તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
જૂનમાં અમેરિકાની ઇમિગ્રેશન અદાલતોએ 801 ભારતીયોને દેશમાંથી હાંકી કાઢવાના આદેશ આપ્યા
ડિપોર્ટ થનારા મોટાભાગના ભારતીયોમાં ગુજરાત અને પંજાબના લોકો મહેસાણાના રહીશની નકલી પાસપોર્ટ સાથે દિલ્હી એરપોર્ટ પર ધરપકડ

અમેરિકાથી ડિપોર્ટ થયેલા મેહસાણાના એક રહીશની દિલ્હી એરપોર્ટ પર નકલી ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ બંને ઘટનાઓ દર્શાવે છે કે અમેરિકામાં ડિપોર્ટેશન બાદ પણ કેટલાક ભારતીયો માટે કાનૂની મુશ્કેલીઓનો અંત આવતો નથી.
ટ્રાન્ઝેક્શનલ રેકોર્ડ્સ એક્સેસ ક્લિયરિંગહાઉસ (TRAC) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ જૂન 2026 દરમિયાન અમેરિકાની ઇમિગ્રેશન અદાલતોએ 801 ભારતીયો સામે દેશનિકાલના આદેશ આપ્યા હતા. મે મહિનામાં આ સંખ્યા 840 હતી. જોકે ભારતીયોની સંખ્યામાં થોડો ઘટાડો થયો હોવા છતાં સમગ્ર દેશમાં ડિપોર્ટેશન સંબંધિત નિર્ણયોની ઝડપ નોંધપાત્ર રીતે વધી છે.
મે મહિનામાં કુલ 58,339 ડિપોર્ટેશન આદેશો આપવામાં આવ્યા હતા, જે જૂનમાં વધીને 78,882 થયા હતા. એટલે કે માત્ર એક મહિનામાં લગભગ 30 ટકા વધારો નોંધાયો હતો. આ દર્શાવે છે કે અમેરિકાની ઇમિગ્રેશન અદાલતો હવે કેસોનો નિકાલ વધુ ઝડપથી કરી રહી છે.
આ આંકડા માહિતી અધિકાર કાયદા હેઠળ એક્ઝિક્યુટિવ ઓફિસ ફોર ઇમિગ્રેશન રિવ્યૂ (EOIR) પાસેથી મેળવેલા ઇમિગ્રેશન કોર્ટના રેકોર્ડના આધારે તૈયાર કર્યા છે. ટ્રાન્ઝેક્શનલ રેકોર્ડ્સ એક્સેસ ક્લિયરિંગ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે આ આંકડા દરેક કેસમાં નોંધાયેલા સૌથી ગંભીર ડિપોર્ટેશન આરોપ દર્શાવે છે. કેટલાક કેસોમાં અપીલ અથવા અન્ય કાનૂની કાર્યવાહી હજુ ચાલુ હોઈ શકે છે.
ભારતીયોમાં ખાસ કરીને ગુજરાત અને પંજાબના પ્રવાસીઓ મોટી સંખ્યામાં હોવાથી આ આંકડાઓ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ડિપોર્ટેશન કાર્યવાહી અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ (ICE), કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) અને યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) જેવી એજન્સીઓ મારફતે શરૂ કરવામાં આવે છે. પ્રક્રિયાની શરૂઆત નોટિસ ટુ અપિયરથી થાય છે, ત્યારબાદ ઇમિગ્રેશન જજ નક્કી કરે છે કે વ્યક્તિને અમેરિકામાં રહેવાની મંજૂરી આપવી કે દેશમાંથી બહાર મોકલવો.
જૂન 2026ના આંકડા મુજબ મેક્સિકો 15,773 કેસ સાથે પ્રથમ સ્થાને રહ્યું હતું. ત્યારબાદ વેનેઝુએલા 10,939, હોન્ડુરાસ 9,686 અને ગ્વાટેમાલા 8,340 કેસ સાથે રહ્યા હતા. એશિયાના દેશોમાં ભારત એકમાત્ર એવો દેશ હતો જ્યાંથી આટલી મોટી સંખ્યામાં ડિપોર્ટેશન આદેશો નોંધાયા હતા.
આ દરમિયાન અમેરિકાથી ડિપોર્ટ થયેલા મેહસાણાના 51 વર્ષીય વ્યક્તિની દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ (ICE) દ્વારા ડિપોર્ટ કરાયેલા આ વ્યક્તિને ભારતીય દૂતાવાસ, વોશિંગ્ટન દ્વારા જારી કરાયેલા ઇમર્જન્સી સર્ટિફિકેટના આધારે ભારતમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન આરોપ મૂકવામાં આવ્યો કે તેણે અન્ય વ્યક્તિના નામે બનાવવામાં આવેલા નકલી ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો.
ફરિયાદ મુજબ આ વ્યક્તિ માર્ચ 2011માં પોતાના મૂળ પાસપોર્ટ પર ભારત છોડીને ગયો હતો અને ત્યારબાદ ક્યારેય પરત ફર્યો નહોતો. 28 જૂનના રોજ ડિપોર્ટ થયા બાદ તે દિલ્હી પહોંચ્યો હતો. ઇમિગ્રેશન તપાસ દરમિયાન અધિકારીઓને પાસપોર્ટના બાયોડેટા પેજનો રંગ, પાસપોર્ટ નંબરની ફૉન્ટ અને ઘોસ્ટ ઇમેજમાં ગડબડ જોવા મળી હતી.
ડેટાબેઝ ચકાસણીમાં જાણવા મળ્યું કે પાસપોર્ટ નંબર અન્ય ભારતીય નાગરિકનો હતો અને તે પાસપોર્ટ અગાઉ ગુમ થયેલો જાહેર કરવામાં આવ્યો હતો. ઉપરાંત જે પાસપોર્ટ અમદાવાદમાંથી 2018માં જારી થયો હોવાનું દર્શાવાયું હતું, તે સમયે આ વ્યક્તિ 2011 પછી ભારતમાં આવ્યો જ નહોતો. ફોરેન્સિક તપાસમાં અલ્ટ્રાવાયોલેટ સુરક્ષા લક્ષણોમાં પણ તફાવત સામે આવતા તપાસકર્તાઓએ પાસપોર્ટ નકલી હોવાનું તારણ આપ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે મુસાફર પાસે ઇમર્જન્સી સર્ટિફિકેટની મૂળ નકલ ન હોવાથી ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલા દસ્તાવેજના આધારે મેન્યુઅલ એન્ટ્રી કરીને તેને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે એરલાઇનના રેકોર્ડ મુજબ તેણે ફ્લાઇટમાં મુસાફરી નકલી પાસપોર્ટના આધારે કરી હોવાનું સામે આવ્યું છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
