News of Tuesday, 30th June 2026
અમેરિકામાં આજે મંગળવારથી ૪ જુલાઈની ઉજવણી અને વર્લ્ડ કપ વચ્ચે કાળઝાળ ગરમીની ચેતવણી
અમેરિકાના ૨૫૦મા સ્વાતંત્ર્ય દિવસ અને ફિફા વર્લ્ડ કપ દરમિયાન ભયાનક હીટવેવની આગાહી: યુરોપમાં પણ આફ્રિકન એન્ટિસાયક્લોનના કારણે કાળઝાળ ગરમી પડી રહી છે: ઈટાલીમાં રેડ એલર્ટ જાહેર: ફ્રાન્સમાં અનેક ટ્રેનો રદ કરવામાં આવી

ન્યુયોર્ક : અમેરિકામાં તેના ૨૫૦મા સ્વાતંત્ર્ય દિવસ અને ફિફા વર્લ્ડ કપ દરમિયાન ભયાનક હીટવેવની આગાહી કરવામાં આવી છે. સાથે જ યુરોપમાં પણ આફ્રિકન એન્ટિસાયક્લોનના કારણે કાળઝાળ ગરમી પડી રહી છે. યુરોપની ગરમીના કારણે ઈટાલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે અને ફ્રાન્સમાં ટ્રેનો રદ કરવામાં આવી છે.
અમેરિકાના મધ્ય અને પૂર્વ ભાગોમાં આજે મંગળવારથી ૪ જુલાઈના વીકએન્ડ સુધી ભયાનક હીટવેવની આગાહી છે. નેશનલ વેધર સર્વિસ અનુસાર તાપમાન ૧૦૦ ડિગ્રી ફેરનહીટ એટલે કે ૩૮ ડિગ્રી સેલ્સિયસથી ઉપર જવાની શક્યતા છે. ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગરમીનો અહેસાસ વધુ થશે અને રાત્રિનું તાપમાન પણ ૭૦ ડિગ્રી ફેરનહીટની આસપાસ રહેશે જેથી લોકોને રાહત નહીં મળે. અમેરિકા બ્રિટનથી પોતાની આઝાદીની ૨૫૦મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે અને વોશિંગ્ટન ડીસીમાં ઈતિહાસનો સૌથી મોટો ફટાકડાનો કાર્યક્રમ યોજાવાનો છે. આ ઉપરાંત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડની મેચો પણ આ ભયંકર ગરમીમાં રમાશે.
દક્ષિણ અને ગ્રેટ પ્લેન્સ રાજ્યોમાં ૧૩ કરોડથી વધુ લોકો મધ્યમથી ગંભીર હીટવેવના જોખમ હેઠળ છે. નેબ્રાસ્કાથી ફ્લોરિડા સુધી હીટ ડોમ બની રહ્યો છે જે ૯ કરોડથી વધુ અમેરિકનોને અસર કરશે.
હીટવેવથી બચવા સત્તાવાળાઓની અપીલ અને જંગલની આગનું જોખમ
ગરમીના પ્રકોપને જોતા વોશિંગ્ટનમાં પબ્લિક એલર્ટ સિસ્ટમ દ્વારા લોકોને વધુ પાણી પીવા અને બપોરે બહાર જવાનું ટાળવા તેમજ પડોશીઓની તપાસ કરવા અપીલ કરવામાં આવી છે. નબળા વર્ગના લોકોમાં ગરમી સંબંધિત બીમારીઓનું જોખમ વધી ગયું છે. ફિનિક્સ અને મધ્ય ટેક્સાસ તેમજ દક્ષિણ પશ્ચિમના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે જ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત પશ્ચિમના મોટા ભાગોમાં જંગલમાં નવી આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે જેના પગલે નેશનલ વેધર સર્વિસ દ્વારા ગંભીર વાઇલ્ડફાયરની ચેતવણી આપવામાં આવી છે.
યુરોપમાં પણ હીટવેવનો કહેર ઈટાલીમાં રેડ એલર્ટ અને ફ્રાન્સમાં ટ્રેનો રદ
અમેરિકાની સાથે યુરોપ પણ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યું છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર સહારા રણમાંથી ઉત્તર તરફ આવતા ગરમ પવનો જેને આફ્રિકન એન્ટિસાયક્લોન કહેવાય છે તેના કારણે પશ્ચિમ અને મધ્ય યુરોપ પર હીટ ડોમ સર્જાયો છે. યુરોપના કેટલાક વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.
ઈટાલીના બોલોગ્ના અને ફ્લોરેન્સ તેમજ મિલાન અને તુરિન સહિતના ૮ શહેરોમાં સળંગ ઘણા દિવસોથી તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ફ્રાન્સમાં ભારે ગરમીના કારણે રેલવે નેટવર્કને માઠી અસર પહોંચી છે. સોમવાર સુધીમાં ૭૧ ઇન્ટરસિટી ટ્રેનો રદ કરવામાં આવી છે અને ઊંચા તાપમાનને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મોનિટરિંગ અને સમારકામ કરવામાં આવી રહ્યું છે.
યુરોપ અને અમેરિકામાં વન્યજીવો પર ગંભીર અસર અને વિક્રમજનક તાપમાનની આગાહી: કેટલીક પ્રજાતિઓ જોખમમાં મુકાઈ
બેલ્જિયમ અને જર્મની નજીકના વન્યજીવ બચાવ કેન્દ્રોમાં આશરે ૧૫૦ જેટલા ગરમીથી પીડિત પ્રાણીઓને લાવવામાં આવ્યા છે. આ પ્રાણીઓમાં ખાસ કરીને નાના પક્ષીઓનો વધુ સમાવેશ થાય છે અને લાંબા સમયથી પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે કેટલીક પ્રજાતિઓ જોખમમાં મુકાઈ છે.
નવ રાજ્યોમાં ખતરનાક ગરમી રહેશે
ક્લાઈમેટ સેન્ટ્રલના અહેવાલ મુજબ અલાબામા, અરકાનસાસ, ફ્લોરિડા, જ્યોર્જિયા, કેન્ટુકી, લ્યુઇસિયાના, મિઝોરી, દક્ષિણ કેરોલિના અને ટેનેસી જેવા રાજ્યોમાં લઘુત્તમ તાપમાન પણ ઊંચી અને વિક્રમજનક સપાટીએ નોંધાવાની શક્યતા છે.
હીટ વેવ અને હીટ ડોમ વચ્ચે તફાવત શું?
હીટ વેવ અને હીટ ડોમ વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરતા જણાવાયું છે કે હીટ વેવ એ સતત ઊંચા તાપમાનનો લાંબો સમયગાળો છે. જ્યારે હીટ ડોમની સ્થિતિમાં હવાનું ઊંચું દબાણ ગરમ હવાને કોઈ ચોક્કસ વિસ્તારમાં દિવસો કે અઠવાડિયા સુધી ઘેરી રાખે છે, જેનાથી ગરમી વધુ લાંબી, આકરી અને નુકસાનકારક બને છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
