તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
કાળઝાળ ગરમીથી ત્રાહિમામ કાશી: ગંગાજીના પવિત્ર જળમાં ઉભા રહી સંતોએ શહેનાઈ પર છેડ્યો 'રાગ મેઘ', ઇન્દ્રદેવને રીઝવવા અનોખી જળ-પ્રાર્થના!
૪૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે અસ્સી ઘાટ પર અદભુત નજારો; કાશી વિશ્વનાથ મંદિરના વિખ્યાત વાદક પંડિત મહેન્દ્ર પ્રસન્નાએ પ્રચંડ લૂ વચ્ચે બે દાયકા જૂની પરંપરા નિભાવી

વારાણસી, : દેશભરમાં સૂર્યનારાયણ પ્રકોપ વરસાવી રહ્યા છે ત્યારે ધાર્મિક નગરી વારાણસી (કાશી) માંથી આસ્થા, સંગીત અને સંસ્કૃતિનો એક અત્યંત અનોખો સમન્વય જોવા મળ્યો છે. અસહ્ય ગરમી અને આકરા હીટવેવ (ગરમીના મોજા) થી જનજીવન કષ્ટીમાં મુકાતા, કાશીના સંતો અને સંગીતકારોએ કાળઝાળ હવામાનમાંથી રાહત મેળવવા અને અમીછાંટણા કરવા માટે એક અદભુત આધ્યાત્મિક વિધિ કરી છે. ગંગા નદીના પવિત્ર અસ્સી ઘાટ અને રેવા ઘાટ ખાતે ઘૂંટણ સમાણા પાણીમાં ઊભા રહીને સંતોએ અષાઢી માહોલ સર્જવા માટે ભગવાન ઇન્દ્રને વિશેષ સંગીતમય આરાધના કરી હતી.
ગંગાના પ્રવાહ વચ્ચે ગુંજી ઉઠ્યો 'રાગ મેઘ'
આ અનોખી ધાર્મિક વિધિનું નેતૃત્વ પ્રખ્યાત કાશી વિશ્વનાથ મંદિરના સત્તાવાર શહેનાઈ અને ક્લેરનેટ વાદક પંડિત મહેન્દ્ર પ્રસન્ના અને તેમની ટીમે કર્યું હતું. મંગળવારે રેવા ઘાટની સામે પવિત્ર ગંગાજીના પ્રવાહની વચ્ચે ઉતરીને પંડિત પ્રસન્નાએ પોતાની સેનાઈ અને ક્લેરનેટ પર શાસ્ત્રીય સંગીતનો પ્રસિદ્ધ 'રાગ મેઘ' છેડ્યો હતો. ભારતીય આધ્યાત્મિક પરંપરામાં એવી પ્રબળ માન્યતા છે કે સાચા હૃદયથી અને શુદ્ધ સુરોથી જો રાગ મેઘ આલાપવામાં આવે તો તે સીધો મેઘરાજા એટલે કે વરસાદના દેવતા ઇન્દ્ર સુધી પહોંચે છે અને વાદળો વરસવા મજબૂર બને છે.
૪૫ ડિગ્રીની ભઠ્ઠી વચ્ચે બે દાયકા જૂની પરંપરા
વારાણસીમાં હાલ પારો ૪૫ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે, જેના કારણે પશુ-પંખી અને માણસો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવી અસહ્ય લૂ વચ્ચે પણ પંડિત મહેન્દ્ર પ્રસન્નાએ ગંગા નદીના પાણીમાં ઉભા રહીને 'રિમઝીમ બરસે બદરિયા', 'કાલે બદરા', 'મા ગંગા' અને 'બરસો રે મેઘ' જેવા ભક્તિસભર હૃદયસ્પર્શી ગીતોના સૂર રેલાવ્યા હતા. કાશીના સ્થાનિક ભક્તોના જણાવ્યા મુજબ, પંડિત પ્રસન્ના છેલ્લા બે દાયકાથી (૨૦ વર્ષ) જ્યારે પણ વિસ્તારમાં ભયંકર દુષ્કાળ કે ગરમીનો પ્રકોપ વધે છે ત્યારે આ પવિત્ર પરંપરા નિભાવીને લોકકલ્યાણ માટે પ્રાર્થના કરે છે. આ અદ્ભુત નજારો જોવા માટે ઘાટ પર સેંકડો ભક્તોની ભીડ ઉમટી પડી હતી.
ત્રણ ધર્મોમાં પૂજનીય છે દેવરાજ ઇન્દ્ર
સનાતન હિન્દુ ધર્મમાં ભગવાન ઇન્દ્રને સ્વર્ગના સર્વોચ્ચ રાજા તેમજ વરસાદ અને વાવાઝોડાના અધિપતિ દેવ માનવામાં આવે છે, જેઓ મહર્ષિ દધીચીના હાડકાંમાંથી બનેલા શક્તિશાળી 'વજ્ર' નું શસ્ત્ર ધારણ કરે છે અને 'ઐરાવત' નામના ચાર દાંતવાળા ભવ્ય શ્વેત હાથી પર સવારી કરે છે. માત્ર હિન્દુ ધર્મ જ નહીં, પરંતુ બૌદ્ધ ધર્મમાં પણ તેમને બુદ્ધના ઉપદેશોના સમર્પિત રક્ષક 'સક્ર' (ઇન્દા) તરીકે વિશિષ્ટ સ્થાન મળ્યું છે. આ ઉપરાંત, જૈન ધર્મમાં પણ તીર્થંકરોના કલ્યાણક મહોત્સવો અને ધાર્મિક વિધિઓનું નેતૃત્વ કરવા માટે પ્રથમ સ્વર્ગના રાજા તરીકે ઇન્દ્રદેવને અત્યંત પૂજનીય માનવામાં આવે છે. કાશીના સંતોને દ્રઢ વિશ્વાસ છે કે આ સૂર સાધનાથી પાવન નગરી પર મેઘરાજા ટૂંક સમયમાં જ મહેરબાન થશે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
