News of Saturday, 15th August 2026
EPS પેન્શનધારકોને ઝટકો: લઘુત્તમ પેન્શન રૂપિયા ૭,૫૦૦ નહીં થાય, માત્ર ૧,૦૦૦ રૂપિયા જ ચાલુ રહેશે
સંસદમાં સરકારે સ્પષ્ટતા કરતા દેશના ૮૫ લાખથી વધુ નિવૃત્ત કર્મચારીઓની આશાઓ પર પાણી ફરી ગયું

નવી દિલ્હી: કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ લઘુત્તમ માસિક પેન્શન ૧,૦૦૦ રૂપિયાથી વધારીને ૭,૫૦૦ રૂપિયા કરવામાં આવશે તેવી લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત લાવતા, ગુરુવારે સંસદમાં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલમાં સરકાર સમક્ષ પેન્શન વધારવાનો કોઈ જ પ્રસ્તાવ નથી. દક્ષિણ દિલ્હીના સાંસદના પ્રશ્નના ઉત્તરમાં સરકારે લોકસભામાં ખુલાસો કર્યો છે કે ફંડની સ્થિરતા અને ભવિષ્યની નાણાકીય જવાબદારીઓને ધ્યાનમાં રાખીને વર્તમાન સિસ્ટમ મુજબ ૧,૦૦૦ રૂપિયાની લઘુત્તમ પેન્શન મર્યાદા જ યથાવત રાખવામાં આવશે.
સરકારના આ સત્તાવાર નિવેદનને કારણે દેશભરના ૮૫.૮૪ લાખથી વધુ પેન્શનરોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. મંત્રાલય દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, ૧ સપ્ટેમ્બર ૨૦૧૪થી અમલમાં આવેલી આ યોજના હેઠળ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા બજેટરી સહાય પૂરી પાડવામાં આવે છે, જેમાં એમ્પ્લોયરનું ૮.૩૩% અને સરકારનું ૧.૧૬% યોગદાન સામેલ છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ સુધી આ યોજના અંતર્ગત કુલ ૧૫,૮૧૯.૨૮ કરોડ રૂપિયાનું પેન્શન વિતરિત કરવામાં આવ્યું છે, અને સરકાર ભવિષ્યમાં પણ આ સહાય જાળવી રાખવા કટિબદ્ધ છે.
બીજી બાજુ, EPS-95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ સહિતના પેન્શનર સંગઠનો દ્વારા મોંઘવારીના આ યુગમાં વૃદ્ધાવસ્થામાં ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ૭,૫૦૦ રૂપિયાની માંગણી અટલ રાખવામાં આવી છે. સંગઠન દ્વારા અગાઉ અનેક મેમોરેન્ડમ આપવા છતાં અને શાંતિપૂર્ણ દેખાવો કરવા છતાં સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા પેન્શનરોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું માનવું છે કે ૧,૦૦૦ રૂપિયાની વર્તમાન રકમ વર્તમાન મોંઘવારી સામે ખૂબ જ ઓછી સાબિત થઈ રહી છે.
આ પ્રકારે પેન્શન વધારાની માંગ ફગાવી દેવામાં આવતા આગામી સમયમાં પેન્શનર સંગઠનો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શનો વધુ તેજ કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. જો કે, તંત્ર દ્વારા ફંડની આર્થિક સધ્ધરતા અને સંતુલન જાળવવા માટે હાલ પૂરતી કોઈ નવી નીતિગત ફેરફારની શક્યતા નકારી કાઢવામાં આવી છે, જેના કારણે આગામી દિવસોમાં આ મામલે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાઓ વધુ વેગ પકડે તેમ છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
