તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
જિયોના એઆઇ ચશ્મા..મોબાઇલ બહાર કાઢયા વિના પૈસા ચૂકવાશે
AIની મદદથી લોકોના જીવન સરળ બનાવવામાં મદદ થાય તેવી ક્રાંતિકારી સુવિધાઓ ટૂંક સમયમાં ઉપલબ્ધ - જીઓ એઆઇ વેરેબલ્સના અન્ય પ્રકારના ચશ્મા એવા હશે જે તમને પર્સનલ હોમ થિયેટરની જેમ મનોરંજન પણ કરાવશે અને એઆર-વીઆરથી વિદ્યાર્થીને ભણવામાં પણ મદદ કરશે : જિયોનો પોતાનો સેટેલાઇટ છોડવા માટે પણ તૈયારી - મનોરંજન, એજ્યુકેશન, હેલ્થ, વ્યાપાર, હોસ્પિટાલિટી, ગેમિગ, કૃષિ સહિતના ક્ષેત્રોમાં ગેમ ચેન્જર ટેકનોલોજી

મુંબઇ,તા.૧૯: ખિસ્સામાંથી મોબાઇલ ફોન કાઢ્યા વિના જ ક્યુ આર કોડ સામે જોઇ વોઇસ કમાન્ડ આપો અને પૈસાની ચૂકવણી થઇ જાય કે ઘરે અજાણ્યો વ્યક્તિ આવે તો તમારા મોબાઇલ ઉપર તમને સતર્ક કરતો મેસેજ આવી જાય કે ચશ્મા પહેરો તેમાંથી યુ ટ્યૂબ ઉપર ધૂરંધરનું ગીત મોટા સ્ક્રીન ઉપર દેખાતું હોય તેવું નિહાળી શકો તેવું ઇચ્છતા હોય તો તે સાકાર થવાના દિવસો બહુ દૂર નથી. જિયો કંપની એઆઇની મદદથી ટેકનોલોજી ક્ષેત્રે એવી ક્રાંતિકારી સુવિધાઓ સુલભ રીતે આપવા જઇ રહી છે જે અત્યાર સુધી વિદેશી કંપનીઓ ઉંચી કિમતે આપતી હતી.
તાજેતરમાં જ જિયો પ્લેટફોર્મ લિમિટેડના જંગી ઇસ્યુની જાહેરાત કરાઇ છે. ૨૦૨૬ના અંત સુધીમાં અને ૨૦૨૭ના વર્ષની શરૂઆતના મહિનાઓમાં એઆઇની મદદથી જિયો ટેકનોલોજી ક્ષેત્રે એવા ભવિષ્યલક્ષી ઉત્પાદનો બજારમાં લાવી રહી છે જે લગભગ દરેકના જીવન ઉપર સીધી કે આડકતરી અસર લાવશે. નવી મુંબઇમાં જિયોના મુખ્યાલયમાં રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં તેની સમગ્ર રેન્જનું નિદર્શન કરાયેલું છે. મનોરંજન, એજ્યુકેશન, હેલ્થ, વ્યાપાર, હોસ્પિટાલિટી, ગેમિગ, કૃષિ સહિત અનેક ક્ષેત્રે જીઓના ઉત્પાદનો લોકો માટે ઉપયોગી બને તે રીતે તૈયાર થઇ રહ્યા છે. જે સાધનો થકી સંવાદની જરૂર પડશે તો તે ફક્ત હિન્દી કે અંગ્રેજીમાં નહીં હોય ભારતની ઓછામાં ઓછી ૧૨ ભાષા પણ ઉપયોગ કરી શકાય તેવી રીતે ઉપલબ્ધ કરાવાશે. કેટલીક પ્રોડક્ટ બજારમાં મૂકાવાની શરૂઆત થઇ છે પરંતુ તે સીમિત સ્થળોએ અને ઓછી માત્રામાં છે પરંતુ આગામી સમયમાં જિયોના એઆઇ આધારીત, બ્રોડબેન્ડ આધારીત, ડિજિટલ ટેકનોલોજી આધારીત ઉત્પાદનો ધૂમ મચાવે તે રીતે તૈયારી કરાઇ રહી છે.
