તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
ચારધામની યાત્રા થશે સરળઃ ૧૨૫ કિમીનો રેલમાર્ગ ૧૦૩ કિમી ટનલમાંથી થશે પસાર
ભારતીય રેલવેએ એવા એવા અંતરિયાળ સ્થળે રેલવેના પાટા પાથર્યા છે, જ્યાં અન્ય કોઈ સાધનથી પહોંચવું શક્ય નથી : ભારતીય રેલવેએ ઉત્તરાખંડમાં કનેક્ટિવિટી વધારવા માટે ૧૨૫ કિલોમીટરનો ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે

નવી દિલ્હીઃ ભારતમાં રોજ આશરે ૩ કરોડ લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. ભારતીય રેલવેએ એવા એવા અંતરિયાળ સ્થળે રેલવેના પાટા પાથર્યા છે, જ્યાં અન્ય કોઈ સાધનથી પહોંચવું શક્ય નથી. ભારતીય રેલવેએ ઉત્તરાખંડમાં કનેક્ટિવિટી વધારવા માટે ૧૨૫ કિલોમીટરનો ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ પૂરો થવા પર ઋષિકેશથી કર્ણપ્રયાગ સુધી જવામાં માત્ર ૨ કલાકનો સમય લાગશે. જેના માટે હાલ આખો દિવસ મુસાફરી કરવી પડે છે.
રેલવેએ ઋષિકેશ-કર્ણપ્રયાગ પ્રોજેક્ટ ૧૨૫ કિલોમીટરનો બનાવ્યો છે, જેમાં ૮૩ ટકા એટલે કે ૧૦૩ કિલોમીટરની મુસાફરી માત્ર ટનલ દ્વારા થશે. આ રૂટ ધાર્મિક યાત્રીઓ માટે લાઇફલાઈન સાબિત થઈ શકે છે. કેમ કે હાલ ચારધામ યાત્રા પર જતા લોકોને ન માત્ર ખતરનાક માર્ગ પરથી પસાર થવું પડે છે, પરંતુ તેમાં સમય પણ ઘણો લાગે છે. રેલવેએ આ પ્રોજેક્ટ પર ૧૨ રેલવે સ્ટેશન બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. આ રસ્તેથી કેદારનાથ, બદ્રીનાથ સહિતના ધાર્મિક સ્થળે જવામાં સરળતા રહેશે.
રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ પ્રોજેક્ટનો વીડિયો શેર કરી તેની ખાસિયત જણાવી હતી. તેઓએ જણાવ્યું કે, ૧૨૫ કિલોમીટરના આ પ્રોજેક્ટમાં ૧૨ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે અને કૂલ અંતરના ૮૩ ટકા ભાગ ટનલમાંથી પસાર થશે. આ રૂટ ઉત્તરાખંડના ૫ જિલ્લાને પાર કરશે. જેમાં દેહરાદૂન, ટેહરી ગઢવાલ, પૌડી ગઢવાલ, રુદ્રપ્રયાગ અને ચમોલી સામેલ છે. આ માર્ગ ઋષિકેશને સીધું દેવપ્રયાગ અને કર્ણપ્રયાગ સાથે જોડશે. પ્રોજેક્ટમાં બનાવવામાં આવેલા ૧૨ રેલવે સ્ટેશનમાં ઋષિકેશ, શિવપુરી, બયાસી, દેવપ્રયાગ, જનાસૂ, મલેઠા, શ્રીનગર, ધારી દેવી, તિલાની, ઘોલતીર, ગૌચર અને કર્ણપ્રયાગનો સમાવેશ થાય છે.
ભારતીય રેલવેએ જણાવ્યું કે ૧૨૫ કિલોમીટરના આ પ્રોજેક્ટમાંથી ૮૪ ટકા ભાગ ટનલમાંથી પસાર થશે. આખા રેલમાર્ગમાં ૧૬ મુખ્ય ટનલ અને ૧૨ એસ્કેપ ટનલ એટલે કે ઇમરજન્સી ટનલ બનાવવામાં આવી રહી છે. ૧૦૪ કિલોમીટરની મુખ્યમાંથી ૧૦૧ કિલોમીટરનો ભાગ અત્યાર સુધીમાં તૈયાર થઈ ચૂક્યો છે. જ્યારે ૯૮ કિલોમીટરની એસ્કેપ ટનલમાંથી પણ ૯૫ કિલોમીટરનો ભાગ તૈયાર થઈ ગયો છે. તેનો અર્થ એ છે કે, ટનલ બનાવવાનું કામ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને જલદી જ આ પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી છે.
આ રેલવે લાઇન પર માત્ર ટનલ જ નહીં, બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યા છે. નદીઓ અને ખીણોને પાર કરવા માટે આ પ્રોજેક્ટ પર ૧૯ પૂલ બનાવવામાં આવી રહ્યા છે. તેમાંથી ૧૧નું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. બાકી રહેલા બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે. હિમાલયના દુર્ગમ માર્ગ પર ટ્રેન દોડાવવામાં બ્રિજની મોટી ભૂમિકા હશે. રેલવેની તૈયારી છે કે આ આખા રૂટ પર ફૂલોવાળા છોડ લગાવવામાં આવે, જેથી અહીં મધમાખીઓ માટે કોરિડોર તૈયાર કરી શકાય. આ રૂટ તૈયાર થયા પછી ચારધામ યાત્રા ઘણી સરળ થઈ જશે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
