<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

કૌશામ્બીમાં કાળમુખી માટીનો ઢગલો મહિલાઓ પર મોત બનીને તૂટ્યો: ખોદકામ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં માતા-પુત્રી સહિત ત્રણના કરુણ મોત

ઘરના ચૂલા માટે માટી લેવા ગયેલા પાંચ લોકો જીવતા દટાયા: ગ્રામજનોએ ભારે જહેમત બાદ કાટમાળ નીચેથી મૃતદેહો બહાર કાઢ્યા, ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ

કૌશામ્બી : ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં રવિવારની વહેલી સવાર માતમમાં ફેરવાઈ ગઈ હતી. મંઝનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચકથામા ગામમાં ઘરકામ માટે માટી ખોદવા ગયેલી મહિલાઓ અને બાળકો પર અચાનક માટીનો વિશાળ ટેકરો ધસી પડ્યો હતો. આ કાળઝાળ દુર્ઘટનામાં ગીતા દેવી અને તેમની છ વર્ષની માસૂમ પુત્રી અંકિતા સહિત ત્રણ લોકોના ગૂંગળામણના કારણે કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ચૂલાને પ્લાસ્ટર કરવા જેવી નાની બાબત માટે માટી લેવા જવું આટલું ઘાતક સાબિત થશે તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.

ઘટના સમયે પાંચ લોકો તળાવ પાસે માટી ખોદી રહ્યા હતા ત્યારે જમીન ઉપરનો મોટો હિસ્સો અચાનક ધસી પડતા બૂમાબૂમ મચી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનોએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ અને સ્થાનિકોએ કાટમાળ નીચે દટાયેલા તમામ લોકોને બહાર કાઢી જિલ્લા હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ કમનસીબે ડોક્ટરોએ ત્રણને મૃત જાહેર કર્યા હતા. આ કરુણ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું છે.

સીઓ સદર શિવાંક સિંહે જણાવ્યું હતું કે રવિવારે સવારે 6 થી 6:30 વાગ્યાની વચ્ચે જ્યારે ગ્રામજનો માટી ખોદવામાં વ્યસ્ત હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. હાલમાં બે ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમને ડોક્ટરોએ ખતરાની બહાર ગણાવ્યા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માટીના ટેકરા તૂટી પડવાની આ ઘટનાએ ફરી એકવાર ગ્રામીણ વિસ્તારોમાં જોખમી ખોદકામ સામે ચેતવણી આપી છે

(2:46 PM IST)