News of Friday, 8th May 2026
મજાક બની ગઈ મરણતોલ: નાગપુરમાં લાઉન્જના કેશિયર પર સહકર્મીએ હસતા-હસતા છરી ફેંકી, હવામાં ખુલેલી બ્લેડ છાતીમાં આરપાર ઉતરી જતાં યુવકનું મોત
મિત્રતામાં ખેલાયો લોહિયાળ ખેલ: ફોલ્ડ કરી શકાય તેવી છરી હવામાં જ ખુલી જતાં કમનસીબ ઘટના બની, ઉત્તર પ્રદેશના યુવકે જીવ ગુમાવ્યો અને ઉત્તરાખંડના મિત્ર સામે હત્યાનો ગુનો નોંધાયો

નાગપુર: ક્યારેક અજાણતા કરેલી મજાક પણ કેટલી ભયાનક સાબિત થઈ શકે છે, તેનો જીવતો-જાગતો અને કરુણ કિસ્સો નાગપુરમાંથી સામે આવ્યો છે. શહેરના ધરપેટ વિસ્તારમાં આવેલી એક જાણીતી લાઉન્જમાં ફરજ બજાવતા ૨૬ વર્ષીય કેશિયરનું તેના જ સાથી કર્મચારી દ્વારા 'મજાકમાં' ફેંકવામાં આવેલી છરી વાગવાથી મોત નીપજ્યું છે. હવામાં ફેંકાયેલી ફોલ્ડિંગ છરી અધવચ્ચે જ ખુલી જતાં તે સીધી કેશિયરની છાતીમાં ઘૂસી ગઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ કમનસીબ ઘટના ગુરુવારે સાંજે ૪.૩૦ વાગ્યાની આસપાસ વેસ્ટ હાઈકોર્ટ રોડ પર આવેલી 'ટોક્યો બાર લાઉન્જ' માં બની હતી. મૃતક અવધેશકુમાર કૃષ્ણકુમાર (૨૬) ઉત્તર પ્રદેશનો વતની હતો, જ્યારે આરોપી આયુષ સુખબીરસિંહ નેગી (૨૪) ઉત્તરાખંડનો રહેવાસી છે. બંને મિત્રો હતા, સાથે કામ કરતા હતા અને હિલટોપ વિસ્તારમાં સાથે રહેતા પણ હતા.
ઘટના સમયે બંને મિત્રો વચ્ચે મજાક-મસ્તી ચાલી રહી હતી. આ દરમિયાન આયુષે ફોલ્ડ કરી શકાય તેવી છરી અવધેશ તરફ ફેંકી હતી. કમનસીબે, છરી જ્યારે હવામાં હતી ત્યારે જ તેની બ્લેડ ખુલી ગઈ અને તે સીધી જઈને અવધેશની છાતીમાં વાગી. છરી વાગતાની સાથે જ અવધેશ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. આયુષ અને અન્ય કર્મચારીઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
નાગપુર પોલીસે લાઉન્જના CCTV ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી છે. ફૂટેજમાં પણ જોવા મળ્યું છે કે આ ઘટના મજાક દરમિયાન બની હતી, તેમ છતાં ગંભીરતાને ધ્યાને લઈને આયુષ સામે હત્યાનો ગુનો નોંધી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. એક નાનકડી અને બેદરકાર મજાકે એક યુવાનનો જીવ લીધો અને બીજાનું ભવિષ્ય જેલના સળિયા પાછળ ધકેલી દીધું છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
