<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

રામ મંદિર ટ્રસ્ટના નવા સીઈઓ જિતેન્દ્ર મિશ્રા ચાર્જ સંભાળતા જ પત્રકારો પર ભડક્યા: "હું તમને બધાને ઓળખું છું, ફરી અંદર નહીં આવવા દઉં!"

પૂર્વ એર માર્શલ અને નવનિયુક્ત CEO અયોધ્યામાં પ્રથમ બેઠક પૂર્વે જ મીડિયાના પ્રશ્નોથી ગુસ્સે થયા. વાયરલ વીડિયોથી ભારે વિવાદ; બાદમાં બોલ્યા- 'મારી ભૂમિકા સમજવામાં થોડો સમય લાગશે.'

અયોધ્યા : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રથમ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત થયેલા નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા પોતાના કાર્યકાળના પ્રથમ જ દિવસે મોટા વિવાદમાં સપડાયા છે. અયોધ્યા ખાતે ટ્રસ્ટની પ્રથમ બેઠકમાં હાજરી આપવા પહોંચેલા નવા સીઈઓ મીડિયાકર્મીઓના પ્રશ્નો સાંભળીને અચાનક ઉશ્કેરાઈ ગયા હતા અને પત્રકારોને અંદર આવતા રોકીને ખુલ્લી ચીમકી આપી દીધી હતી. આ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.

 

પત્રકારો પર ગુસ્સે થઈને આપી ચીમકી

ગુરુવારે રામઘાટ સ્થિત શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર કાર્યાલય ખાતે ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાઈ હતી. નવનિયુક્ત સીઈઓ જિતેન્દ્ર મિશ્રા જેવા કાર્યાલયમાં પ્રવેશ કરવા ગયા કે તરત જ હાજર પત્રકારોએ રામ મંદિર નિર્માણ અને વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું હતું. આ બાબતે નારાજ થઈને સીઈઓએ કડક સ્વરે કહ્યું, "જુઓ, હું તમને બધાને બરાબર ઓળખું છું; હું તમને ફરી ક્યારેય અંદર આવવા નહીં દઉં!" આટલું કહીને તેઓ સીધા મીટિંગ હોલમાં જતા રહ્યા હતા. નવા સીઈઓના આ વર્તન સામે અયોધ્યાના મીડિયાજગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

પરિચય બેઠક અને ભાવુક નિવેદન

તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે યોજાયેલી બેઠક બાદ જિતેન્દ્ર મિશ્રાએ વલણ નરમ પાડતાં જણાવ્યું હતું કે, "આ એક પ્રાથમિક પરિચય બેઠક હતી, જ્યાં હું ટ્રસ્ટના અન્ય સભ્યોને મળ્યો છું. સંસ્થાની કામગીરી, મારી ભૂમિકા અને જવાબદારીઓને સંપૂર્ણપણે સમજવામાં હજુ થોડા દિવસો લાગશે." તેમણે ઉમેર્યું હતું કે તેઓ પોતાને અત્યંત ભાગ્યશાળી માને છે કે જીવનમાં તેમને બે મોટી જવાબદારીઓ મળી છે - પહેલી રાષ્ટ્ર સેવા અને હવે ભગવાન શ્રી રામ તથા તેમના ભક્તોની સેવા.

 

ઓપરેશન સિંદૂરના નાયકથી રામ મંદિરના સીઈઓ સુધીની સફર

ઉલ્લેખનીય છે કે પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ ભારતીય વાયુસેનામાં પશ્ચિમી એર કમાન્ડનું નેતૃત્વ કરતી વખતે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમની આ શ્રેષ્ઠ સેવાઓ અને સંચાલન ક્ષમતાને ધ્યાનમાં રાખીને પસંદગી સમિતિ દ્વારા બુધવારે તેમને ટ્રસ્ટના પ્રથમ સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અયોધ્યા એરપોર્ટ પર વાતચીત દરમિયાન તેમણે આ નિમણૂકને ભગવાન રામના આશીર્વાદ ગણાવ્યા હતા અને ટૂંક સમયમાં જ ભાવિ આયોજનો જાહેર કરવાની ખાતરી આપી હતી.

 

(8:09 PM IST)