તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
'કારસેવકો પર ગોળી ચલાવનારાઓ આજે રામભક્તિનો પાઠ ભણાવે છે!': રામ મંદિરના દાન વિવાદ પર CM યોગીના વિપક્ષ પર આકરા પ્રહાર
રામ મંદિર દાનમાં ગેરરીતિના આરોપો વચ્ચે CM યોગીએ સ્પષ્ટ કર્યું કે SIT તપાસથી સત્ય બહાર આવશે; વિપક્ષના 'બેવડા ધોરણો' પર સાધ્યું નિશાન

અયોધ્યા, તા. 18 જૂન 2026: રામ મંદિર નિર્માણ અને તેમાં મળેલી દાનની રકમના ઉપયોગને લઈને મચેલા રાજકીય ઘમસાણ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા છે. અયોધ્યાના રુદૌલીમાં આયોજિત એક જાહેર સભાને સંબોધતા CM યોગીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જે લોકોએ ભૂતકાળમાં કારસેવકો પર ગોળીઓ ચલાવી અને ભગવાન રામના અસ્તિત્વને નકાર્યું હતું, તેઓ આજે રામભક્તોની ચિંતા કરવાનો ડોળ કરી રહ્યા છે.
'વિપક્ષનો ઇતિહાસ રામવિરોધી રહ્યો છે'
CM યોગીએ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, જે કોંગ્રેસ પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપીને ભગવાન રામના અસ્તિત્વને જ નકારી કાઢ્યું હતું અને મંદિર નિર્માણ અટકાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા, તેઓ આજે રામભક્તોના અપમાનની વાતો કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, "સમાજવાદી પાર્ટીના બેવડા ધોરણો જુઓ, જેમના શાસનકાળમાં કારસેવકો પર ગોળીબાર કરવામાં આવ્યો અને 'જય શ્રી રામ' બોલનારાઓને લાઠીઓ મારીને લોહીલુહાણ કરવામાં આવ્યા, આજે તેઓ જ અમને રામભક્તિનો ઉપદેશ આપવા નીકળ્યા છે!"
SIT તપાસથી સત્ય આવશે સામે
મંદિર ટ્રસ્ટ પર થઈ રહેલા ભ્રષ્ટાચારના આરોપો અંગે CM યોગીએ કહ્યું કે, મંદિર ટ્રસ્ટની વિનંતી પર જ રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે. આ ત્રણ સભ્યોની પેનલમાં લખનૌના ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંત, પોલીસ મહાનિરીક્ષક કિરણ એસ અને ખાસ સચિવ (નાણા) નીલ રતનનો સમાવેશ કરવામાં આવ્યો છે. CM એ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ તપાસમાં બધું જ સ્પષ્ટ થઈ જશે અને સત્ય લોકો સામે આવશે. તેમણે રામભક્તોને અપીલ કરી હતી કે કોઈ પણ ભડકાઉ નિવેદન ન આપે અને જો કોઈ પાસે પુરાવા હોય, તો તે SIT સમક્ષ રજૂ કરે.
શું છે સમગ્ર વિવાદ?
તાજેતરમાં સમાજવાદી પાર્ટીના નેતા પવન પાંડેએ દાનમાં 7 થી 7.5 કરોડ રૂપિયાના કથિત દુરુપયોગનો આરોપ લગાવ્યા બાદ રાજકીય ગરમાવો આવ્યો છે. આ ઉપરાંત RJD સાંસદ સુધાકર સિંહે ટ્રસ્ટને કાનૂની નોટિસ પાઠવીને 2021-22 થી 2025-26 સુધીનો ઓડિટેડ હિસાબ માંગ્યો છે. જોકે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને ભારપૂર્વક કહ્યું છે કે મંદિરનું નિયમિત ઓડિટ કરવામાં આવે છે અને કોઈ પણ પ્રકારની નાણાકીય ગેરરીતિ થઈ નથી.
આ મામલે હવે SIT ની તપાસ પર સૌની નજર ટકેલી છે, કારણ કે આ અહેવાલ રાજ્ય સરકારને સોંપવામાં આવશે અને તે બાદ જ મંદિર દાનના વિવાદ પર પડદો પડશે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
