તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
માણસના ‘પગ’ થી પૃથ્વીના ‘મેરિડીયન’ સુધીની સફર: જાણો કેવી રીતે નક્કી થઈ ૧ મીટરની લંબાઈ? રાજાશાહીના જૂના માપદંડોને હટાવી વિજ્ઞાને રચ્યો નવો ઇતિહાસ
જ્યારે રાજાના હાથ બદલાતા ત્યારે કાપડનું માપ પણ બદલાઈ જતું! ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ પૃથ્વીના ઉત્તર ધ્રુવથી વિષુવવૃત્ત સુધીનું અંતર માપીને દુનિયાને આપ્યો ‘મીટર’નો અનોખો જાદુ

પેરિસ: આજે આપણે બજારમાં જઈએ ત્યારે ‘એક મીટર’ કાપડ માંગીએ છીએ, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ૧ મીટરની લંબાઈ આટલી જ કેમ રાખવામાં આવી? ૧૮મી સદી સુધી દુનિયામાં માપણી માટે ભારે અરાજકતા હતી. કોઈ ચોક્કસ માપદંડ નહોતો. તે સમયે રાજાઓના હાથ કે પગની લંબાઈને આધારે માપ લેવામાં આવતું હતું. પરિણામે, જો રાજા બદલાય તો માપ પણ બદલાઈ જતું, જેના કારણે વેપારમાં ભારે વિવાદો અને છેતરપિંડી થતી હતી.
પૃથ્વી બની માપપટ્ટી: ફ્રાન્સની ક્રાંતિકારી પહેલ
આ અંધાધૂંધીનો અંત લાવવા માટે ફ્રાન્સે ૭ એપ્રિલ, ૧૭૯૫ના રોજ એક ઐતિહાસિક કાયદો પસાર કર્યો. ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે માપન માટે કોઈ રાજાના શરીરનો નહીં, પણ પૃથ્વીનો આધાર લેવો જોઈએ. તેમણે સતત ૭ વર્ષ સુધી મુશ્કેલ સર્વેક્ષણ કર્યું. વૈજ્ઞાનિકોએ પૃથ્વીના ઉત્તર ધ્રુવ (North Pole) થી વિષુવવૃત્ત (Equator) સુધીના અંતરનો એક કરોડમો ભાગ (1/10,000,000) નક્કી કર્યો અને તેને ‘મીટર’ નામ આપ્યું.
સામાન્ય લોકો માટે રસ્તા પર મૂકાયા માર્બલ સ્લેબ
નવો ‘મીટર’ તો નક્કી થઈ ગયો, પણ સામાન્ય જનતા તેને સમજે કેવી રીતે? પેરિસના વહીવટીતંત્રે શહેરની મુખ્ય જાહેર ઈમારતો પર એક મીટર લાંબા આરસના સ્લેબ (માર્બલ ટાઇલ્સ) લગાવી દીધા. જેથી સામાન્ય નાગરિકો ત્યાં જઈને પોતાની માપપટ્ટી ચેક કરી શકે અને વેપારીઓ સાથે છેતરાય નહીં. આ એક એવી વ્યવસ્થા હતી જેણે વિજ્ઞાનને સીધું સામાન્ય માણસના ખિસ્સા સુધી પહોંચાડી દીધું.
પેરિસની શેરીઓમાં આજે પણ જીવંત છે ઇતિહાસ
સમય જતાં મોટાભાગના પથ્થરો અદૃશ્ય થઈ ગયા, પરંતુ આજે પણ પેરિસની મુલાકાત લેતા ઇતિહાસપ્રેમીઓ માટે બે મૂળ માર્બલ સ્લેબ હજુ પણ હયાત છે. આ સ્લેબ પેરિસના ‘પ્લેસ વેન્ડોમ’ અને ‘રુ ડી વોગિરાર્ડ’ ખાતે જોઈ શકાય છે. આ પથ્થરો માત્ર માપપટ્ટી નથી, પરંતુ તે માનવ સંસ્કૃતિની સમાનતા અને વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતીક છે.
મીટરના ઇતિહાસની ખાસ વાતો:
• ૧૭૯૫: ફ્રાન્સે મીટરને સત્તાવાર એકમ તરીકે માન્યતા આપી.
• આધાર: પૃથ્વીના મેરિડીયનનું અંતર.
• જૂની પદ્ધતિ: રાજાના અંગો (હાથ કે પગ) દ્વારા માપણી થતી.
• વારસો: પેરિસમાં હજુ પણ ૨ મૂળ મીટર સ્લેબ અસ્તિત્વમાં છે.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
