<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

કૈલાશ માનસરોવર યાત્રા પર મોંઘવારીનો માર: શિવભક્તોના ખિસ્સા પર પડશે ૨૦% વધુ બોજ

ડોલરના ભાવમાં ઉછાળો અને સુવિધાઓના ખર્ચમાં વધારાને કારણે યાત્રાનો કુલ ખર્ચ ₹૨.૦૯ લાખ પર પહોંચ્યો : લિપુલેખ પાસથી શરૂ થનારી ભક્તિની સફર માટે નોંધણી પ્રક્રિયા તેજ

નૈનીતાલ: ભગવાન શિવના પરમ ધામ કૈલાશ માનસરોવરની યાત્રા પર જવાની ઈચ્છા રાખતા શ્રદ્ધાળુઓ માટે આ વર્ષે આર્થિક પડકાર વધવાનો છે. ઉત્તરાખંડના લિપુલેખ પાસ થઈને જતી આ પવિત્ર યાત્રાના ખર્ચમાં સીધો ૨૦ ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ગત વર્ષે જે યાત્રાનો ખર્ચ આશરે ₹૧.૭૪ લાખ હતો, તે હવે વધીને ₹૨.૦૯ લાખ  થઈ ગયો છે. ડોલરના વધતા મૂલ્યને કારણે ચીની (તિબેટ) ક્ષેત્રમાં વિઝા અને તબીબી તપાસના દરો વધ્યા છે, જેની સીધી અસર ભારતીય ભક્તોના બજેટ પર જોવા મળી રહી છે.

કુમાઉ મંડળ વિકાસ નિગમ (KMVN), જે ભારતીય સરહદમાં રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા સંભાળે છે, તેણે પણ પોતાની ફીમાં ₹૮,૦૦૦નો વધારો કર્યો છે. હવે ભારતીય ક્ષેત્રમાં પ્રતિ પ્રવાસી ફી ₹૬૫,૦૦૦ નક્કી કરવામાં આવી છે. ૪ જુલાઈથી શરૂ થનારી આ યાત્રા માટે કુલ ૧૦ બેચ મોકલવાનું આયોજન છે, જેમાં દરેક બેચમાં ૫૦ યાત્રાળુઓનો સમાવેશ થશે. ૧૯૮૧માં ફરી શરૂ થયેલી આ યાત્રા કોવિડ-૧૯ બાદ ૨૦૨૫માં પુનઃસ્થાપિત કરવામાં આવી હતી, અને હવે ૨૦૨૬માં આ યાત્રા નવા દરો સાથે શ્રદ્ધાળુઓનું સ્વાગત કરશે.

હિન્દુ ધર્મમાં કૈલાશ પર્વતને ભગવાન શિવનું સાક્ષાત નિવાસસ્થાન અને માનસરોવર તળાવને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. માન્યતા છે કે આ દુર્ગમ પર્વતની પરિક્રમા કરવાથી જન્મોજન્મના પાપોમાંથી મુક્તિ મળે છે. ભલે ખર્ચમાં વધારો થયો હોય, પરંતુ શિવભક્તોમાં આ પવિત્ર ધામના દર્શન માટેનો ઉત્સાહ જરાય ઓછો થયો નથી. યાત્રા માટેની નોંધણીઓ શરૂ થઈ ચૂકી છે અને હજારો ભક્તો આ કઠિન માર્ગ પર શ્રદ્ધાના જોરે આગળ વધવા માટે સજ્જ થઈ રહ્યા છે.

(10:14 PM IST)