પ્રારંભ: IRCTC પોર્ટલ પર આજથી જ બુકિંગની લાઈનો લાગી : છેતરપિંડીથી બચવા માટે સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન અને સિરસી, ફાટા તેમજ ગુપ્તકાશીના લેટેસ્ટ રેટ્સ

દેહરાદૂન: ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓની આતુરતાનો અંત આવ્યો છે. વર્ષ 2026ની આ યાત્રા 19 એપ્રિલથી ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર ખુલવાની સાથે શરૂ થશે, જ્યારે 22 એપ્રિલે બાબા કેદારનાથના કપાટ ખુલશે. બાબાના દર્શન કરવા માંગતા ભક્તો માટે સૌથી મોટા સમાચાર એ છે કે હેલિકોપ્ટર સેવા માટેનું ઓનલાઈન બુકિંગ આજે, 11 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યાથી સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સેવા ખાસ કરીને એવા વૃદ્ધો અને શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે જેઓ પગપાળા ચઢાણ કરવા અસમર્થ છે. ભક્તો અત્યારે 22 એપ્રિલથી 11 મે સુધીની મુસાફરી માટે પોતાની સીટ કન્ફર્મ કરાવી શકે છે.
હેલિકોપ્ટર બુકિંગ માટે સરકારે માત્ર IRCTCની સત્તાવાર વેબસાઇટ heliyatra.irctc.co.in ને જ માન્યતા આપી છે. ભાડાની વાત કરીએ તો, સિરસીથી કેદારનાથ સુધીની રાઉન્ડ-ટ્રીપ માટે આશરે ₹6,390, ફાટાથી ₹10,164 અને ગુપ્તકાશીથી ₹12,762 નક્કી કરવામાં આવ્યા છે. બુકિંગ કરાવતા પહેલા શ્રદ્ધાળુઓએ ઉત્તરાખંડ ટુરિઝમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એક યુઝર આઈડી પરથી મહત્તમ 6 ટિકિટ બુક કરી શકાય છે. જો ખરાબ હવામાન અથવા અન્ય કારણોસર યાત્રા રદ કરવી પડે, તો સરકાર 5 થી 7 દિવસમાં નાણાં રિફંડ કરવાની ખાતરી પણ આપી રહી છે.
જોકે, આ ભક્તિના માહોલમાં સાયબર ઠગો પણ સક્રિય થયા છે. સોશિયલ મીડિયા અને વ્હોટ્સએપ પર સસ્તી ટિકિટ અથવા વીઆઈપી દર્શનના નામે લલચાવતી ઓફરોથી સાવધ રહેવા પોલીસે કડક સૂચના આપી છે. ઉત્તરાખંડ પોલીસે અત્યાર સુધીમાં અનેક નકલી વેબસાઈટ અને મોબાઈલ નંબરો બ્લોક કર્યા છે. ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ માત્ર સત્તાવાર લિંકનો જ ઉપયોગ કરે અને અજાણ્યા ક્યુઆર કોડ કે લિંક પર પેમેન્ટ ન કરે. બાબા કેદારના દર્શનની આ યાત્રા સુખદ અને સુરક્ષિત રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
