<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

કરીના કપૂરના ૩૦ કેરેટના પન્નાના પેન્ડન્ટ પર વિવાદનો મધપૂડો છૂટ્યો: કોંગ્રેસ નેતાએ અભિનેત્રી અને સ્ટાઈલિશને ફટકારી કાનૂની નોટિસ

દિવાળી લુકમાં પહેરેલા શાહી ઘરેણા પર પવિત્ર આયત કોતરેલી હોવા સામે વાંધો ઉઠાવીને સોશિયલ મીડિયા પરથી ફોટા હટાવવા અને જાહેરમાં માફી માંગવાની માંગ

મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનના દિવાળીના એક શાહી લુકને કારણે નવો જ વિવાદ સર્જાયો છે. અભિનેત્રીએ દિવાળી પર્વ પર પહેરેલા ૩૦ કેરેટના કિંમતી પન્નાના પેન્ડન્ટ પર ઇસ્લામ ધર્મની પવિત્ર આયત 'આયતુલ કુર્સી' કોતરેલી હોવાને લઈને ભારે વિરોધ શરૂ થયો છે. આ મા मामलेમાં કોંગ્રેસના નેતા અને નેશનલ મીડિયા કો-ઓર્ડિનેટર અબ્બાસ હફીઝ દ્વારા કરીના કપૂર અને તેની સ્ટાઇલિસ્ટ રિયા કપૂરને સત્તાવાર રીતે કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે.

સમગ્ર વિવાદની વિગતો મુજબ, દિવાળીના અવસરે કરીના કપૂરે શેર કરેલી તસવીરોમાં તેણે બેજ રંગના કાફ્તાન સાથે ભોપાલના શાહી પરિવારની આશરે ૨૦૦ વર્ષ જૂની વિરાસતી કલગી અને ૩૦ કેરેટનું પન્નાનું પેન્ડન્ટ પહેર્યું હતું, જેને રિયા કપૂરે ડિઝાઇન કર્યું હતું. આ ઘરેણું સૈફ અલી ખાનના પરિવાર મારફતે કરીના સુધી પહોંચ્યું હતું. જો કે, પેન્ડન્ટ પર ધાર્મિક પવિત્ર આયત કોતરેલી હોવાને કારણે તેના પ્રદર્શન અને તેને પહેરવાની રીત સામે ધાર્મિક લાગણી દુભાવાના આક્ષેપો સાથે સવાલો ઉઠ્યા છે.

મોકલવામાં આવેલી કાનૂની નોટિસમાં અબ્બાસ હફીઝે સ્પષ્ટ કર્યું છે કે તેમને કરીનાના કપડાં કે વ્યક્તિગત પસંદગી સામે કોઈ જ વાંધો નથી, પરંતુ પવિત્ર આયત ધરાવતા આ ઘરેણાંને જે રીતે સોશિયલ મીડિયા પર પ્રદર્શિત કરવામાં આવ્યું છે તેનાથી ધાર્મિક ગરિમાને ઠેસ પહોંચી છે. નોટિસમાં માંગ કરવામાં આવી છે કે કરીના અને રિયા કપૂર તાત્કાલિક ધોરણે સંબંધિત તમામ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવી લે અને જાહેરમાં માફી માંગે, તેમજ ભવિષ્યમાં આ પ્રકારની બાબતોમાં સાવધાની રાખે.

આ વિવાદે હવે સોશિયલ મીડિયાથી લઈને રાજકીય અને મનોરંજન જગતમાં ભારે ચર્ચા જગાવી છે. એક તરફ ભોપાલના શાહી ઘરરાણાની ઐતિહાસિક વિરાસત તરીકે આ ઘરેણાનું મહત્વ દર્શાવવામાં આવ્યું હતું, તો બીજી તરફ ધાર્મિક પ્રતીકોના ઉપયોગને લઈને ઊભેલા આ વિરોધે નવો વળાંક લીધો છે. હાલ આ મામલે કરીના કપૂર કે રિયા કપૂર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી પૂરી સંભાવનાઓ છે.

(12:30 AM IST)