તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
કાશ્મીરી સફરજન પર કરા-વાવાઝોડાનો કેર થશે ભૂતકાળ: સફરજનના બગીચાઓને રક્ષણ આપવા સરકારની બમ્પર સબસિડીની જાહેરાત, ખેડૂતોને મળશે પ્રતિ ચોરસ મીટર મોટી આર્થિક મદદ!
કેન્દ્રિય પ્રાયોજિત MIDH યોજના હેઠળ કાશ્મીર ખીણમાં એન્ટી-હેઇલ નેટ લગાડવાનું કામ ઝડપી બન્યું: માળીઓને પ્રતિ ચોરસ મીટર ₹૪૦.૨૫ થી વધુની સહાય અને ઓનલાઈન અરજીની સુવિધા

શ્રીનગર : કાશ્મીર ખીણના વિશ્વપ્રસિદ્ધ સફરજનના બગીચાઓને કુદરતી આફતો અને અચાનક પડતા કરાથી બચાવવા માટે બાગાયત વિભાગે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ પહેલ શરૂ કરી છે. કેન્દ્રિય પ્રાયોજિત 'મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર' (MIDH) હેઠળ સમગ્ર કાશ્મીરમાં કરા-રોધક જાળી (Anti-Hail Net) યોજના ઝડપથી લાગુ કરવામાં આવી રહી છે. આ યોજનાથી દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન વેઠતા હજારો સફરજન ઉત્પાદક ખેડૂતોને સીધો મોટો ફાયદો થશે.
સરકાર તરફથી ડબલ સબસિડીનો ધમાકો:
MIDH ના મિશન ડિરેક્ટર અને કાશ્મીરના બાગાયત ડિરેક્ટર વિકાસ આનંદે માહિતી આપી હતી કે, વર્ષ ૨૦૨૬-૨૭ ની યોજના હેઠળ ખેડૂતોને કવરેજ પૂરું પાડવામાં આવી રહ્યું છે. માળીઓને પ્રોત્સાહિત કરવા માટે સરકારે સબસિડીના ખજાના ખોલી દીધા છે. ભારત સરકાર દ્વારા એન્ટી-હેઇલ નેટ પર પ્રતિ ચોરસ મીટર ₹૨૮.૭૫ અને તેની સાથેની સપોર્ટ સિસ્ટમ માટે પ્રતિ ચોરસ મીટર વધારાના ₹૧૧.૫૦ આપવામાં આવી રહ્યા છે. આનો અર્થ એ થયો કે ખેડૂતને કુલ પ્રતિ ચોરસ મીટર ₹૪૦.૨૫ થી વધુની સરકારી સબસિડી સીધી પ્રાપ્ત થશે.
લક્ષ્યાંક વધારીને ૨૩.૫૦ લાખ ચોરસ મીટર કરાયો:
આ યોજના હેઠળ ખેડૂતોએ પોતાના બગીચામાં દર એક કેનાલ (Kanal) વિસ્તારમાં ૧૧ વાંસના મજબૂત થાંભલા લગાવવાના રહેશે, જેના પર આ વિશેષ જાળી ટકી રહેશે. ખીણમાં કરાના કારણે થતા ભારે નુકસાનને જોતા ખેડૂતો તરફથી આ જાળીની ભારે માંગ ઉઠી હતી. જેને પગલે સરકારે લક્ષ્યાંક વધારીને ૨૩.૫૦ લાખ ચોરસ મીટર કરી દીધો છે, જેમાંથી ૫.૫૦ લાખ ચોરસ મીટરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
ઓનલાઈન અરજી પ્રક્રિયા:
વિકાસ આનંદે વધુમાં જણાવ્યું કે, જે ખેડૂતો પોતાના સફરજનના બગીચાને સુરક્ષિત કરવા ઈચ્છે છે તેઓ જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકે છે. આ ઉપરાંત કોઈ સમસ્યા કે વધુ માહિતી માટે તેઓ પોતાની નજીકની બાગાયત કચેરીનો સંપર્ક સાધી શકે છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
