તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
૧લી જુલાઈથી તમારા ખિસ્સા પર પડશે મોટો બોજ! પાસપોર્ટથી લઈને રેલવેના નિયમો બદલાશે, જાણો કઈ વસ્તુ મોંઘી થશે અને ક્યાં મળશે રાહત
જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય જનતાને અસર કરતા ૫ મોટા ફેરફારો અમલમાં આવશે: જાણી લો નવું ફી અને દંડનું માળખું

અમદાવાદ : નવો મહિનો શરૂ થવાની સાથે જ સામાન્ય નાગરિકોના ખિસ્સા પર સીધી અસર કરતા કેટલાક મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ૧લી જુલાઈ ૨૦૨૬થી પાસપોર્ટ, રેલવે પ્રવાસ અને અન્ય સરકારી સેવાઓ સાથે જોડાયેલા નિયમોમાં મોટા ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફેરફારો તમારા બજેટને કેવી રીતે પ્રભાવિત કરશે, તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:
૧. પાસપોર્ટ બનાવવો હવે બનશે મોંઘો
કેન્દ્ર સરકારે પાસપોર્ટ નિયમ ૧૯૮૦માં સુધારો કર્યો છે, જેના કારણે હવે નવો પાસપોર્ટ બનાવવો કે રિ-ઇશ્યુ કરાવવો વધુ ખર્ચાળ સાબિત થશે.
• ૩૬ પેજનો પાસપોર્ટ: સામાન્ય ફી ₹૧,૫૦૦થી વધારીને ₹૨,૫૦૦ કરવામાં આવી છે, જ્યારે તત્કાલ પાસપોર્ટ માટે ₹૩,૫૦૦ના બદલે હવે ₹૫,૦૦૦ ચૂકવવા પડશે.
• ૬૦ પેજનો પાસપોર્ટ: સામાન્ય ફી ₹૨,૦૦૦થી વધીને ₹૩,૫૦૦ થઈ ગઈ છે અને તત્કાલ સેવા માટે ₹૪,૦૦૦ના બદલે ₹૬,૦૦૦ આપવા પડશે.
૨. આધાર કાર્ડ ધારકો માટે સારા સમાચાર
જો તમે તમારા આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કરવા માંગો છો, તો ૧લી જુલાઈથી મોટી રાહત મળવા જઈ રહી છે. હાલમાં આ સુધારા માટે GST સહિત ₹૭૫ ચૂકવવા પડે છે, પરંતુ ૧લી જુલાઈથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી આ સર્વિસ તદ્દન ફ્રી (મફત) રહેશે. જોકે, ધ્યાનમાં રાખવું કે આ મફત સેવાનો લાભ માત્ર સત્તાવાર મોબાઈલ એપ મારફતે જ મેળવી શકાશે.
૩. રેલવેના નિયમો થયા કડક, દંડની રકમ બમણી થઈ
રેલવે પ્રશાસને શિસ્ત અને સુરક્ષા જાળવી રાખવા માટે દંડની રકમમાં મોટો વધારો કર્યો છે:
• સામાન્ય નિયમભંગ બદલ દંડ ₹૨૫૦થી વધારીને ₹૫,૦૦૦ કરવામાં આવ્યો છે.
• ટ્રેનમાં જોખમી કે પ્રતિબંધિત સામાન લઈ જવા પર ₹૧૦,૦૦૦નો ભારે દંડ અને ગંભીર કિસ્સામાં જેલની સજા પણ થઈ શકે છે.
• લાયસન્સ વગર રેલવે પરિસરમાં સામાન વેચનારાઓ પર ₹૨,૦૦૦નો દંડ થઈ શકે છે.
• કોઈ પુરૂષ મુસાફર મહિલા કોચમાં સફર કરતા પકડાશે તો તેને ₹૨,૫૦૦ સુધીનો દંડ ફટકારવામાં આવશે.
૪. ITR ફાઈલ કરવાની ડેડલાઈન નજીક
ટેક્સ પેયર્સ માટે આગામી દિવસો ખૂબ મહત્વના છે. નાણાકીય વર્ષ માટે ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. અંતિમ દિવસોમાં પોર્ટલ પર સર્જાતી ટેકનિકલ ખામીઓથી બચવા માટે વહેલી તકે રિટર્ન ફાઈલ કરી દેવું હિતાવહ છે.
૫. LPG, CNG અને PNGના ભાવ બદલાશે
દર મહિનાની પહેલી તારીખની જેમ આ વખતે પણ ૧લી જુલાઈથી રાંધણ ગેસ (LPG), સીએનજી (CNG), પીએનજી (PNG) અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની કિંમતોની સમીક્ષા કરવામાં આવશે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ઘટાડાને જોતાં ગ્રાહકોને આ વખતે ભાવમાં રાહત મળે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
