News of Friday, 6th November 2026
કન્નૌજમાં પતિએ પત્નીને ખુરશી સાથે બાંધી જીવતી સળગાવી
પ્રેમલગ્ન, અફેરની શંકા અને ખૌફનાક અંત!

કન્નોજ : ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાંથી માનવતાને શરમાવે તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. છિબ્રામઉ વિસ્તારના જગતપુર ગામમાં એક પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી હતી. આરોપ છે કે પતિએ પોતાની ૩૦ વર્ષીય પત્ની સોનમને ખુરશી સાથે દોરડાથી બાંધી દીધી હતી. ત્યારબાદ તેના પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આ ભયાનક ઘટનામાં મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. પોલીસે ફરાર આરોપી પતિ સુખબીર સિહ ઉર્ફે મોનૂને ઝડપી લીધો છે.
મળતી વિગતો અનુસાર, જગતપુર ગામના રહેવાસી સુખબીર સિહે આશરે ૧૧ વર્ષ પહેલાં સોનમ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર અને એક પુત્રી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી પતિને શંકા હતી કે સોનમને ગામના જ એક યુવક સાથે પ્રેમસંબંધ છે. સુખબીરને તાજેતરમાં પત્ની તે યુવક સાથે ફોન પર વાત કરતી હોવાની જાણ થતાં બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો. સોનમ પોતાના પતિને છોડીને પ્રેમી સાથે રહેવા માંગતી હોવાની પણ ચર્ચા છે.
આ વિવાદને લઈને ૨ દિવસ પહેલાં સિકંદરપુર પોલીસ ચોકીમાં બંને પક્ષોને બોલાવી પંચાયત કરવામાં આવી હતી. લાંબી ચર્ચા અને સમાધાનના પ્રયાસો બાદ સોનમ પતિ સાથે રહેવા અને પ્રેમીથી દૂર રહેવા સંમત થઈ હોવાનું કહેવાય છે. જોકે, પંચાયતના દિવસે જ સાંજે પ્રેમીએ કથિત રીતે ઝેરી પદાર્થ ગટગટાવી લીધો હતો. તબિયત બગડતાં તેને સ્થાનિક ક્લિનિકમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ તેનો જીવ બચી ગયો હતો.
આ ઘટનાના બીજા દિવસે ફરી પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે ગુસ્સામાં સુખબીરે સોનમને ખુરશી સાથે મજબૂત રીતે બાંધી દીધી હતી અને તેના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આસપાસના લોકોને જાણ થાય ત્યાં સુધીમાં મહિલા ગંભીર રીતે દાઝી ચૂકી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડે આશરે દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં સોનમનો મૃતદેહ સંપૂર્ણપણે બળી ગયો હતો અને માત્ર હાડપિજરનાં અવશેષો જ મળ્યા હતા. ઘટના બાદ આરોપી પતિ બાળકોને લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે થોડા જ કલાકોમાં સુખબીરની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે મૃતદેહના અવશેષોને પોસ્ટમોર્ટમ માટે મોકલી સમગ્ર ઘટનાની તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