જિયો વોઇસ આધારિત સંવાદો દ્વારા એઆઇને મોબાઇલ કે લેપટોપના સ્ક્રીન સુધી જ મર્યાદિત ન રાખતા દૈનિક જીવનમાં કેવી રીતે ઉપયોગી બનાવી શકાય અને ઇન્ટરનેટ ઓફ થીંગ્સ કે ક્લાઉડ સર્વિસ થકી ભારતીય નાગરિકોના જીવનમાં વધુ સરળતા કેવી રીતે લાવી શકાય તે આગામી દિવસોમાં જોઇ શકાશે. જિયોના એઆઇ ચશ્મામાંથી લાઇવ ક્રિકેટ કોમેન્ટરી પણ સાંભળી શકાશે. હાલ બજારમાં મળતા અન્ય કંપનીના ચશ્મામાં એક આંખે જ જોઇ શકાય છે અને બીજી બંધ રાખવી પડે છે, જિયો એઆઇ વેરેબલ્સમાં બન્ને આંખથી જોઇ શકાશે. એટલું જ નહીં ચશ્માના નંબર હશે તો તેના માટે પણ ડિવાઇસ મળશે. ફક્ત મોબાઇલ જ નહીં લેપટોપ સાથે પણ અનેક પ્રોડક્ટ કનેક્ટ થઇ શકશે. જિયો સ્પેસ અંતર્ગત લોઅર ઓરબીટમાં પોતાનો સેટેલાઇટ છોડવામાં આવશે. તે પછી અંતરિયાળ કે ફરવા લાયક સ્થળોએ જ્યાં ઇન્ટરનેટ નથી પહોંચતું ત્યાં એક ડિવાઇસ ગાડીમાં જ લઇ જઇ શકાય તેવું અપાશે જે તમને ઇન્ટરનેટ કનેક્શન આપશે.
જીઓ વેરેબલ્સમાં એઆઇની મદદથી એવા ચશ્મા બનાવ્યા છે કે તેમાંથી સેવા સાથે માહિતી પણ ઉપલબ્ધ થશે. અત્યારે પેમેન્ટ કરવા ખિસ્સામાંથી ફોન બહાર કાઢો, અનલોક કરો, પેમેન્ટ એપ ખોલો, ક્યુઆર કોડ સામે ફોન રાખી સ્કેન કરો અને પાસવર્ડ નાખી પૈસા ચૂકવવા સુધીના સ્ટેપ છે. આ ચશ્માને મોબાઇલ ફોન સાથે કનેક્ટ કરવાથી યુપીઆઇ પેમેન્ટ વખતે બહાર કાઢવાની જરૂર નહીં પડે. ‘સ્કેન એન્ડ પે' સિસ્ટમથી આ કેમેરા ચશ્માં યુપીઆઇ ક્યુ આર કોડ સ્કેન કરી શકશે. તેને જોઇને આટલા રૂપિયા ચૂકવી આપો તેવો કમાન્ડ આપતા ચૂકવણી થઇ જશે. ફક્ત ચૂકવણી જ નહીં પણ તમે કોઇ હીલ સ્ટેશને પહોંચ્યા છો અને ત્યાં હવામાન કેવું છે કે વરસાદ થશે કે નહીં જાણવું હોય તો તે પણ જાણી શકાશે.
જીઓ એઆઇ વેરેબલ્સના અન્ય પ્રકારના ચશ્મા એવા હશે જે તમને પર્સનલ હોમ થિયેટરની જેમ મનોરંજન પણ કરાવશે અને એઆર-વીઆરથી વિદ્યાર્થીને ભણવામાં પણ મદદ કરશે. તે પહેરીને કનેક્ટ કરવાથી તમે સીરીયલ, ફિલ્મ, ગીતો કે કંઇપણ નિહાળી શકાશે. લાંબી સફર દરમિયાન તે ચશ્મા સાથે તમે તમારી પોતાની મનોરંજન કે આગવી દુનિયામાં ખોવાઇ શકશો. જે સ્ક્રીન દેખાશે તે ચશ્મા જેટલો નહીં હોય પરંતુ વર્ચ્યુઅલી એવો આભાસ કરાવશે કે તમે થિયેટરમાં સ્ક્રીન ઉપર જોઇ રહ્યા છો.
જીઓ આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આજે પણ અનેક ગ્રામ્ય અંતરિયાળ વિસ્તારમાં કોઇ બીમાર હોય તો લેબ રિપોર્ટ કરાવવા તાલુકા કે જિલ્લા મથકે જવું પડતું હોય છે. જિયોની એક બેગમાં સમાય તેવી હેલ્થ કીટ ટુ વ્હીલર ઉપર હેલ્થ વર્કર લઇ જઇ શકશે અને અનેક રિપોર્ટ કરી શકાશે શકશે. જીઓ હેલ્થ હબ મીની ક્લિનિકની ગરજ સારશે. એમ્બ્યુલન્સ કેમથી ડોકટરનો સંપર્ક કરીને સારવાર કરી શકાશે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
