News of Tuesday, 28th April 2026
જુવાનજોધ દીકરીનું માથું મુંડાવી નાખ્યું! માતા-પિતાએ કેમ લીધો આવો આકરો નિર્ણય?
અમરાવતી જિલ્લાના વરુડ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી : ૧૬ વર્ષની કિશોરી સાથે પોતાના જ માતા-પિતા દ્વારા અમાનવીય વ્યવહાર કરાયો હોવાનો આરોપ લાગ્યો

અમરાવતી,તા.૨૮: મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના વરુડ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ૧૬ વર્ષની કિશોરી સાથે પોતાના જ માતા-પિતા દ્વારા અમાનવીય વ્યવહાર કરાયો હોવાનો આરોપ લાગ્યો છે. જ્યારે ડરની મારી કિશોરી પોલીસ સ્ટેશને પહોંચી અને ફરિયાદ નોંધાવી ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી. પોલીસમાં નોંધાયેલા નિવેદન અનુસાર, માતા-પિતાએ આ પગલું એવી આશંકાના કારણે લીધું હતું કે તેની દીકરી યુવાવસ્થામાં પ્રવેશ કરી રહી છે અને ક્યાંક તે કોઈ યુવકની નજરમાં ન આવી જાય. એ ડરના કારણે તેઓએ પોતાની દીકરી સાથે કઠોર વર્તન કર્યું.
પીડિતાએ જણાવ્યું કે તેના માતા-પિતાએ જબરદસ્તી તેનું મુંડન કરાવી દીધું. જ્યારે તેણે વિરોધ કર્યો તો તેને માર મારવામાં આવ્યો. એટલું જ નહીં, તેને ઘરની અંદર પૂરી દેવામાં આવતી અને બહાર નીકળવાની પણ મનાઈ કરી દેવામાં આવી. આ સમગ્ર ઘટનાક્રમથી કિશોરી માનસિક રીતે ભાંગી પડી હતી. તે હિમત દાખવી સીધી વરુડ પોલીસ સ્ટેશને પહોંચી અને સમગ્ર ઘટનાની જાણકારી આપી. તેના નિવેદનના આધારે પોલીસે ૨૧ એપ્રિલે તેના માતા-પિતા સામે બાળ ન્યાય અધિનિયમ, ૨૦૧૫ની કલમ ૭૪ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.
પોલીસનું કહેવું છે કે, આ કાર્યવાહી સંપૂર્ણ રીતે પીડિતાના સ્પષ્ટ નિવેદન પર આધારે કરવામાં આવી છે. જ્યારે પ્રાથમિક તપાસમાં વધુ એક વાત સામે આવી છે કે, કિશોરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે તેની માએ જ મોકલી હતી. ત્યાર બાદ આખું પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું, વરુડ સ્ટેશનના પોલીસ ઇનચાર્જ અર્જુન ઠોસરેએ જણાવ્યું કે, પીડિતાની સુરક્ષા અને સારસંભાળને ધ્યાનમાં રાખતા તેને સરકારી બાળ નિરીક્ષણ ગૃહમાં મોકલવામાં આવી છે. ત્યાં તેની સંભાળ રાખવામાં આવી રહી છે જેથી તે સંપૂર્ણ રીતે સુરક્ષિત માહોલમાં રહી શકે.
હાલ પોલીસ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે, આ ઘટના પાછળ શું કારણ હોઈ શકે. આ ઘટના સમાજમાં બાળકો પ્રત્યે વ્યવહાર અને તેના અધિકારોને લઈને ઘણા સવાલો ઊભા કરે છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, કાયદા અંતર્ગત દરેક બાળકોની સુરક્ષા અને સન્માન જરૂરી છે અને કોઈપણ પ્રકારના અમાનવીય વ્યવહાર સહન કરવામાં આવશે નહીં.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
